નવી દિલ્હી: ચૂંટણી પંચે મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે નકલી અને બિન-સક્રિય મતદારોને દૂર કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ દેશભરની ડ્રાફ્ટ મતદાર યાદીઓમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન લાખોની સંખ્યામાં મૃત, નકલી અને સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. જેમાં સૌથી વધુ ગાજવીજ ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે, જ્યાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
SIRની કામગીરીમાં ગુજરાતમાં કેટલા મતદારો ઘટ્યા
SIRની કામગીરીમાં થયેલા મતદારોના ઘટાડામાં ઉત્તર પ્રદેશ પહેલા ક્રમે છે. ઉત્તર પ્રદેશની મતદાર ડ્રાફ્ટની યાદીમાંથી 29.9 મિલિયન (2.89 કરોડ) મતદારોને દૂર કરવામાં આવ્યા છે. અગાઉ આ યાદીમાં 154.4 મિલિયન મતદારો હતા, જે ઘટીને 125.5 મિલિયન થઈ ગયા છે. એટલે કે દર 100 માંથી 19 નામ રદ થયા છે. જેમાંથી 46.23 લાખ મૃત્યુ પામેલા અને 2.54 કરોડ નકલી અથવા ડુપ્લિકેટ મતદારો હતા. આ યાદીમાં તમિલનાડુ બીજા ક્રમે છે. તમિલનાડુમાં 9.7 મિલિયન મતદારોને દૂર કરાયા છે. દર 100 મતદારોએ 15 નામો રદ કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત ત્રીજા ક્રમે છે. SIR કામગીરીની ગુજરાતમાં પણ નોંધપાત્ર અસર જોવા મળી છે. ગુજરાતમાં 7.37 મિલિયન (73.73 લાખ) નામો યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જે કુલ મતદારોના 14.52 ટકા જેટલા થાય છે.
ઉપરોક્ત રાજ્યો સિવાય છત્તીસગઢમાં 2.73 મિલિયન (12.9 ટકા), પશ્ચિમ બંગાળમાં 5.82 મિલિયન (8 ટકા), મધ્યપ્રદેશમાં 4.27 મિલિયન (7.44 ટકા) તથા રાજસ્થાનમાં 4.18 મિલિયન ( 8 ટકા) મતદારોના નામ કમી થયા છે.
ચૂંટણી પંચના ડેટા મુજબ SIR કામગીરીની સૌથી ઓછી અસર લક્ષદ્વીપમાં જોવા મળી છે, જ્યાં માત્ર 2.79 ટકા મતદારોના નામ કાઢવામાં આવ્યા છે. કુલ 58000 મતદારોમાંથી માત્ર 16000 નામો જ રદ થયા છે. આ ઉપરાંત કેરળ, ગોવા અને પુડુચેરીમાં 8 થી 10 ટકા નામો રદ થયા છે.