Wed May 06 2026

Logo

સુરતનો ફાર્માસિસ્ટ ગેરકાયદે કરતો હતો ગર્ભપાત, એકવાર પકડાયો પણ....

2026-05-06 17:37:11
Author: Pooja Shah
Article Image

X


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલને આરોગ્ય અધિકારીઓએ સીલ કરી દીધી હતી. આ હોસ્પિટલ પર દરોડા પાડવામાં આવ્યા બાદ એક ફાર્માસિસ્ટ દ્વારા ગેરકાયદે ગર્ભાવસ્થા પરીક્ષણ અને ગર્ભપાત રેકેટ ચલાવવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો હતો. 

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ફાર્માસિસ્ટ રામગોપાલ કિશન ખંડેલવાલે ગેરકાયદે પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી દીધી હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ બી. પટેલની આગેવાની હેઠળની એક ટીમ દ્વારા લાભેશ્વર ક્રોસરોડ્સ નજીકની હોસ્પિટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

વરાછા પોલીસે પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક (પીસી અને પીએનડીટી) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ખંડેલવાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ પરિસરના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ આપેલી માહિતી રેડ પાડવામાં આવી ત્યારે અનુસાર ફાર્મસિસ્ટ ખંડેલવાલ કથિત રીતે ગર્ભપાતની પ્રક્રિયા કરી રહ્યો હતો. 

દરોડા દરમિયાન, અધિકારીઓને હોસ્પિટલમાં બે મહિલા સ્ટાફ સભ્ય અને ત્રણ ગર્ભવતી મહિલાઓ હાજર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ ગેરકાયદે ગર્ભપાત કરાવવા માટે આવી હતી. તેમાંથી એક મહિલા વ્યારાની હતી, જ્યારે બીજી શિરપુરની હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ખંડેલવાલ પોતે જ પ્રક્રિયા કરતા હતા. 

દરોડા બાદ, આરોગ્ય વિભાગે મહિલાઓને તબીબી તપાસ અને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. જોકે, વ્યારાની એક 24 વર્ષીય ગર્ભવતી મહિલા પરિસરમાંથી ભાગી ગઈ હતી. અગાઉ પણ અન્ય નામે હૉસ્પિટલ ખોલી ખંડેલવાલ સહિત ચાર આ ગુનામાં પકડાયા હોવાની માહિતી પોલીસસૂત્રોએ આપી હતી. પછીથી તેમણે  જામીન મેળવી ફરી અન્ય (મમતા)નામે હૉસ્પિટલ શરૂ કરી આ પ્રેક્ટિસ ચાલુ કરી હતી. 

અધિકારીએ આપેલી માહિતી અનુસાર આરોગ્ય પ્રધાનની ઓફિસમાંથી આવી પ્રવૃત્તિઓ વિશે માહિતી મળ્યા બાદ આ પગલાં લેવામાં આવ્યા હતા. હાલમાં ખંડેલવાલ ફરાર છે, તેને શોધવા પોલીસ ટીમ કામે લાગી છે, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી.