Sat Sep 12 2026

Logo

ખેડૂતોને સાંભળ્યા વિના વીજલાઈન નાખવાના જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમને કોર્ટે કર્યો રદબાતલ

2026-06-17 18:25:18
Author: Pooja Shah
ખેડૂતોને સાંભળ્યા વિના વીજલાઈન નાખવાના જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમને કોર્ટે કર્યો રદબાતલ

Gujarat High Court


અમદાવાદઃ ખેડૂતોને સાંભળ્યા વિના અને તેમની મંજૂરી વિના તેમની જમીનો પર વીજલાઈન નાખવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટે રદબાતલ કરી ખેડૂતોને મોટી રાહત આપી હતી. 
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના કમીયાળા ગામના ખેડૂતોના હિતમાં ચૂકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોની જમીનમાંથી ટ્રાન્સમીશન લાઈન પસાર કરતા પહેલાં તેમને સાંભળવા જરૂરી છે. 

કોર્ટમાં કરાયેલી અરજી અનુસાર ધોલેરા સર વિસ્તારમાં ટ્રાન્સમિશન લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોને પૂછ્યા વિના તેમની જમીનમાં કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા ખેડૂતોને જાણ કર્યા વિના, સંબંધિત દસ્તાવેજો પૂરા પાડ્યા વિના કે ખેડૂતોને રજૂઆતનો કોઈપણ મોકો આપ્યા વિના થતી હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે પણ ખેડૂતોને સાંભળ્યા વિના જ વીજ કંપનીની તરફેણમાં લાઈન નાંખવાની મંજૂરી આપી દીધી હતી. 

આ કેસમાં કોર્ટે સમગ્ર મેટર અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટને રિમાન્ડ બેક કરી હતી અને ખેડૂતોની રજૂઆતો ધ્યાનમાં લઈ ફરીથી પ્રક્રિયા હાથ ધરવા આદેશ કર્યો હતો. આ સાથે સમયસર પ્રક્રિયાઓ પૂરી થાય તેવી તાકીદ પણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર સુનાવણી 19મી જૂન સુધીમાં પૂરી કરવાની રહેશે અને અંતિમ આદેશ તા.23મી જૂન સુધીમાં આપવાનો રહેશે, તેમ અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું.