Sun May 31 2026

Logo

મુન્દ્રાના 1150 કરોડના કોકેઈન કાંડની તપાસમાં NIA જોડાઈ, આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવશે

2026-05-31 10:13:00
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ કચ્છના મુંદરાના દરિયાકાંઠેથી ઝડપાયેલા કરોડો રૂપિયાના શંકાસ્પદ કોકેઈન નેટવર્કના પર્દાફાશ માટે હવે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા 'નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી' (NIA) પણ આ કેસની તપાસમાં સત્તાવાર રીતે જોડાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કેસમાં વિદેશી કનેક્શન અને આંતરરાષ્ટ્રીય નાર્કો સિન્ડિકેટની સંડોવણીના મજબૂત પુરાવા હાથ લાગતાં, કેસની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્રીય એજન્સીએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો છે.

118 કિલોથી વધુ કોકેઈન સાથે વિદેશી કનેક્શન ખુલ્યું

તાજેતરમાં મુંદરાના દરિયાઈ વિસ્તારમાંથી સુરક્ષા એજન્સીઓ દ્વારા 118.977 કિલોગ્રામ વજન ધરાવતા અને આશરે રૂપિયા 1150 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતા કોકેઈનના 115 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન એક આરોપીને રંગેહાથ ઝડપી લેવાયો હતો, જ્યારે તેનો અન્ય એક સાથીદાર ડ્રગ્સની ડિલિવરી આપતી વખતે દરિયામાં કૂદીને ફરાર થઈ ગયો હતો. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ અને કડક તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કરોડો રૂપિયાની કિંમતનો નશીલા પદાર્થોનો મોટો જથ્થો દેશની રાજધાની દિલ્હી ખાતે રહેતા બે વિદેશી નાગરિકો કેલ્વિન ચુકવુઆમા અને બ્યારુહન્ગા જેમ્સને પહોંચાડવાનો હતો.

એક્શનમાં આવેલી એનઆઈએ આ ક્ષેત્રમાં તપાસ કેન્દ્રિત કરી

આ કેસમાં આંતરરાષ્ટ્રીય સ્મગલરો અને ડ્રગ માફિયાઓની સીધી સંડોવણી ખુલતાં હવે એક્શનમાં આવેલી એનઆઈએ દ્વારા તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ડ્રગ્સ કયા દેશમાંથી વાયા સમુદ્ર માર્ગે ભારત મોકલવામાં આવ્યું અને તેની પાછળ કઈ વૈશ્વિક ગેંગ સક્રિય છે? આટલા મોટા પાયે થતી ડ્રગ્સની હેરાફેરીના આર્થિક વ્યવહારો અને તેના ફંડિંગના મૂળ સ્ત્રોત કયા છે? તેની તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ દિલ્હી સિવાય ભારતના અન્ય કયા-કયા મોટા શહેરોમાં આ ઇન્ટરનેશનલ નાર્કો સપ્લાય ચેઈન ફેલાયેલી છે તેની કડીઓ મેળવવા માટે તપાસ કરવામાં આવશે. 

(ઉત્સવ વૈદ્ય)