Wed Jul 08 2026

Logo

મેસી ઍન્ડ કંપનીનો દમદાર કમબૅક સાથે વિજય, ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ

Atlanta/vancouver   2026-07-08 13:44:00
Author: Ajay Motiwala
Article Image

ઈજિપ્તને 3-2થી હરાવ્યું: સ્વિટઝરલૅન્ડ 72 વર્ષે ચમક્યું: ક્વૉર્ટર ફાઇનલની લાઈન-અપ જાણી લો...


ઍટલાન્ટા/વૅનકુવર: ફિફા વર્લ્ડ કપમાં મંગળવારે રાત્રે ઈજિપ્ત (Egypt) સામેની પ્રી ક્વૉર્ટર ફાઈનલ મૅચમાં આર્જેન્ટિના (Argentina)એ જબરદસ્ત કમબૅક કરીને વિજય મેળવ્યો હતો અને ક્વૉર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી હતી જેમાં રવિવારે સવારે એનો મુકાબલો સ્વિટઝરલૅન્ડ સામે થશે.

79મી મિનિટમાં મૅચમાં જોરદાર પરિવર્તન

લિયોનેલ મેસી (Messi)ના સુકાનના ડિફેન્ડીંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ રોમાંચક જંગમાં 3-2થી જીત મેળવી હતી. મૅચ શરૂ થયા બાદ 15મી મિનિટમાં યાસર ઇબ્રાહીમે ઈજિપ્તને પ્રથમ ગોલ અપાવીને સનસનાટી મચાવી દીધી હતી. બીજા હાફમાં 67મી મિનિટમાં મોસ્તફા ઝિકોએ પણ ગોલ કરીને ઈજિપ્તની સરસાઈ 2-0 કરી હતી. આ બે ગોલ સાથે આર્જેન્ટીના-તરફી હજારો પ્રેક્ષકોમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે લિયોનેલ મેસી અને તેના સાથીઓ હિંમત નહોતા હાર્યા અને બાજી બદલાવી નાખવા વ્યૂહરચના સાથે આક્રમક બન્યા હતા. 
79મી મિનિટ સુધી બાજી ઈજિપ્તના જ હાથમાં હતી, પરંતુ એ મિનિટ દરમ્યાન ક્રિસ્ટિયન રોમેરોએ ગોલ કરીને 1-2ના સ્કોર સાથે આર્જેન્ટિના-તરફી પ્રેક્ષકોને આનંદિત કરી દીધા હતા. બસ, આર્જેન્ટિનાના કમબૅકની ત્યારે શરૂઆત થઈ ચૂકી હતી.

ચાર મિનિટમાં આર્જેન્ટિનાનો બીજો ગોલ, બાજી પલટાઈ

અગાઉ મૅચ દરમ્યાન એક પેનલ્ટી કિકમાં ગોલ ન કરી શકનાર મેસીએ 83મી મિનિટમાં જાદુઈ કરામતથી ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરીમાં લાવી દીધો હતો. આર્જેન્ટિનાએ ચાર મિનિટમાં બે ગોલ કરીને આખી બાજી આખી પલટાવી નાખી હતી.

મેસી તમામ છ વર્લ્ડ કપમાં આ વખતની ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ રમ્યો છે અને એ ઈજિપ્તના ખેલાડીઓએ તેની સાથે રમીને નજરે જોઈ લીધું. મેસીએ એક ગોલ આસિસ્ટ પણ કરાવ્યો હતો અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પેનલ્ટી કિકની નિષ્ફળતાથી નિરાશ થયા વગર આસિસ્ટથી અને ગોલની મદદથી આર્જેન્ટિનાને જિતાડતો આવ્યો છે. મૅચ એક્સ્ટ્રા ટાઈમમાં જવાની તૈયારીમાં હતી એ પહેલાં 93મી મિનિટમાં મેસીની મદદથી એન્ઝો ફર્નાન્ડેઝે ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી વિજય અપાવ્યો હતો.

મેસીની આંખોમાં હર્ષનાં આંસુ

લિયોનલ મેસી મંગળવારે આર્જેન્ટિનાના વિજય બાદ ખૂબ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા હતા. તેણે સાથી ખેલાડીઓ સાથે મળીને મેદાન પર ઘણી વાર સુધી પરેડ રાખી હતી અને 90,000-પ્લસ પ્રેક્ષકોનું અભિવાદન મેળવ્યું હતું.

સ્વિટઝરલૅન્ડે કોલમ્બિયાને પેનલ્ટીમાં હરાવ્યું

મંગળવાર મધરાત પછીની મૅચમાં સ્વિટઝરલૅન્ડે કોલમ્બિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને 72 વર્ષ પછી પહેલી વખત ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 90 મિનિટની મુખ્ય મૅચ અને 30 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ મળીને સમગ્ર મૅચમાં બંને ટીમનો સ્કોર 0-0ની બરાબરીમાં હતો. પાંચ-પાંચ કિકના પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટઝરલૅન્ડે ખાસ કરીને ઝાકા અને વર્ગેસના ગોલથી 4-3થી વિજય મેળવી લીધો હતો.

ક્વૉર્ટર ફાઇનલમાં કોણ કોની સામે...

વિક્રમજનક 48 દેશવાળા ફિફા વર્લ્ડ કપમાંથી 40 દેશની ટીમ બહાર થઈ ગઈ છે અને આઠ ટીમ બાકી રહી છે જેમની વચ્ચે હવે ક્વૉર્ટર ફાઈનલ મુકાબલો થશે:

ફ્રાન્સ વિ. મોરોક્કો
(ગુરુવારે મધરાત બાદ 1:30)

સ્પેન વિ. બેલ્જિયમ
(શુક્રવારે મધરાતે બાદ 12:30)

ઇંગ્લેન્ડ વિ. નોર્વે
(શનિવારે મધરાતે બાદ 2.30)

આર્જેન્ટિના વિ. સ્વિટઝરલૅન્ડ
(રવિવારે સવારે 6.30)