Mon Oct 05 2026

Logo

પવઈમાં દૂધ માટે રડતા ચાર વર્ષના બાળકને પિતાએ જ મારી નાખ્યો

2026-05-31 11:44:00
Author: Yogesh C. Patel
પવઈમાં દૂધ માટે રડતા ચાર વર્ષના બાળકને પિતાએ જ મારી નાખ્યો

‘સ્પેશિયલ ચાઈલ્ડ’ એવા દીકરાને લાદી અને દરવાજા પર પટક્યો: દારૂના વ્યસની પિતાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવઈમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં દૂધ માટે રડતા ચાર વર્ષના માસૂમ બાળકને દારૂ પીવાના વ્યસની પિતાએ લાદી અને દરવાજા પર પટકીને નિર્દયતાથી મારી નાખ્યો હતો. ‘સ્પેશિયલ ચાઈલ્ડ’ એવો દીકરો દૂધ પીને જીવતો હતો અને વહેલી સવારે રડવા લાગ્યો એમાં રોષે ભરાયેલો પિતા હિંસક બન્યો હતો. પોલીસે આરોપી પિતાને લૉકઅપભેગો કરી દીધો હતો.

પવઈ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રાજેશ પ્રકાશ સિંહ (27) તરીકે થઈ હતી. કોર્ટે આરોપીને પહેલી જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર ઘટના શુક્રવારની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ થઈ હતી. આરોપી રાજેશે તેના ચાર વર્ષના દીકરા યશની હત્યા કરી હોવાનું તપાસમાં જણાયું હતું. આ મામલે પવઈ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પવઈમાં મોરારજી નગર ખાતેના ગૌતમ નગરમાં રાજેશ વૃદ્ધ માતા, પત્ની અને બે દીકરા સાથે રહેતો હતો. જોકે પાંચ વર્ષનો મોટો દીકરો પડોશમાં રહેતી રાજેશની બન્ને બહેન સાથે રહેતો હતો. દારૂ પીવાનો વ્યસની રાજેશ બેકાર હતો, જેને લઈ દંપતી વચ્ચે વિવાદ હતો.

કહેવાય છે કે રાજેશથી કંટાળીને પંદર દિવસ પહેલાં પત્ની પિયર જતી રહી હતી. ચાર વર્ષના સ્પેશિયલ ચાઈલ્ડ યશને ડૉક્ટરની સલાહથી માત્ર દૂધ આપવામાં આવતું. શુક્રવારની વહેલી સવારે ઊંઘમાંથી જાગી ગયેલો યશ દૂધ માટે રડવા લાગ્યો હતો, જેને કારણે રાજેશ રોષે ભરાયો હતો.

ગુસ્સામાં રાજેશે બાળકને ફટકારી જમીન પર પટક્યો હતો. પછી તેનું માથું દરવાજા સાથે અફાળ્યું હતું, જેને કારણે બાળક બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ બાળક અચાનક બેભાન થઈ ગયો હોવાનું જુઠ્ઠાણું રાજેશે ચલાવ્યું હતું. પડોશમાં રહેતી બહેનો બાળકને રાજાવાડી હૉસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
તબીબી તપાસમાં શંકા વ્યક્ત કરાતાં પોલીસે આરોપીને તાબામાં લઈ પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ઉડાઉ જવાબ આપનારા આરોપીએ પોલીસની આકરી પૂછપરછમાં ગુનો કબૂલ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.