વાપી: વાપીના છરવાડા વિસ્તારમાં આવેલી સાંઈ સંસ્કાર સોસાયટીમાં ધોળા દિવસે એક હૃદયકંપાવનારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં બ્યુટી પાર્લર ચલાવતી સીમા નામની મહિલા પર તેના જ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ બાદ ઘટનાસ્થળે સનાટો છવાઈ ગયો હતો. જોકે, ડુંગરા પોલીસે ત્વરિત તજવીજ હાથ ધરીને આરોપી પતિ પરેશ કટારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મૃતક સીમા પોતાના નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળી બ્યુટી પાર્લર તરફ જઈ રહી હતી. તે જ સમયે સોસાયટીના કમ્પાઉન્ડમાં અગાઉથી સંતાઈને બેઠેલા તેના પતિ પરેશ કટારિયાએ અચાનક આવીને તીક્ષ્ણ ચપ્પુ વડે સીમા પર સરેઆમ હુમલો કરી દીધો હતો. તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા વાગવાને કારણે સીમા લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું હતું
ધોળા દિવસે આચરવામાં આવેલા આ ખૂની ખેલથી સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરોપી હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક રહીશો અને ડુંગરા પોલીસની ટીમે સમયસૂચકતા દાખવી તેને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. અત્યારે આરોપી પતિ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી અને તેને જેલમાં મોકલી દીધો છે.
છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો
પરેશ અને સીમાએ થોડા વર્ષો પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. બંનેને સંતાનમાં એક નાનું બાળક છે. જોકે, છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે ગંભીર મનમુટાવ ચાલતો હતો, જેના કારણે સીમા પતિથી અલગ સાંઈ સંસ્કાર સોસાયટીમાં રહેતી હતી. બંને વચ્ચે લાંબા સમયથી કોર્ટમાં ભરણપોષણ મેળવવાનો કેસ ચાલી રહ્યો હતો. બનાવના દિવસે પરેશ સીમાના નિવાસ્થાને પહોંચ્યો હતો. ત્યાં કોર્ટ કેસ પાછો ખેંચવા અને ભરણપોષણની મોટી રકમના મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તકરાર વકરતાં આવેશમાં આવેલા પરેશે આ લોહિયાળ પગલું ભરી લીધું હતું.
અહમની લડાઈમાં એક હસતો-રમતો પરિવાર હોમાયો
ચોંકાવનારી વાત એ છે કે, પતિ-પત્ની વચ્ચેના કૌટુંબિક કલેશ અને અહમની લડાઈમાં એક હસતો-રમતો પરિવાર હોમાઈ ગયો છે. આ કરુણ ઘટનામાં એક તરફ માતાની છત્રછાયા કાયમ માટે છીનવાઈ ગઈ છે, તો બીજી તરફ પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ જતાં તેમનું માસૂમ બાળક સંપૂર્ણપણે નિરાધાર બની ગયું છે. પતિ-પત્નીના ઝઘડામાં હવે બાળકનું કોણ? તેને લઈને અત્યારે ચિંતા વ્યાપી છે.