Mon Sep 07 2026

Logo

વિલે પાર્લેમાં ઇલેક્ટ્રિક કારે ત્રણ વાહનને અડફેટે લેતાં ગુજરાતી મહિલાનું મોત: બે જણ ઇજાગ્રસ્ત

2026-06-18 08:13:00
Author: Yogesh D. Patel
વિલે પાર્લેમાં ઇલેક્ટ્રિક કારે ત્રણ વાહનને અડફેટે લેતાં ગુજરાતી મહિલાનું મોત: બે જણ ઇજાગ્રસ્ત

મુંબઈ: વિલે પાર્લે વિસ્તારમાં ડ્રાઇવરે પુરઝડપે અને બેદરકારીપૂર્વક ઇલેક્ટ્રિક કાર હંકારીને બાઇક સહિત ત્રણ વાહનને અડફેટમાં લેતાં 41 વર્ષની ગુજરાતી મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે જણ ઘાયલ થયા હતા. વિલે પાર્લે પોલીસે આ પ્રકરણે કારના ડ્રાઇવર વિલાસ શ્રીધર ગવ્હાણકર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને તાબામાં લીધો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વિલે પાર્લે પૂર્વમાં રેલવે સ્ટેશન નજીક વિ.સ. ખાંડેકર રોડ પર માર્કેટ પાસે બુધવારે સાંજે 4.30થી 5.00 વાગ્યા દરમિયાન આ અકસ્માત થયો હતો, જેમાં કિંજલ હિરેન શાહ (41) નામની મહિલાનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા અન્યે બે જણની ઓળખ નિર્મલા ડોજિયા તેમ જ પ્રેમજી ડોજિયા તરીકે થઇ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 

ડ્રાઇવર વિલાસ ગવ્હાણકર બુધવારે સાંજના ઇ-કારમાં વિલે પાર્લે સ્ટેશન તરફ જઇ રહ્યો હતો ત્યારે તેણે ઘટનાસ્થળે પૂરપાટ વેગ અને બેદરકારીપૂર્વક કાર હંકારી બાઇક સહિત ત્રણ વાહનને અડફેટમાં લીધાં હતાં. આ અકસ્માતમાં કિંજલ શાહ સહિત ત્રણને ઇજા પહોંચી હતી. 

દરમિયાન અકસ્માતની જાણ થતાં વિલે પાર્લે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ આદરી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં, જ્યાં કિંજલ શાહને તપાસી મૃત જાહેર કરવામાં આવી હતી. અકસ્માત સમયે કારનો ડ્રાઇવર દારૂના નશામાં હતો કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.