‘મુંબઈ સમાચાર’ માતૃભાષા ભાગવત સપ્તાહમાં બિહારી બેટીની બોલબાલા
મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’નો પાંચમો દિવસ સૂક્ષ્મ રૂપે અને સ્થૂળરૂપે ‘ઉત્સવ દિવસ’ બની રહ્યો. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કથા શ્રવણના માહાત્મ્યથી શરૂ કરી સુપરકૂલ એસી ડોમમાં નંદ ઉત્સવના રસાળ વર્ણનથી વૈષ્ણવોને ઘેલા કર્યા બાદ મૈથિલી ઠાકુરના સ્વરૂપમાં એક સંગીત દીવો પ્રગટ્યો. એના સૂર - તાલ અને ગીત - ભજનની એવી રમઝટ બોલી કે ભાઇશ્રીએ કથાપાનથી બોરીવલીનું બાળાસાહેબ ઠાકરે ક્રીડાસંકુલ સાંજે સાડા છએ ગોકુળ બનાવી દીધું હતું તો રાત્રે સાડા આઠ સુધીમાં તો મૈથિલી ઠાકુરે સંકુલને ગ્વાલિયરનું તાનસેન નગર બનાવી દીધું હતું.

સંગીતમાં પારંગત થઈ રહેલી અને દેશની સૌથી યુવા વિધાનસભ્ય 26 વર્ષની બિહારની બેટીએ ગાયેલું એક ગીત ’દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે’ ખરા અર્થમાં સોમવારની સાંજનું ઓળખ બની ગયું. માસૂમ અને ભાવવિભોર ચહેરો, ગળામાં ગજબની મીઠાશ અને પરફોર્મન્સના પાવરથી હાજર ભાવિકો ‘મૈથિલીએ વૈષ્ણવોને માયા લગાડી રે’ એમ જરૂર મનમાં ગણગણ્યા હશે. આ કાર્યક્રમમાં સાંજે આશીર્વચન આપી માતૃભાષા ભાગવત સપ્તાહને બિરદાવી ગયેલા શ્રી અનંત વિભૂષિત વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી ફરી ઉપસ્થિત થયા હતા. સિવાય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારીએ પણ હાજરી પુરાવી હતી.
માત્ર સાત વાજિંત્ર (મૈથિલીની સાથે દેશી હાર્મોનિયમ, બે અલગ અલગ ઢોલક, તબલા, પાવો, બેન્જો અને સામાન્ય - નાનકડું ઓર્ગન)ની સંગતમાં મૈથિલીએ જે રમઝટ બોલાવી, જે સૂરાલયનું નિર્માણ કર્યું એની સામે અદ્યતન વાજિંત્રો ધરાવતી 70 પીસની ઓર્કેસ્ટ્રા પાણી ભરે. આ વિધાનમાં અતિશયોક્તિ લાગી શકે છે, પણ એ માહોલને અને એ વાતાવરણને સમજવા, ઓળખવા
માટે તમારે ’મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ના સોમવારના સંગીત જલસામાં હાજર રહેવું જોઈતું હતું. તમે જો એ મોકો ચુકી ગયા છો તમે અનોખી
સૂરીલી સાંજથી વંચિત રહી ગયા છો એ દીવા જેવી સ્પષ્ટ વાત છે.

માસૂમ મૈથિલીનું મેજીક બીજા જ ગીતથી વરતાઈ આવ્યું. ‘નાગર નંદજીના લાલ, રાસ રમતાં મારી નથડી ખોવાણી’થી જે સમા બંધાયો અને પછી લાગલગાટ ત્રણ ગુજરાતી ગીત ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે’, ‘કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા’ અને ‘ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે’ થી બધા તાનમાં આવી ઝૂમી ઉઠ્યા, નાચી ઉઠ્યા.
આ સિવાય પોતાનું ફેવરિટ ‘રાધિકા ગોરી સે બિરજ કી છોરી સે મૈયા કરાદે મેરો બ્યાહ’ અને ‘મેરી ઝોંપડી કે ભાગ આજ ખૂલ જાએંગે’ સહિત અન્ય ગીતોથી વાતાવરણ સંગીતમય બનાવી દીધું. એમાંય જ્યારે રાષ્ટ્રસંત તુકડોજી મહારાજનું ભક્તિગીત ‘મની નાહી ભાવ મ્હણે દેવા મલા પાવ, દેવ અશાનં ભેટાયચા નાહી રે, દેવ બાજારચા ભાજીપાલા નાહી રે’ (મનમાં નથી ભાવ અને કહે છે દેવ મને દર્શન દે, ભગવાન આમ થોડા મળે, ભગવાન કંઈ બજારના શાકભાજી નથી) ગાયું ત્યારે ગુજરાતી, હિન્દી અને મરાઠી ગીતોની રજૂઆતથી માતૃભાષા ભાગવત સપ્તાહ એક અર્થમાં સાર્થક થઈ ગઈ. મૈથિલીના ગુજરાતી, મરાઠી, હિન્દી, વ્રજ અને મારવાડી ઉચ્ચારોની શુદ્ધતા કમાલની હતી.