Fri Sep 11 2026

Logo

મેવાણીનો ધારદાર સવાલ: મોદી સરકારે રાજ્યને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કેટલી રકમ ફાળવી? સરકારે જાહેર કર્યો આંકડો

2026-03-13 15:06:00
Author: Mayur Patel
મેવાણીનો ધારદાર સવાલ: મોદી સરકારે રાજ્યને ડિઝાસ્ટર મેનેજમેન્ટ  માટે કેટલી રકમ ફાળવી? સરકારે જાહેર કર્યો આંકડો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે ફાળવેલી રકમનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને કઈ કુદરતી આપત્તિ માટે કેટલી નાણાંકીય સહાય માટેની રજૂઆત કરવામાં આવી, તે પૈકી કેન્દ્ર સરકાર દ્વારા આ માંગણી અંતર્ગત કેટલી રકમની સહાય મંજૂર કરવામાં આવી અને કેન્દ્ર સરકારે મંજૂર કરેલી રકમના કેટલા નાણા રાજ્ય સરકારને ક્યારે પ્રાપ્ત થયા?

જેનો જવાબ આપતા સરકારે કહ્યું, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન અંતર્ગત વર્ષ 2024માં રૂ. 11,274.02 કરોડની અને વર્ષ 2025માં રૂ. 7013.58 કરોડની સહાય માટેની રજૂઆત કરવામાં આવી હતી. 

જે અંતર્ગત 31-12-2025ની સ્થિતિએ વર્ષ 2024 અન્વયે રૂ. 394.28 કરોડની સહાય મંજૂર કરવામાં આવી હતી. વર્ષ 2024 અન્વયે રૂ. 394.28 કરોડની મંજૂર સહાયની જાણ રાજ્ય સરકારને તા. 03-10-2025ના પત્રથી કરેલી છે. જ્યારે વર્ષ 2025ની માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ વિચારણાધીન છે.

ઉલ્લેખનીય છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ કુદરતી કે માનવસર્જિત આપત્તિઓની અસરો ઘટાડવા, પૂર્વ-તૈયારી, બચાવ અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા છે. ભારતમાં NDMA (National Disaster Management Authority) વડા પ્રધાનના વડપણ હેઠળ અને ગુજરાતમાં GSDMA (Gujarat State Disaster Management Authority) આ જવાબદારી સંભાળે છે. તે જોખમ ઘટાડવા અને સમુદાયોને સુરક્ષિત રાખવા પર કેન્દ્રિત કરે છે.