Wed Jun 17 2026

Logo

ભાવનગરના ઘોઘાના દરિયાના પાણી ગામમાં ઘૂસ્યા , કબ્રસ્તાન નું ધોવાણ થતાં માનવ કંકાલ બહાર નીકળ્યા

2026-06-17 20:00:12
Author: Pooja Shah
Article Image

ભાવનગરઃ જિલ્લાના ઘોઘા ગામ ખાતે આજે દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા હતા. વરસાદનું એક ટીપું પણ ન પડ્યું હોવા છતાં ઘોઘાના અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ દરિયાનો વધતો પ્રકોપ અને તૂટેલી દરિયાઈ રક્ષક દીવાલ છે. દરિયાકાંઠે આવેલી આ રક્ષક દીવાલ છેલ્લા ૩૦ વર્ષથી અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં પડી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, સરકારી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. પરિણામે, દરિયો હવે પોતાની સીમાઓ ઓળંગીને સતત ગામ તરફ આગળ વધી રહ્યો છે.

​આજે ફરી એકવાર ભારે ભરતી અને દરિયાના પ્રચંડ કરંટના કારણે ખારું પાણી ઘોઘાના કિનારાના રહેણાંક વિસ્તારોમાં ઘુસી આવ્યું હતું. ગામના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.સૌથી વધુ ચોંકાવનારી વાત ત્યારે સામે આવી જ્યારે દરિયા કિનારે આવેલ કબ્રસ્તાનનું પાણીના પ્રવાહમાં ભારે ધોવાણ થઈ ગયું.

જમીનનું ધોવાણ થતાં જ વર્ષો જૂના માનવ હાડપિંજરો અને કંકાલો પાણીમાં તરતા બહાર આવવા લાગ્યા હતા. આ દ્રશ્યો જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા છે. હવે લોકોમાં ભારે ચર્ચા અને આશ્ચર્યનો વિષય બન્યો છે કે, વર્ષો જૂના આ કંકાલો ક્યાંથી આવ્યા? શું ઘોઘાના ઇતિહાસમાં કોઈ અજાણ્યા રહસ્યો દટાયેલા છે? આ સવાલો હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.