Sun May 31 2026

Logo

કચ્છમાં આગામી 6 જૂન સુધી વાવાઝોડાં સાથે વરસાદની આગાહી, બાગાયતી પાકને નુકસાનની ભીતિ

2026-05-31 11:21:00
Author: Vimal Prajapati
Article Image

ભુજ: કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સર્જાયેલી ચાર અલગ-અલગ હવામાન સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિય અસરના કારણે આગામી 6ઠ્ઠી જૂન સુધી જિલ્લામાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ આગાહી કરવામાં આવી છે. ચોમાસાના આગમન પૂર્વે જ સર્જાયેલા આ વાવાઝોડાં જેવા માહોલથી સમગ્ર કચ્છમાં ચિંતા અને ભારે ઉકળાટનો માહોલ છે.

 

ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી

ગરમીનો પારો 37થી 39 ડિગ્રી વચ્ચે સ્થિર થતાં લોકોને આકરા તડકાથી થોડી રાહત મળી હતી, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતાં અસહ્ય ઉકળાટ અને બફારાએ લોકોને પરસેવે રેબઝેબ કરી મૂક્યા હતા. હાલમાં જિલ્લામાં ધૂપ-છાંવ જેવા મિશ્ર માહોલ વચ્ચે તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. રણ વિસ્તાર અને સરહદી ગ્રામ્ય પંથકોમાં રાજસ્થાન જેવા રેતીના વંટોળની સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર ધૂળની ભારે ડમરીઓ ઊડવાના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

તાપમાન ઘટ્યું પણ અસહ્ય બફારાએ ચિંતા વધારી

હવામાન વિભાગના આંકડા મુજબ કચ્છમાં ગરમીના પારામાં થોડો ઘટાડો નોંધાયો છે. પારો 37°C થી 39°C વચ્ચે સ્થિર થતાં લોકોને આકરા સૂર્યપ્રકાશ અને તડકાથી આંશિક રાહત મળી છે. હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઊંચું રહેવાના કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો વધ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

બાગાયતી પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત

આ અચાનક બદલાયેલા તોફાની હવામાન અને તેજ પવનના કારણે કચ્છના બાગાયતી પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તેજ પવનના લીધે આંબા પરથી કેરી અને જાંબુનો પાક અધવચ્ચે જ ખરી પડવાની ભીતિ છે. જો આગામી દિવસોમાં વરસાદી ઝાપટાં સાથે વાવાઝોડું વધશે, તો ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે. વાવાઝોડાં જેવા માહોલને કારણે બાગાયતી પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.