કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 6)
નામ: અરુંધતિ રૉય
સમય: 2026
સ્થળ: દિલ્હી
ઉંમર: 64 વર્ષ
હું એકવાર મારા એક મિત્રને ત્યાં બે દિવસ રહેવા ગઈ હતી. નવાં નવાં પરણેલાં એ યુગલ એકબીજા સાથે જે લાડ અને સ્નેહથી વર્તતાં હતાં એ જોઈને મને ચીડ ચઢી ગઈ. હું બે દિવસ એ લોકો સાથે રહી શકી, ત્રીજે દિવસે મને એટલો કંટાળો આવ્યો કે હું ત્યાંથી નીકળી ગઈ. આજે વિચારું છું તો મને એવું સમજાય છે કે મારાથી આવા પ્રેમાળ સંવાદ સહી શકાતા જ નથી.
હું જે રીતે ઉછરી અને મારી આસપાસ જે પ્રકારનું જગત રહ્યું એનાથી મારી અંદર આવા મીઠા અને પ્રેમાળ સંવાદો વિશે એક વિચિત્ર પ્રકારનું રિજેક્શન છે. હું કોઈને ભેટી શકતી નથી કે બહુ ઇમોશનલ થઈને વર્તી પણ શકતી નથી... એનું કારણ કદાચ મેરી છે. મેરી પોતે ઇમોશનલ થઈને રાજીબ રૉય સાથે પરણી ગઈ એ વાતનો એને એટલો અફસોસ હોવો જોઈએ કે એણે અમને કદી ઇમોશન શીખવ્યા જ નહીં!
મેરી પોતે પણ અમારી સાથે મા ઓછી અને શિક્ષક જ વધારે રહી... એમાં પણ જ્યારે શાળા શરૂ થઈ એ પછી તો અન્ય વિદ્યાર્થીઓની સાથે અમારે પણ એમને ‘મૅડમ’ જ કહેવું પડતું! બે વર્ષમાં શાળા એટલી સારી ચાલવા લાગી કે કોટ્ટિયમ જેવા નાના ગામની આસપાસ આવેલા અન્ય ગામોના લોકોએ મારી માને નાનકડી હોસ્ટેલ શરૂ કરવાની વિનંતી કરી. હવે, રોટરી ક્લબમાં ચાલે એમ નહોતું. ક્લબની બાજુમાં આવેલું એક ત્રણ બેડરૂમનું ઘર અમે ભાડે લીધું. હવે અહીં હોસ્ટેલ શરૂ થઈ.
અમે પણ અયેમેનામનું ઘર છોડીને અહીં રહેવા લાગ્યાં. અમારી જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થયો. દર મહિનાની પહેલી તારીખે મકાનમાલિક ભાડું લેવા આવી જતો. મારે માટે મારી માને ભાડું ચૂકવતી જોવી એ ગર્વની ક્ષણ હતી, કારણ કે મને હજી ઉટીના દિવસો યાદ હતા. મકાનમાલિક મારી ‘છૂટાછેડાવાળી’ માને જે રીતે જોતો એ મને ગમતું નહીં-ટૂંકમાં, પુરુષની નજર ઓળખી શકું એવી ઉંમરે હું પહોંચી ગઈ હતી.
જેમ વિદ્યાર્થીઓ વધવા લાગ્યા એમ હોસ્ટેલ પણ નાની પડવા લાગી. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર મારી માથી મૅનેજ થઈ શકે એમ નહોતું, કારણ કે એ જ શિક્ષિકા અને પ્રિન્સિપાલ સહિત હોસ્ટેલ વૉર્ડનની ડ્યૂટી પણ નિભાવતી. એણે કુરુસમ્માલને કાગળ લખ્યો. જવાબની રાહ જોવાતી હતી ત્યારે હાથમાં બે થેલા લઈને કુરુસમ્માલ આવી પહોંચી. મારે માટે આનાથી આનંદની બીજી કોઈ વાત હોઈ શકે જ નહીં! હવે, મેરી રૉય, એના પંદર હોસ્ટેલિયસ અને 98 સ્ટુડન્ટ્સની સામે રોટરીનો રૂમ નાનો પડવા લાગ્યો હતો.
મારી માએ મોટી શાળાની સાથે મોટી જગ્યા જોવા માંડી. જોકે, એની તબિયત એને સાથ આપતી નહીં. એનો અસ્થમા ફરી માથું ઊંચકવા લાગ્યો હતો. એકવાર જ્યારે એ ખૂબ બીમાર હતી ત્યારે એણે મને પૂછ્યું હતું, ‘હું અચાનક મરી જાઉં તો તું શું કરીશ?’ મારી પાસે જવાબ નહોતો, પણ આજે સમજાય છે કે એણે અમને માનસિક રીતે એકલા રહેવા તૈયાર કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. એ એક મજબૂત સ્ત્રી હતી અને ઇચ્છતી હતી કે એનાં સંતાનો ગરીબડાં કે બિચારાં નહીં, પણ મજબૂત અને જગત સાથે સામનો કરી શકે એવાં હિંમતવાળાં બને.
રોટરી ક્લબ ખાલી કરવાનો સમય આવી ગયો. મારી માએ બે માળનું એક બિલ્ડિંગ ભાડે લીધું. પ્રાયમરીમાંથી જુનિયર અને જુનિયરમાંથી માધ્યમિક સ્કૂલ સુધી પહોંચી ગઈ હતી. હવે, કો-એજ્યુકેશનની આ શાળાનો કોટ્ટિયમ અને આસપાસના ગામના લોકો વિરોધ કરવા લાગ્યા હતા. બાર-તેર વર્ષનાં છોકરા-છોકરીઓ ભેગાં ભણે એ રૂઢિચુસ્ત સમાજના જૂનવાણી લોકોને મંજૂર નહોતું, પણ આ તો મેરી રૉય હતી. એણે સખત અવાજમાં કહી દીધું કે અહીંયા અમુક પ્રકારની મોરલ ડિસિપ્લિન અને રૂઢિચુસ્ત વિચાર ધરાવતાં માતા-પિતાએ પોતાનાં સંતાનોને મોકલવાં જ નહીં!
એ શરૂઆતનાં વર્ષોમાં થોડી સાવધ રહેતી. એકવાર શાળાના છોકરાઓએ ધોઈને સૂકવેલી છોકરીઓની બ્રા લઈને મજાક કરી. બીજે દિવસે મેરી રૉય ક્લાસમાં બ્રા લઈને દાખલ થઈ. એણે બ્રા ઊંચી કરીને કહ્યું, ‘આ બ્રા છે. તમામ સ્ત્રીઓ આ પહેરે, કારણ કે એમની શરીરની રચના જ એવી છે. તમારી મા પહેરે છે. ઝડપથી તમારી બહેનોને પણ પહેરવાનો વારો આવશે.
આ બ્રા હાથમાં પકડીને તમને કોઈ ઉત્તેજના થતી હોય તો લો, તમારા રૂમમાં જ રાખજો.’ એ એક એવી ક્ષણ હતી જેણે છોકરા અને છોકરીઓ વચ્ચેના પાવર ઇક્વેશન બદલી નાખ્યાં. મારી માની શાળામાં ભણેલી છોકરીઓ આજે પણ એને યાદ કરે છે અને એમના માનસિક વિકાસ કે એમના વ્યક્તિત્વના ઘડતર માટે મારી માનો આભાર માને છે.
મારી માની શાળામાં આઠમા ધોરણ સુધી જ ક્લાસ હતા. લલિત અને હું એક સાથે ભણવા બેઠાં, એટલે અમે જ્યારે આઠમું ધોરણ પાસ કર્યું ત્યારે કોટ્ટિયમ કે આસપાસની શાળામાં અમારે માટે જગ્યા નહોતી. અમારે હવે બોર્ડિંગ સ્કૂલમાં, બહાર ભણવા જવાનું હતું. મારે નહોતું જવું. નિલગીરીઝ માં ભૂરા પહાડોની વચ્ચે આવેલી એક સુંદર સ્કૂલમાં અમને મૂકવામાં આવ્યાં. અમે બ્રૉડગેજ ટ્રેનમાં બેસીને ત્યાં પહોંચ્યાં. આ એક મિલિટરી સ્કૂલ હતી. અહીંના છોકરાઓ નરમ અને ઉચ્ચ ઘરોમાંથી આવતા હતા. જ્યારે અમે સંઘર્ષવાળી જિંદગી જીવીને આવ્યાં હતાં. અમે એ બધા પર દાદાગીરી કરી શકીએ એવાં હતાં.
એક દિવસ અમારા પ્રિન્સિપાલે મને બોલાવી. મારો ભાઈ ઊંઘમાં ચાલવા લાગ્યો હતો. એમણે મારી માને જણાવવાનું કહ્યું, પણ ભાઈ-બહેન બંનેએ સાથે મળીને એમને કહ્યું, કોઈ જરૂર નથી! પરંતુ, સ્લિપવૉક કરતો છોકરો અને વિદ્રોહી છોકરીને બહુ લાંબો સમય હોસ્ટેલમાં રાખી નહીં શકાય એવું લાગતાં અમને કાઢી મૂકવામાં આવ્યાં. અમે ઘેર પાછાં આવ્યાં... પણ હવે એ ઘર નહોતું. એક હોસ્ટેલ બની ચૂકી હતી. બાવન સ્ટુડન્ટ્સ, કુરુસમ્માલ, એની બે આસિસ્ટન્ટ્સ, એક ક્લિનર અને બે પ્યૂન અથવા હોસ્ટેલના રખેવાળ સાથે હવે આ એક ધમધમતી ઇન્ડસ્ટ્રી બની ચૂકી હતી.
અમારા ઘરમાં ફોન લાગી ગયો હતો. (1969). હોસ્ટેલના આગલા રૂમમાં જ્યાં સોફા હતા અને મારી માનો રૂમ કહેવાતો, ત્યાં હવે ફોન હતો. છોકરાંઓનાં માતા-પિતાના ફોન આવતા, એમને એક મિનિટ વાત કરવાની છૂટ આપવામાં આવતી. બાકીનો સમય, મારી મા વાત કરતી. છોકરંઓના રિપોર્ટ, એમના વર્તન અને બીજી બાબતો અંગે જણાવતી વખતે મારી મા કહેતી, ‘અત્યારથી નહીં જાગો તો પછી પછતાવું પડશે...’ કોટ્ટિયમ અને આસપાસમાં મારી માની શાળાની સુવાસ ફેલાઈ ગઈ હતી.
વિદ્યાર્થીઓ વધવા લાગ્યા હતા, પણ હવે હોસ્ટેલમાં જગ્યા નહોતી. એક વધારાનું મકાન ભાડે રાખવામાં આવ્યું. સ્કૂલ અને હોસ્ટેલ જુદા કરી દેવામાં આવ્યા. મેરી રૉયનું સપનું પૂરુંથઈ રહ્યું હતું, પરંતુ એનો ગુસ્સો, અકળામણ કે અસ્થમા કશુંય ઓછું ન થયું.
આજે આ લખું છું ત્યારે સમજાય છે કે મારી મા જિંદગી સામે લડતાં-લડતાં થાકી જાય એવી સ્ત્રી નહોતી, પરંતુ એને લાગતું હશે કે આ સંતાનો ન હોત તો એ જીવનમાં ઘણું કરી શકી હોત, કદાચ! એ જ્યારે ગુસ્સે થતી ત્યારે મા મટીને રાક્ષસ બની જતી. મારા ભાઈને બેરહેમીથી મારતી. શરૂઆત માં મારો ભાઈ કદાચ એ મારને સહન ન કરી શકતો, પણ ધીરે ધીરે એ ટેવાઈ ગયો હશે, કારણ કે ટીનએજમાં આવ્યા પછી મારી મા જ્યારે એને મારતી ત્યારે એ નિર્વિકાર ભાવે મારી મા સામે જોઈ રહેતો. એને ભણવામાં બહુ રસ નહોતો, પણ જ્યારે જ્યારે રીપોર્ટ આવતા ત્યારે ‘ઍવરેજ સ્ટુડન્ટ’ વાંચીને મારી માનું મગજ જતું.
મારી સાથે એનો ગુસ્સો વ્યક્ત કરવાની રીત જરા જુદી હતી. હું ભણવામાં હોંશિયાર હતી. એટલે એ વિશે એને ખાસ કંઈ કહેવાનું નહોતું, પરંતુ હું જ્યારે જ્યારે એનું કહ્યું માનવાની ના પાડતી કે ધાર્યું કરતી ત્યારે એ મને ખાવાનું આપવાની ના પાડી દેતી. ઘરમાંથી બહાર કાઢી નાખતી અને કહેતી, ‘જા, જ્યાં તને રાખે ત્યાં જતી રહે.’ થોડા કલાકો હું ઘરની બહાર બેસી રહેતી અથવા ભટક્યા કરતી...
મોડી રાત્રે પાછી આવતી ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખલ્લો રહેતો! હું ચૂપચાપ દરવાજો ખોલી, અંદર આવીને સૂઈ જતી. આજે પણ મોડી રાત્રે ઘરે પાછી આવું ત્યારે એકવાર મને કોટ્ટિયમનું એ ઘર અને અમારો ‘ડીડો’ યાદ આવે છે... એક કૂતરીના મરી ગયા પછી એના નાનકડા પપીને મારી મા ઘરે લઈ આવેલી. મેરીએ એનું નામ ડીડો પાડ્યું. અમારી જેમ જ ડીડો મેરીને બહુ પ્રેમ કરતો, ને મેરીથી એટલું જ ડરતો...
હું મોડી રાત્રે ઘેર પાછી આવતી ત્યારે ઘરમાં બે જણા જાગતા હશે એવી મને ખબર રહેતી, એક મેરી-જેણે મને મારીને કાઢી મૂકી હતી. ને બીજો-ડીડો, જે મારા વગર કદીયે ઊંઘતો નહીં.
(સાભાર: મધર મેરી કમ્સ ટુ મી: અરુંધતિ રોય) (ક્રમશ:)