નવી દિલ્હીઃ વરસાદની સીઝન શરૂ થવામાં છે અને વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ચોમાસું સીઝનમાં આમ તો દરેક ડિજિટલ ડિવાઈસને સાચવવા અઘરા થઈ પડે. પણ સૌથી વધારે ધ્યાન આપણા ફોનનું રાખવું પડે. એકવાર વોટરડેમેજ થયું એટલે વાર્તા ખલ્લાસ,વરસાદ પડે ત્યારે ફોન ભીનો થઈ જવાનો ડર સૌથી વધારે રહે છે. અચાનક વરસાદ પડે અને ફોન પલડી જાય તો હાલત ખરાબ થઈ જાય છે. પણ ફોન ભીનો થયા બાદ કે પાણીમાં પડી ગયા બાદ ઘણા લોકો એ ભૂલ કરી બેસે છે જે ખરેખર ન કરવી જોઈએ.
સૌથી વધારે નુકસાન ક્યાં થાય?
ફોન પાણીમાં પડ્યો હોય કે ભયંકરી રીતે ભીનો થઈ ગયો હોય ત્યારે પ્રથમ તબક્કામાં કેટલાક તાત્કાલિક પગલાં લેવામાં આવે તો ફોન બચવાની શક્યતા પૂરેપૂરી રહે છે. અન્યથા નવા ખર્ચાની તૈયારીઓ રાખવી જ પડે છે.જ્યારે પણ કોઈ સ્માર્ટફોન પાણીમાં પડે ત્યારે સૌથી વધારે નુકસાન સ્ક્રિન, ફોનની સર્કિટ અને મધરબોર્ડને થાય છે. એવામાં જો બીજા કેટલાક જુગાડ એને ચાલું કરવા માટે કરવામાં આવે તો ફોન બગડવાની શક્યતાઓ વધી જાય છે. હવે ઘણી કંપનીઓ ફોન સેલ કરતી વખતે વોટરડેમેજ ક્લેઈમ આપે છે. પણ આના માપદંડ ફોન ખરીદતી વખતે જાણી લેવા અનિવાર્ય છે.ઘણીવાર ફોન સામે વોટરક્લેઈમ હોય પણ જ્યારે ફોન સાવ ભીનો થઈ જાય અને બગડવા પર આવી જાય ત્યારે આ ક્લેમ પણ વ્યર્થ સાબિત થાય છે.
આવી રીતે બગડે છે સોફ્ટવેર
ફોન જ્યારે પણ પાણીમાં પડે ત્યારે એને યુદ્ધના ધોરણે પહેલા બાહર કાઢી લેવો જોઈએ. વધારે પડતો શેક કે હલાવો ન જોઈએ.ઘણા ફોનમાં વોટર રેસિસ્ટંટ ફીચર આવે છે.આના કારણે પાણી તો દૂર થઈ જાય છે પણ દર વખતે કામ આવે એવું જરૂરી નથી. વધારે પડતું પાણી બ્લોક થઈ ગયું હોય તો હાર્ડવેરની સાથે સોફ્ટવેર પણ બગડે છે. સ્ક્રિન પર ક્રેક હોય તો ઝડપથી સ્ક્રિનગાર્ડ ચોમાસા પહેલા નાંખી દેવું જોઈએ. કારણ કે ઘણીવાર ક્રેકમાંથી પાણી સ્ક્રિનમાં અંદર સુધી પહોંચે છે. ખાસ કરીને જ્યારે ખારૂ પાણી, સાબુવાળું પાણી, છાશ અથવા કોઈ મીઠાઈની ચાસણીમાં ફોન પડે ત્યારે સૌથી વધારે જોખમ થઈ જાય છે. ફોન પાણીમાં પડ્યા બાદ ફોનને ચાલું કરવાની ઉતાવળ કરવા જેવી નથી. કારણ કે, અંદર પણ એક ઈલેક્ટ્રિક સ્પાર્ક હોય છે જેના સહારે ચાર્જિગ થતું હોય છે અને ઑપરેટિંગ સિસ્ટમ રન થતી હોય છે. પાણી આવે તો સિસ્ટમ પહેલા સ્ક્રિન ડેમેડ કરી શકે છે.

આવી રીતે વધે છે ડેમેજ
ફોન કવર, ચાર્જર,ઈયરફોન, સિમ જેવી વસ્તુઓ ફોનમાંથી દૂર કરી દેવું જોઈએ. ફટાફટ ફોનને લૂછીને કોરો કરી દેવો જોઈએ. ખાસ કરીને કોટન કપડાંથી ફોનને લૂછી નાંખવો જોઈએ. પછી દરેક પાર્ટમાંથી પાણી સંપૂર્ણપણ સૂકાઈ જાય પછી એકવાર ફીટ કરીને ફોન ચાલું કરવો જોઈએ. ફોનની ચાર્જિંગ પીન પાસે ભૂલથી પણ અંદરની બાજું ફૂંક ન મારવી જોઈએ. આનાથી પાણીના ટીપા વધારે અંદરબાજું સરકી જાય છે. ડેમેજ વધી જાય છે. ચાર્જિંગ પોઈન્ટને વધારે પડતો નીચેની બાજુ ઝટકા મારવા ન જોઈએ. પાણી કાઢવા માટે વધારે પડતા ઝટકા અંદર મધરબોર્ડને ડેમેજ કરે છે. વેટ ટિશ્યુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ, પેપર નેપકિંગ અથવા પેપર ટિશ્યુનો ઉપયોગ કરવો જોઈએ. ચાર્જિંગ પોઈન્ટ જે બાજુ હોય એ બાજુ મોબાઈલ ઊભો કરી દેવો જોઈએ. જેથી પાણી નીચે ઊતરી જાય. મોબાઈલ સૂકાઈ જાય કે ઉપરથી સાફ થઈ જાય પછી તરત ચાર્જમાં ન મૂકવો જોઈએ. આનાથી ફોનમાં સ્પાર્ક થવાનો ડર રહે છે.પાર્ટ ખરાબ થઈ શકે છે. ફોનને ક્યારેક ચોખાના ડબ્બામાં કે ઢગલાની વચ્ચે ન મૂકવો જોઈએ. આનાથી ફોનમાં અંદર ધૂળ ઘુસી જાય છે અને ફોન વધારે બગડે છે.
આવું બિલકુલ ન કરવું
ફોન પર કે સ્ક્રિન પર ક્યારેય હેરડ્રાયર ન મારવું જોઈએ. ગરમ હવા ફોનની અંદર રહેલા પાણીને વધારે આગળ વધારી શકે છે વધારે પડતી ગરમીને કારણે સર્કિટ ખરાબ થઈ શકે છે. આવું કરવાથી ફોનના એ ભાગમાં પાણી પહોંચી જાય છે જ્યાં ખરેખર હોતું નથી. ફોન પાણીમાં પડે એ પછી સાફ કરીને અને આખો ફોન ખોલીને, સિમકાર્ડ કાઢીને 48 કલાક સુધી કંઈ કરવું ન જોઈએ. સુકાવા દેવો જોઈએ. ફોન કેટલો ભીનો થયો છે એના પર આ નિર્ભર કરે છે. ચાર્જિગ થવામાં મુશ્કેલી પડે, સ્ક્રિન ચાલું ન થાય અને સ્પીકરમાંથી અવાજ ધીમો આવે અથવા આવવાનું બંધ થઈ જાય તો તાત્કાલિક સર્વિસ સેન્ટરમાં જવું જોઈએ.