(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આર્થિક રીતે ખખડી ગયેલી મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટને નવજીવન બક્ષવા માટે રાજ્ય સરકારે આ વર્ષે ૮,૩૦૦ નવી બસ ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ગુરુવારે જણાવ્યું હતું.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ પાસે ઓછી બસ હોવાથી આવક પણ ઓછી થઈ રહી છે. બસની સંખ્યા વધી તો પ્રવાસીની સંખ્યા પણ વધશે અને પ્રવાસી વધશે તો આવક આપમેળે વધશે એવો દાવો રાજ્યના પરિવહન પ્રધાને કર્યો હતો.
કોરોના મહામારી પહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ પાસે ૧૮થી ૧૯ હજાર બસનો કાફલો હતો. દરરોજ લગભગ ૬૬ લાખ પ્રવાસીઓ તેમાં પ્રવાસ કરતા હતા. જોકે કોરાના મહામારી અને કર્મચારીઓની હડતાળને પગલે ચાર-પાંચ વર્ષમાં બસની ખરીદી રખડી પડી હતી. તેથી ૨૦૨૪ની સાલમાં બસની સંખ્યા ઘટીને લગબગ ૧૨,૬૦૦ થઈ ગઈ હતી. આ દરમ્યાન રાજય સરકારે મહિલાને ટિકિટમાં ૫૦ ટકાની રાહત અને ૭૫ વર્ષથી ઉપરના જયેષ્ઠ નાગરિકોને મફત પ્રવાસની સગવડ આપતા પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ છે.
રાજ્યમાં દરરોજ લગભગ ૫૦ લાખ પ્રવાસીઓ એસટીમાં પ્રવાસ કરે છે. બસની ઓછી સંખ્યાને કારણે અનેક વખત અપૂરતી ફેરીઓ થતી હોય છે. આગામી સમયમાં એસટીમાં ૭૦ લાખથી ૭૫ લાખ મુસાફરો પ્રવાસ કરે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે એસટીની લાંબા ગાળાની યોજના મુજબ આગામી અમુક વર્ષોમાં ૨૦થી ૨૫ હજાર બસની ખરીદી કરવાની યોજના છે, જેને રાજ્ય સરકારની મંજૂરી મળી છે. તેથી પહેલા તબક્કામાં ૮,૩૦૦ બસનો સમાવેશ કરવામાં આવશે.
આગામી માર્ચ મહિના સુધીમાં ૮,૩૦૦ બસનો તબક્કાવાર સમાવેશ કરવામાં આવશે, જેમાં પંચાવન સીટવાળી ૩,૦૦૦ બસને બે શહેર વચ્ચે ભીડવાળા રૂટ પર ‘રાજમાતા જિજાઉ સાહેબ’ નામે દોડાવવામાં આવશે. હાલ ૫,૦૦૦ બસની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ૧૦૦ મિડી બસ દુર્ગમ અને આદિવાસી વિસ્તાર સુધી સેવા પહોંચાડવા માટે હશે. ૨૦૦ અત્યાધુનિક બસ ખાનગી ટ્રાન્સ્પોર્ટેશન સાથે સ્પર્ધા કરવા માટે હશે.
પરિવહન પ્રધાને કહ્યું હતું કે હાલ એસટીનો દૈનિક ખર્ચ ૩૪થી ૩૫ કરોડ રૂપિયા છે, તેની સામે આવક ૩૩ કરોડ રૂપિયા છે. એટલે કે રોજની એકથી સવા કરોડની તૂટ છે. ખર્ચ અને આવકમાં સમતોલ જાળવવું આવશ્યક છે. તેથી નવી બસ ખરીદવાથી આવકમાં ચોક્કસ વધારો થશે અને એસટી આર્થિક દૃષ્ટિએ વધુ મજબુત બનશે.