ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
આંધળો - બહેરોની આ કહેવતનો ભાવાર્થ સમજતી વખતે સૌપ્રથમ અહીં શારીરિક અક્ષમતા કે નબળાઈની કોઈ વાત નથી એ ગૃહીત ધરવું જરૂરી છે. તકલીફ ધરાવતી વ્યક્તિ સામે અહીં આંગળી નથી ચીંધવામાં આવી. અહીં આંધળો - બહેરો વિશેષણ તરીકે સમજવાના છે. આંધળે બહેરું કૂટી વાળ્યું એટલે સરખેસરખા બે અજ્ઞાન કે ગોટાળામાં અથડાવા, ગોટાળો વધવો કે ગૂંચમાં પડવું એવો ભાવાર્થ સમજવાનો છે. આ કહેવત પાછળ એક મજાની કથા છુપાયેલી છે.
મોરબી તાલુકામાં પંચાસર નામનું એક ગામ છે. વર્ષો પહેલા એ સંભવત: પંચાશી તરીકે ઓળખાતું હશે એવો તર્ક છે. આ ગામમાં પ્રેમદાસ નામનો એક વાણિયો રહેતો હતો. મોટી ઉંમરે એનું ઘર ભાંગતા એકલો પડી ગયો, પણ એ જમાનાના રિવાજ અનુસાર એના ફરીથી લગ્ન થઈ ગયા. જૂના જમાનામાં કજોડાં ઘણા જોવા મળતા. લગ્ન કરનારા પુરુષની ઉંમર ગમે તે હોય, પરણેતર તો જુવાનજોધ જ હોય એવું સામાન્યપણે જોવા મળતું. આ વાતની કોઈને નવાઈ લાગવાની વાત તો દૂર રહી, એ સ્વાભાવિક ગણાતું. પ્રેમદાસની ઘરવાળી જુવાન હતી એટલું જ નહિ છેલછબીલી (મોહક અને રૂપાળી) હતી. જુવાનજોધ નારીને પતિ વૃદ્ધ હોય એનો સંતાપ તો હોવાનો જ. એ કાયમ વ્યગ્ર રહેતી હતી. પ્રેમદાસને મળવા આવતા લોકોમાં એક છેલબટાઉ જુવાનિયો પણ હતો. પ્રેમદાસની ઘરવાળીને એની સાથે મનમેળ અને હૈયામેળ થઈ ગયા. જોકે, એ જુવાનને કાનમાં બહેરાશ હતી. ઘરવાળી માટે સમસ્યા એ હતી કે પ્રેમદાસ ચકોર હતો. એની હાજરીમાં બંને પ્રેમી મોકળા મને મહાલી શકે એ સંભવ નહોતું. એટલે ઘરવાળી રોજ પ્રભુને પ્રાર્થના કરતી કે પ્રેમદાસ દૃષ્ટિ ગુમાવી દે તો તેમનો માર્ગ મોકળો થઈ જાય. પ્રેમદાસને ઘટનાની ગંધ તો આવી ગઈ હતી, પણ તેણે બળથી નહીં કળથી કામ લેવાનું વિચાર્યું. ‘રહે તો આપથી ને જાય તો બાપથી’ એ કહેવતને અનુસરવાનું તેણે નક્કી કર્યું. આંધળા થવાનો ઢોંગ કરી શું થાય છે એ જોવું એવો નિર્ધાર તેણે કર્યો.
બીજા જ દિવસથી આંખે ઝાંખપ વળતી હોવાની ફરિયાદ કરી હાલતા ચાલતા કશું દેખાતું નહીં હોવાનું નાટક તેણે રડમસ ચહેરે શરૂ કરી દીધું. ચારેક દિવસમાં તો કશું જ નથી દેખાતું એવો ડોળ કરવા લાગ્યો. એની ઘરવાળી એવું માની બેઠી કે પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને પ્રેમદાસને અંધત્વ આવી ગયું. પ્રેમી સાથે ઘરવાળી મોકળા મને રહેવા લાગી. એવામાં હોળીનો તહેવાર આવ્યો. પ્રેમદાસની ઘરવાળીએ એવો નિયમ બનાવ્યો હતો કે ઘરમાં એનો પ્રેમી હોય ત્યારે અચાનક કોઈ આવી ચડે તો એને એક મોટી લાકડાની પેટીમાં પૂરી દેવો અને એ વ્યક્તિ જાય પછી એને બહાર કાઢવો. પ્રેમદાસએ પંચને બોલાવ્યા અને એ આવ્યા એટલે ઘરવાળીએ બહેરા પ્રેમીને પેટીમાં બંધ કરી દીધો. પ્રેમદાસે પંચને વિનંતી કરી કે ‘રાતે સપનામાં મને હોળી માતાએ કહ્યું કે ઘરમાં રહેલો લાકડાનો પટારો માલમિલકત સાથે જો તું હોળીમાં પધરાવી દઈશ તો તારો અંધાપો મટી જશે. એટલે મારી વિનંતી છે કે આપ એ હોળીમાં હોમી દ્યો.’ ઘરવાળી આ બધું સાંભળતી હતી પણ કશું કરી શકે એમ નહોતી. લાકડાની પેટીમાં પુરાયેલા પ્રેમીને પણ જાણ નહોતી કે એનું મોત થવાનું છે. ઘેરૈયાઓ આવ્યા અને વાજતેગાજતે સામૈયું કાઢી પટારો હોળીમાં પધરાવી દીધો અને છાણ - લાકડાના બળતણમાં એ જોતજોતામાં ભડથું થઈ ગયો. તરત જ પ્રેમદાસે જાહેરાત કરી કે ‘માતાજીની કૃપાથી હું દેખતો થયો છું.’ ઘેરૈયા છોકરાઓની સાથે નાચવા કૂદવા લાગ્યો. પેલા બહેરા પ્રેમીનું નામનિશાન ન રહ્યું. થોડી વાસ આવી તો લોકો એમ સમજ્યા કે પેટીની અંદર રહેલા કપડાં બળ્યા એની ગંધ હશે. પ્રેમદાસ તો કાખલી કૂટતો જાય ને ગાતો જાય કે ‘આંધળે બહેરું કૂટી બાળ્યું, આંધળે બહેરું કૂટી બાળ્યું.’
સંસ્કૃત શબ્દનું ગ્રીક જોડાણ
માતૃભાષા ગુજરાતીમાં આપણે અનેક એવા શબ્દોનો નિયમિત ઉપયોગ કરતા હોઈએ છીએ જેના મૂળિયાં સંસ્કૃત સહિત વિવિધ ભાષાઓમાં હોય છે. જોકે, એવા પણ અનેક શબ્દો છે જે સ્થાનિક કે મૂળ દેશી શબ્દો છે, પણ એનું કોઈ ચોક્કસ સંસ્કૃત મૂળ મળતું નથી. દેશ્ય તરીકે ઓળખાતા આ શબ્દો ભારતીય પ્રાદેશિક ભાષાઓ અને લોકબોલીમાંથી સીધા જ ગુજરાતી ભાષામાં આવ્યા છે. આજકાલ મહારાષ્ટ્રના રાજકારણમાં જે શબ્દ ચર્ચાના ચકડોળે ચડ્યો છે એ ડુંગળી પણ દેશ્ય શબ્દ છે. મહારાષ્ટ્રમાં કાંદા તરીકે ઓળખાય છે અને બળદાયી હોવાથી કાંદો મર્દનો બાંધો એવી ઉક્તિ જાણીતી છે. કાંદો કાઢવો એટલે લાભ મેળવવો, ફળ પ્રાપ્ત કરવું અથવા સહેલાઈથી કામ પાર પાડવું એવા અર્થ જાણીતા છે. ખોબો, ડુંગર, પેટ, ખાટલો પણ દેશ્ય શબ્દો છે.
પ્રાકૃત વગેરે ભાષાના મિશ્રણવાળી સંસ્કૃત પણ જાણવા - સમજવા જેવી છે. એમાં પાણિનિ કે હેમચંદ્રના વ્યાકરણના નિયમોને સંપૂર્ણ ભાવે અનુસર્યા વિના પ્રાકૃત કે દેશ્ય શબ્દોને પણ માત્ર વિભક્તિ કે પ્રત્યય જોડી એ શબ્દોને સુઘડ સંસ્કૃત શબ્દોની વચ્ચે ગોઠવી દેવામાં આવે છે. એ પ્રકારની સંસ્કૃતમાં પ્રાકૃત શબ્દો પણ હોય, દેશ્ય શબ્દો પણ હોય, યાવની શબ્દો પણ હોય અને દ્રાવિડી શબ્દો પણ હોય. સંસ્કૃતમાં ક્યાંક પ્રાકૃતની અસર હોય તો ક્યાંક વળી અપભ્રંશની છાયા હોય, કોઈ પંક્તિ સંસ્કૃત તો વળી કોઈ પંક્તિ મિશ્રણવાળી હોય જે બોલચાલની સંસ્કૃત તરીકે પણ ઓળખાય છે. અનેક ગુજરાતી શબ્દો સંસ્કૃતમાંથી પરિવર્તન થઈને આવેલા છે. જેમ કે શિયાળ શબ્દ સંસ્કૃત શબ્દ શૃગાલ પરથી આવ્યો છે. ઉનાળો ઉષ્ણકાળ પરથી ઉતરી આવ્યો છે. આવા અન્ય ઉદાહરણો પણ છે. જોકે, સાથે એવા પણ અમુક શબ્દો છે જે અન્ય ભાષામાંથી સંસ્કૃતમાં ઉતરી આવ્યા હોય. દામ તદ્દભવ શબ્દ છે, એટલે કે સંસ્કૃતમાંથી આવ્યો છે. પૈસા,ધન એવો એનો અર્થ છે. અકબરના શાસનકાળમાં દામ - તાંબાનો સિક્કો ચલણમાં હતો. એના પરથી ગુજરાતીમાં દમડી શબ્દ ઉતરી આવ્યો છે. દમડી એટલે પૈસાનો ચોથો ભાગ. આઠથી બાર કોડીની કીમતનો હોય છે. હાલ ચલણમાં નથી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે કહેવત જાણીતી છે. જીવ જાય પણ પૈસો ન ખર્ચે એ એનો ભાવાર્થ છે. ધન પ્રત્યે તુચ્છ ભાવ કે તિરસ્કાર દર્શાવવા પણ દમડી શબ્દ ઉપયોગમાં લેવાય છે. આનું એક રસપ્રદ અનુસંધાન એ છે કે નવમીથી તેરમી સદી દરમિયાન ઉત્તર ભારતમાં દ્રમ્મ નામના રૂપાના સિક્કા ચલણમાં વપરાતા હતા. આ દ્રમ્મ શબ્દ ગ્રીક લોકોના રૂપાના સિક્કા દ્રખ્મ (ઉફિભવળફ) સાથે સંકળાયેલો છે. વિદેશી ચલણ પદ્ધતિ આપણે સ્વીકારી એ સાથે આ શબ્દ આપણી ભાષામાં આવી સ્થાયી થઈ ગયો.