Sun Jul 19 2026

Logo

મેસીએ 2007માં છ મહિનાના યમાલને ટબમાં રમાડ્યો હતો!ઃ રવિવારે બન્ને સામસામે ફાઇનલમાં રમશે!

New York   2026-07-16 19:07:12
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યૉર્કઃ કોઈ ખેલાડીએ કોઈક નવજાત શિશુને રમાડ્યો હોય અને વર્ષો પછી એ જ બાળક તેની સામે હરીફ તરીકે મેદાન પર ઊતરે એવું ક્યારેય સાંભળ્યું છે? આ હકીકત છે અને આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસી તથા સ્પેનનો નવયુવાન ફૂટબૉલ સિતારો લેમિન યમાલ (Yamal) આ યાદગાર ઘટનાના બે પાત્ર છે.

વાત એવી છે કે ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં રવિવારે (ભારતીય સમય અનુસાર મધરાત પછી 12.30 વાગ્યાથી) જે ફાઇનલ રમાવાની છે એમાં 39 વર્ષના સુપરહીરો લિયોનેલ મેસી (Messi)ને ગોલ કરતો રોકવા 19 વર્ષનો ટીનેજ સ્ટાર યમાલ કોઈ કસર બાકી નહીં રાખે, પછી ભલે ખુદ મેસીએ યમાલને નાનપણમાં ખૂબ રમાડ્યો હોય, કારણકે મેદાન પર કોઈ પણ પ્રકારની ભાવના કામ નથી કરતી...માત્ર પરિણામ જ સર્વોપરી હોય છે.

વાત એવી છે કે 2007માં યમાલ માંડ છ મહિનાનો હતો. મેસી ત્યારે 20 વર્ષનો હતો અને સ્પેનમાં બાર્સેલોના ક્લબની ટીમ સાથે સંકળાયેલો હતો. ત્યારે યુનિસેફની એક ચૅરિટી ઇવેન્ટમાં યમાલના પરિવારે મેસી સાથેના ફૉટોશૂટ માટેની હરીફાઈ જીતી લેતાં તેઓ ભૂલકાં યમાલને લઈને ઇવેન્ટમાં આવ્યા હતા. મેસીએ યમાલને ત્યારે ફૉટોશૂટ વખતે પાણીના ટબમાં રમાડ્યો હતો. એટલું જ નહીં, મેસીએ તેને બન્ને હાથમાં રાખીને રમાડ્યો હતો. ત્યારની એક તસવીરમાં યમાલ એકીટસે મેસી સામે જોઈ રહેલો દેખાય છે. મેસીએ ત્યારે કલ્પના પણ નહીં કરી હોય કે એ બાળક એક દિવસ તેની સામે વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે.

બીજી રીતે કહીએ તો મેસી-યમાલ પહેલી વખત એકમેકને નથી મળી રહ્યા. આ પહેલાં તેમની મુલાકાત ચૅરિટી ઇવેન્ટમાં થઈ હતી અને હવે તેઓ વર્લ્ડ કપની ફાઇનલના ગ્રાઉન્ડ પર એકમેક સામે પહેલી વાર રમશે. મેસીનો આ છેલ્લો અને યમાલનો પ્રથમ વર્લ્ડ કપ છે.

2024માં સ્પેન જ્યારે યુરો ચૅમ્પિયન બન્યું ત્યારે યમાલ-મેસીની આ તસવીર વાઇરલ થઈ હતી અને યમાલના પપ્પાએ સોશ્યલ મીડિયામાં આ ફોટો સાથે કૅપ્શનમાં લખ્યું હતું, `બે લેજન્ડ્સની આ છે શરૂઆત.'