Sun May 31 2026

Logo

રાપરના માનગઢ ઢુવામાં કૌટુંબિક કલહમાં નાના ભાઈએ મોટા ભાઈનું ઢીમ ઢાળ્યું, ધારિયાના ઘા ઝીંકી કરી હત્યા

2026-05-31 09:37:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવેલા માનગઢ ઢુવા ગામે એક અત્યંત ચોંકાવનારી અને લોહીયાળ ઘટના સામે આવી છે. માતા પાસે નશા માટે પૈસા માંગવા બાબતે થયેલા કૌટુંબિક ઝઘડામાં નાના ભાઈએ ઉશ્કેરાઈને પોતાના સગા મોટા ભાઈ પર ધારિયા વડે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ હૃદયદ્રાવક મામલે સગી જનેતાએ જ પોતાના નાના પુત્ર વિરૂદ્ધ મોટા પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

નાનો દીકરો શ્રવણ મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો

મળતી વિગત મુજબ, માનગઢ ઢુવા ગામે રહેતા 50 વર્ષીય વિધવા લક્ષ્મીબેન ભાણા કોલી તેમના બે અપરિણીત પુત્રો સાથે અત્યંત ગરીબ પરિસ્થિતિમાં રહે છે. તેમનો મોટો દીકરો મનસુખ કોઈ કામ-ધંધો કરતો નહોતો અને લાંબા સમયથી ગાંજાના નશાની લતે ચડી ગયો હતો, જ્યારે નાનો દીકરો શ્રવણ મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. ગત ગુરૂવારે સવારે આઠ વાગ્યાના અરસામાં મનસુખે નશો કરવા માટે માતા પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ માતાએ પૈસા આપવાનો ઈન્કાર કરતાં તે ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગ્યો હતો.

ગુસ્સે ભરાયેલા મનસુખે શ્રવણ પર લાકડી ઉગામી

મનસુખ અવારનવાર પૈસા માટે માતા સાથે કલેશ કરતો હોઈ, ઘરમાં હાજર નાના ભાઈ શ્રવણે તેને ઠપકો આપ્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા મનસુખે શ્રવણ પર લાકડી ઉગામી હતી. આ દરમિયાન આવેશમાં આવી ગયેલા શ્રવણે ચૂલા પાસે પડેલું બળતણ કાપવાનું ધારિયું ઉપાડી મનસુખના હાથ અને પગ પર ઉપરાછાપરી ઝીંકી દીધું હતું. ગંભીર ઈજાઓ થવાના કારણે મનસુખ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે માતા લક્ષ્મીબેને ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીઆઈ એમ.જે. હુણે હત્યાનો ગુનો નોંધી આરોપી શ્રવણની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય