મસ્તરામની મસ્તી - મિલન ત્રિવેદી
નામ સાંભળીને ગલગલિયા...
નામ પર ભ્રમ, હકીકત સામે ભૂકંપ!
કહેવત છે ને (ગીત પણ!) કે ‘નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા...’ પણ અમુક નામ એવા હોય છે જે તમારા મનમાં એવા ભ્રમ પેદા કરે કે જ્યારે હકીકત સામે આવે ત્યારે ભૂકંપ આવી જાય!
મારી સાથે પણ કંઈક આવું જ થયું. વાત એમ હતી કે મારા ડાયાબિટીસના આંકડા થોડા દિવસથી સેન્સેક્સની જેમ ઉપર-નીચે થઈ રહ્યા હતા. ઘરમાં પત્નીએ અલ્ટિમેટમ આપી દીધું, ‘આમ ખાંડ ખાધા કરશો તો એક દિવસ ખાટલા ભેગા થઈ જશો, ચાલો, કાલે જ ડૉક્ટરને બતાવી આવીએ.’
મેં પૂછ્યું, ‘કોણ ડૉક્ટર?’
પત્નીએ સ્માર્ટફોનમાં જોતાં જોતાં કહ્યું, ‘ડૉક્ટર ક્રિષ્ના! બહુ ફેમસ ડાયાબિટીલૉજિસ્ટ છે.’
બસ, ‘ક્રિષ્ના’ નામ સાંભળતાં જ મારા મનમાં ગલગલિયા થવા માંડ્યા! મારા મગજે તરત જ ધારણાઓનો ઘોડો દોડાવ્યો. ડૉક્ટર ક્રિષ્ના... એટલે નક્કી કોઈ સૌમ્ય, શાંત અને ટીવી સિરિયલોમાં આવે તેવી સ્માર્ટ લેડી ડૉક્ટર, જે એપ્રન પહેરીને, ગળામાં સ્ટેથોસ્કોપ ઝુલાવીને એકદમ મધુર અવાજે મને કહેશે, ‘જુઓ મિસ્ટર, મીઠાઈ બંધ કરી દો.’ આવી કલ્પના માત્રથી મારો અડધો ડાયાબિટીસ તો ત્યાં જ કંટ્રોલમાં આવી ગયો! પેશન્ટ તરીકે મારો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો. મને રોગ મટાડવામાં જેટલો રસ હતો એનાથી બમણો રસ ડૉક્ટર ક્રિષ્નાને જોવામાં જાગ્યો હતો.
તેમના આસિસ્ટન્ટ છે કિરણ. મનમાં ફરી એક રોમાંચક આંચકો આવ્યો પગારનો પગાર તો છે જ વત્તા આ બોનસ પણ છે.
મારા રોમેન્ટિક મગજે એ વખતે વાસ્તવિકતાનો વાયર કાપી નાખ્યો હતો.
બપોરના ત્રણ વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. અમિતાભ બચ્ચન હોય તો પણ અમે રાજકોટવાળા બપોરે મળવા ના જઈએ, પરંતુ અહીં તો વાત જ જુદી હતી. સામાન્ય રીતે કાર્યક્રમ હોય ત્યારે જ અમે સ્પ્રે છાંટીએ પરંતુ આજે તો ઘરવાળીએ પણ કહી દીધું કે ‘ડૉક્ટરને દેખાડવા જવાનું છે-લગ્નમાં નહીં.’ ઉનાળામાં પરસેવાનું બહાનું કાઢી વાત વાળી લીધી.
અમે હૉસ્પિટલ પહોંચ્યા. નામ નોંધાવીને વેઇટિંગ એરિયામાં બેઠા. મારું દિલ ધક-ધક કરી રહ્યું હતું (ડાયાબિટીસના કારણે નહીં, ઉત્સાહના કારણે!). આખરે અમારો નંબર આવ્યો. પત્ની આગળ અને હું એની પાછળ ધીમેથી ડૉક્ટરની ચેમ્બરમાં ઘૂસ્યો.
મેં જેવી નજર સામે કરી, મારો અડધો ઉત્સાહ ત્યાં જ ફૂશ... થઈ ગયો!
સામેની ખુરશી પર સાડાછ ફૂટના, પહાડ જેવા, ભરાવદાર મૂછોવાળા અને સહેજ ટાલવાળા એક ભવ્ય પુરુષ બેઠા હતા! એમનું કદ જોઈને મને એમ લાગ્યું કે આ ડાયાબિટીસના ડૉક્ટર છે કે પછી કુસ્તીના રેફરી?
આમ છતાં મેં મનને મનાવ્યું. અરે, આ તો અસિસ્ટન્ટ હશે! આજના જમાનામાં મોટા ડૉક્ટરો સીધા ક્યાં મળે છે? પેલાં હિન્દી પિક્ચરોમાં આવે ને, એમ આ જુનિયર ડૉક્ટર હશે જે બધી હિસ્ટ્રી લેશે, ફાઇલ બનાવશે અને પછી આપણને મેન ડૉક્ટર ‘ક્રિષ્ના મૅડમ’ પાસે મોકલશે.
પેલા મૂછાળાભાઈએ ગંભીર અવાજે પૂછ્યું,
‘હાં, બોલો, શું તકલીફ છે?’
મેં નમ્રતાથી મારી ફાઇલ એમના હાથમાં આપી. એમણે મારા રિપોર્ટ્સ જોયા, ચશ્માં સરખા કયાર્ં, કમ્પ્યુટરમાં કંઈક ટાઇપ કર્યું. પછી મારી સામે જોઈને પૂછ્યું, ‘ગળ્યું બહુ ખાઓ છો?’
મેં પત્ની સામે જોઈને ખોટું હસતાં-હસતાં કહ્યું, ‘ના રે સાહેબ, એ તો ક્યારેક જ...’
પત્નીએ તરત જ મારી પોલ ખોલી, ‘સાહેબ, આ આખો દિવસ ફ્રિજ ખોલીને પેંડા ચોરે છે!’
પેલા મૂછાળા ભાઈએ કડક નજરે મારી સામે જોયું. મને થયું, ‘ભાઈ તું ગમે તેટલો ગરમ થા, મારે તો તારી પાછળ બેસતાં મેઇન ડૉક્ટર ક્રિષ્નાને મળવું છે.’ બધી વિધિ પૂરી થઈ ગઈ. એમણે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને ફાઇલ બંધ કરી.
હવે મારો ધીરજનો ઘડો છલકાઈ રહ્યો હતો. બધી વિધિ પૂરી થઈ ગઈ પણ ‘મૅડમ’ હજુ કેમ ન આવ્યા? આ અસિસ્ટન્ટ પોતે જ બધું પતાવી દેશે તો મારો ઉત્સાહ એમને એમ એક્સપાયર થઈ જશે!
મેં હિંમત ભેગી કરી, ગળું ખોંખાર્યું અને એકદમ ભોળા થઈને પૂછ્યું, ‘સર, બધી વિધિ તો પતી ગઈ... પણ પેલું, ડૉક્ટર ક્રિષ્નાને પણ મળીને જ જઈએ ને? એમની અપોઈન્ટમેન્ટ હતી આપણી.’
ચેમ્બરમાં એક સેક્ધડ માટે પિન-ડ્રૉપ સાયલન્સ છવાઈ ગયું.
પેલા મૂછાળા ડૉક્ટરે ચશ્માં નાક પરથી સહેજ નીચે ઉતાર્યા. મારી સામે એવી રીતે જોયું જાણે હું મંગળ ગ્રહ પરથી આવ્યો હોઉં. પછી એમણે પોતાની છાતી પર હાથ મૂક્યો, મૂછો પર વળ દીધો અને ખડખડાટ હસતા અવાજે બોલ્યા:
‘ભલા માણસ, હું જ ડૉક્ટર ક્રિષ્ના ...!’
આ સાંભળતાં જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ! મારા મનમાં જે રોમેન્ટિક કલ્પનાઓનો કાચનો મહેલ હતો, એના પર જાણે કોઈએ બુલડોઝર ફેરવી દીધું! હિમાલયની ટોચ પરથી મારો ઘા થયો હોય એવો જોરદાર આંચકો લાગ્યો! ડૉક્ટર ‘ક્રિષ્ના’ એટલે કોઈ ગોપી નહીં, પણ આખેઆખા ‘દ્વારકાધીશ’ જેવા કદાવર પુરુષ નીકળ્યા!
મારી પત્ની તો પોતાનું હસવું રોકવા માટે મોઢા પર પાલવ દબાવીને બેસી ગઈ. મારી હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી.
ડૉક્ટર ક્રિષ્ના એકદમ માયાળુ અને રમૂજી સ્વભાવના હતા. મારો ઊતરી ગયેલો ચહેરો જોઈને એ સમજી ગયા કે મારા મનમાં શું ચાલતું હતું. એ હસતાં હસતાં બોલ્યા, ‘ભાઈ, તમારા જેવા ઘણા પેશન્ટ્સ ‘ક્રિષ્ના’ નામ વાંચીને ગુલાબી સપનાં જોતાં જોતાં અહીં હોંશે હોંશે દોડી આવે છે, પણ અહીં આવ્યા પછી મારી મૂછો જોઈને એમનો ડાયાબિટીસ અડધો તો એમ જ ગાયબ થઈ જાય છે! નામમાં શું રાખ્યું છે, કામ જુઓ કામ!’
મેં શરમાતાં શરમાતાં કહ્યું, ‘ના સાહેબ, એ તો મને એમ કે...’
‘કંઈ વાંધો નહીં, ‘ડૉક્ટરે હસીને ટેબલ પર હાથ પછાડતાં કહ્યું, ‘આજથી તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની જવાબદારી આ ‘ક્રિષ્ના’ની. પણ શરત એટલી કે માખણ અને મિશ્રી બંધ કરવા પડશે, હું તો કાનો છું એટલે માખણ ખાવું મને પોસાય, તમને નહીં!’
એમની આ હાસ્ય સભર પંચ લાઈન સાંભળીને ચેમ્બરમાં અમે બધા ખડખડાટ હસી પડ્યા. જે ટેન્શન સાથે હું હૉસ્પિટલ ગયો હતો, તે બધું જ હાસ્યમાં ઓગળી ગયું.
ઘેર પાછા આવતી વખતે આખા રસ્તે મારી પત્ની મારી ખેંચતી રહી, "કેમ, કેવા લાગ્યા અમારાં ડૉક્ટર ક્રિષ્ના? આવ્યા ગલગલિયા?"
મેં ખાનગીમાં કાન પકડ્યા કે ભાઈ, હવે પછી કોઈપણ જગ્યાએ જતાં પહેલાં નામ પાછળ ‘ભાઈ’ છે કે ‘બહેન’ એની પાકી તપાસ કરી લેવી!
નામના ભ્રમમાં જીવવું કેટલું ભારે પડી શકે છે એ મને એ દિવસે સમજાયું, પણ હા, પેલા ડૉક્ટર ક્રિષ્નાના એ હાસ્ય અને પૉઝિટિવિટીના કારણે મારો ડાયાબિટીસ ખરેખર કંટ્રોલમાં આવી ગયો છે. છેવટે, હાસ્ય એ જ સૌથી મોટી દવા છે, પછી ભલે એ હિમાલયની ટોચ પરથી થયેલા ઘા પછી જ કેમ ન મળી હોય!
વિચારવાયુ
શીતલ, ક્રિષ્ના, કિરણ.... લિસ્ટ બનાવી રાખો.
ખબર તો પડે કોણ કોણ મારા-તમારા આશાના મિનારા તોડી શકે છે... !