અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને જાહેરમાં હથિયારોના ઉપયોગ પર નિયંત્રણ આવે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાઓને બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા સમર્પણથી સુરક્ષા નામથી બે દિવસની વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં સેક્ટર 2માં આવેલા ઝોન 4, 5, 6 અને 8 પોલીસ સ્ટેશન વિસ્તારો જેમાં 22 જેટલા પોલીસ સ્ટેશન આવે છે તેમાં વિસ્તારો ઓળખવામાં આવ્યા હતા. લોકોને છરી, તલવાર, ધારિયા સહિતના જે પણ હથિયાર હોય તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી.
22 પોલીસ સ્ટેશનમાં કુલ 263 જેટલા હથિયારો જમા
પોલીસે લોકોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલા હથિયારો સ્વેચ્છાએ પોલીસને સોંપશે તો તેની સામે હથિયાર જમા કરાવવાની બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. પોલીસની અપીલ બાદ માત્ર બે દિવસમાં સેક્ટર-2 વિસ્તારમાં આવતા 22 પોલીસ સ્ટેશનમાં કુલ 263 જેટલા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. આ હથિયારોમાં છરી, તલવાર, ચપ્પુ, ધારિયા અને બેઝબોલ બેટ સહિતના વિવિધ પ્રકારના હથિયારોનો સમાવેશ થાય છે.
તીક્ષ્ણ હથિયાર મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી
હવે આગામી દિવસોમાં પોલીસ દ્વારા વિસ્તારોમાં મેગા કોમ્બિગ હાથ ધરવામાં આવશે. જે કોઈપણ વ્યક્તિ કે તેના ઘરમાંથી જો તીક્ષ્ણ હથિયાર મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.