Sun Sep 13 2026

Logo

ચેન્નઈ ફરવા ગયેલા મહારાષ્ટ્રના બે વિદ્યાર્થી દરિયામાં ડૂબ્યા, એકને બચાવી લેવાયો...

2026-02-22 18:37:38
Author: sapna desai
ચેન્નઈ ફરવા ગયેલા મહારાષ્ટ્રના બે વિદ્યાર્થી દરિયામાં ડૂબ્યા, એકને બચાવી લેવાયો...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રમાંથી અમુક વિદ્યાર્થીઓ ચેન્નઈના ગોલ્ડન બીચ પર ફરવા ગયા હતા ત્યારે તેમાંથી પાણીમાં ઉતરેલા ત્રણ વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીનિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. તો એક દરિયામાં તણાઈ ગયો હતો તો ત્રીજાને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો હતો. 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મિડિયા પર  પોતાના અકાઉન્ટમાં કરેલા ટ્વિટ મુજબ મહારાષ્ટ્રના અમુક વિદ્યાર્થીઓનું ગ્રૂપ તમિળનાડુના ચેન્નઈમાં ફરવા માટે ગયા હતા. દરમ્યાન શનિવારે ચેન્નઈના ગોલ્ડન બીચ પર ૨૬ વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. જોકે તેમાંથી ફક્ત ત્રણ વિદ્યાર્થીઓ પાણીમાં ઉતર્યા હતા, જેમાં ભંડારા જિલ્લાની મયુરી ચૌધરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
તો જય પાટીલનો શનિવારે મોડે સુધી પત્તો લાગ્યો નહોતો, તેને શોધવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું.

ત્રીજા વિદ્યાર્થી રાજ કેદારીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.આ દુર્ઘટનાની જાણ થવાની સાથે જ મહારાષ્ટ્ર સરકારે તમિળનાડુ સરકારને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનને ઝડપી બનાવવાની સૂચના આપી હતી. તો આ દુર્ઘટનાની જાણ થતા  જ જય  પાટીલ અને મયુરી ચૌધરીના પરિવારજનો ચેન્નઈ પહોંચી ગયા હતા. 

મુખ્ય પ્રધાને આ દુર્ઘટના બાદ મૃતકો પરિવાર પ્રત્યે તીવ્ર શોક વ્યક્ત કરીને સંવેદના વ્યક્ત કરી હતી. તેમ જ  મહારાષ્ટ્ર સરકાર અસરગ્રસ્ત પરિવારને તમામ પ્રકારની મદદ માટે સતત સંપર્ક હોવાનો દાવો પણ મુખ્ય પ્રધાને કર્યો હતો.