Wed Jun 17 2026

Logo

ગિલ-કિશનની ભાગીદારી સામે અફઘાનિસ્તાન પરાજિત, ટ્રોફી પર ભારતનો કબજો

2026-06-17 22:35:16
Author: Ajay Motiwala
Article Image

BCCI


ટીમ ઇન્ડિયાનો 170 રનથી વિજયઃ અર્શદીપ અને ગુર્નુરની ત્રણ-ત્રણ વિકેટ

લખનઊઃ ભારતે અહીં બુધવારે અફઘાનિસ્તાનને બીજી વન-ડેમાં 170 રનના તોતિંગ માર્જિનથી કચડીને 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી અને ટ્રોફી પર કબજો પણ કરી લીધો હતો. ખરેખર તો હશમતુલ્લા શાહિદીની ટીમ મૅન ઑફ ધ મૅચ શુભમન ગિલ (154 રન, 110 બૉલ, બે સિક્સર, બાવીસ ફોર) અને ઇશાન કિશન (125 રન, 79 બૉલ, સાત સિક્સર, 14 ફોર) વચ્ચે 141 બૉલમાં 224 રનની જે ભાગીદારી થઈ હતી એના બોજ નીચે જ અફઘાનિસ્તાન (Afghanistan)ની ટીમ દબાઈ ગઈ હતી.

અફઘાને કાળઝાળ ગરમીમાં ફીલ્ડિંગ પસંદ કરી

અફઘાનિસ્તાને ટૉસ જીત્યા બાદ કાળઝાળ ગરમી છતાં પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલ તો ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પણ ત્યાર બાદ રોહિત શર્મા (48 રન, 39 બૉલ, બે સિક્સર, છ ફોર) અને ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 87 રનની જે ભાગીદારી થઈ હતી એનાથી જીતનો પાયો નખાયો હતો. 62મી હાફ સેન્ચુરી ચૂકી જનાર રોહિતની વિકેટ પડ્યા બાદ ગિલ-કિશને અફઘાનના બોલર્સને ખૂબ હંફાવ્યા હતા અને ફીલ્ડરોને દોડાવ્યા હતા. બન્નેએ મળીને કુલ ચાર છગ્ગા અને 28 ચોગ્ગા ફટકાર્યા હતા. ગરમી એટલી અસહ્ય હતી કે કેટલાક ખેલાડીઓને સ્નાયુઓ ખેંચાઈ જવાની તકલીફ થઈ હતી. ગિલ પણ આ જ તકલીફ થયા બાદ બૅટિંગ પછી પાછો આવ્યો જ નહોતો.

રાહુલ પહેલા જ બૉલમાં આઉટ

શ્રેયસ ઐયર (26 રન) સસ્તામાં આઉટ થઈ ગયો હતો અને કેએલ રાહુલ (0) તેના પહેલા જ બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. વૉશિંગ્ટન સુંદરે 19 બૉલમાં 19 રન બનાવ્યા હતા.

232 રનમાં ઇનિંગ્સ સમેટાઇ ગઈ

ભારત (India)એ 402 રન બનાવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ 44.3 ઓવરમાં માત્ર 232 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. રહમત શાહના 79 રન ટીમમાં હાઇએસ્ટ હતા. ભારતના મુખ્ય પાંચ બોલરમાં માત્ર કુલદીપ યાદવને બાદ કરતા બાકીના ચારેય બોલરને એક કે એકથી વધુ વિકેટ મળી હતી અને એમાં અર્શદીપ સિંહ અને ગુર્નૂર બ્રાર ત્રણ-ત્રણ વિકેટ સાથે સૌથી સફળ હતા. પ્રિન્સ યાદવને બે અને વૉશિંગ્ટન સુંદરને એક વિકેટ મળી હતી.