અમદાવાદ: સામાન્ય રીતે માતા-પિતા પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે ઘરથી દૂર મોકલતા હોય ત્યારે તેમની સુરક્ષાને લઈને સતત ચિંતિત હોય છે. આથી જ તેઓ દીકરીઓને યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાખવાનું વધુ પસંદ કરે છે, કારણ કે ત્યાં સલામતીની ખાતરી હોય છે. પરંતુ અમદાવાદની મોટી અને પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બનેલી એક શરમજનક ઘટનાએ આ સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે. હોસ્ટેલ પરિસરમાં જ એક નિર્માણાધીન સાઇટ પરના એક વર્કર દ્વારા કરવામાં આવેલા અશ્લીલ હરકતની ઘટના દર્શાવે છે કે દીકરીઓ હવે હોસ્ટેલમાં પણ સંપૂર્ણ સુરક્ષિત નથી, જે વાલીઓ માટે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે.
મળતી વિગતો અનુસાર, નિરમા યુનિવર્સિટીના H-4 બ્લોક સ્થિત ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં H-5 બ્લોકનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાં કામ કરતા એક મજૂરે ગર્લ્સ હોસ્ટેલ તરફ જોઈને અશ્લીલ હરકતો કરી હતી, જેનો વીડિયો હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ઉતારી લીધો હતો. આ અંગે યુનિવર્સિટી દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં, કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે સત્તાધીશોએ માત્ર હોસ્ટેલ ફરતે ગ્રીન નેટ લગાવી દીધી હતી. એટલું જ નહીં, વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે એક સિક્યુરિટી ગાર્ડે ફરિયાદ કરનાર યુવતીઓના પહેરવેશ પર જ ટિપ્પણી કરી હતી, જેનાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો.
વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો સહારો લીધો
યુનિવર્સિટી પ્રશાસનના આ ઢીલા વલણ સામે અવાજ ઉઠાવવા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ ઘટનાને વાચા આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પેજ બનાવવામાં આવ્યું હતું અને એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ કેમ્પેઇન અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ 'બ્લેક ડે' મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે, ગઇકાલે નિરમા યુનિવર્સિટીના કેમ્પસમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ કાળાં કપડાં પહેરીને અને હાથમાં બેનર-પ્લેકાર્ડ્સ લઈને એકઠા થયા હતા અને વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીઓના આક્રોશ અને સોશિયલ મીડિયા કેમ્પેઇનના દબાણને પગલે આખરે યુનિવર્સિટીના સત્તાધીશોએ સોલા પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાની અને સાક્ષીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, NSUIએ પણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ આરોપી સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે.