Sat Oct 10 2026

Logo

રાજકોટમાં 14 વર્ષની વિદ્યાર્થીનીને પાસ કરાવવાની લાલચે શિક્ષકે બનાવી હવસનો શિકાર, ફ્લેટ પર લઈ જઈ બાંધ્યા સંબંધ

2026-10-02 09:22:00
Author: Devayat Khatana
રાજકોટમાં 14 વર્ષની વિદ્યાર્થીનીને પાસ કરાવવાની લાલચે શિક્ષકે બનાવી હવસનો શિકાર, ફ્લેટ પર લઈ જઈ બાંધ્યા સંબંધ

રાજકોટ:  શહેરમાં શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સંબંધને લજવતો એક અત્યંત શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. શહેરની 'મધર ટેરેસા સ્કૂલ નંબર 88' ના ગણિતના શિક્ષક મોહિત ટાંક દ્વારા તેમની જ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. હાલ ધોરણ-9  માં અભ્યાસ કરતી 14 વર્ષની માસૂમ સગીરાને ગણિત વિષયમાં સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ અને જો વાત ન માને તો નાપાસ કરી દેવાની ધમકી આપીને નરાધમ શિક્ષકે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.

આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાની માતાએ ગત 23 સપ્ટેમ્બરના રોજ પોતાની દીકરીને અત્યંત ગુમસુમ અને ગભરાયેલી જોઈને તેને હિંમત આપી પૂછપરછ કરી. દીકરીએ રડતા-રડતા પોતાની આપવીતી જણાવતા માતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી. ભોગ બનનાર સગીરા અગાઉ વર્ષ 2023થી 2026 સુધી મધર ટેરેસા સ્કૂલમાં ભણતી હતી. ગત 2 જાન્યુઆરી, 2026 ના રોજ શિક્ષક મોહિત ટાંકે તેને સારા માર્કસ આપવાની લાલચ આપીને શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું અને કોઈને કહીશ તો નાપાસ કરવાની ધમકી આપી હતી.

ડરી ગયેલી સગીરા સાથે મુખ્ય ઘટના 9 જાન્યુઆરી, 2026 ના રોજ બની હતી. સવારે જ્યારે વિદ્યાર્થિની સ્કૂલે પહોંચી ત્યારે શિક્ષકે તેનું દફતર ખેંચી લઈને તેને ધમકાવી પોતાની કારમાં બેસાડી દીધી હતી. ત્યારબાદ તે સગીરાને મવડી રોડ સ્વામિનારાયણ ચોક પાસે આવેલા પોતાના સૂમસામ ફ્લેટ પર લઈ ગયો હતો અને ત્યાં બેડરૂમમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જો કે આટલેથી ન અટકતા આરોપીએ 20 એપ્રિલ સુધી અવારનવાર વિદ્યાર્થિનીને ખાલી ક્લાસરૂમમાં બોલાવી શારીરિક અડપલાં કરી ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બાબતે સગીરાની માતાની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે આરોપી શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા તપાસ આદરી છે.