Tue Jun 30 2026

Logo

અનુસૂચિત જાતીના પેટા-વર્ગીકરણ બાબતે ચર્ચા-વિચારણા બાદ જ સરકાર નિર્ણય લેશે: ફડણવીસ

2026-06-30 17:47:13
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકારે અનુસૂચિત જાતીના પેટા-વર્ગીકરણ અંગે કોઈપણ નિર્ણય લીધો નથી. રાજ્ય સરકાર આવી કોઈપણ બાબત માટેનો નિર્ણય લાંબી ચર્ચા-વિચારણા બાદ અને સુપ્રીમ કોર્ટના આ સંદર્ભે આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરીને જ લેવામાં આવશે. 

વિધાનસભામાં મંગળવારે તેમણે જણાવ્યું હતું કે આ કવાયતનો હેતુ ફક્ત એટલો જ છે કે વર્તમાન અનામતો હોવા છતાં અનુસૂચિત જાતીની કઈ પેટાજાતિઓ યોગ્ય પ્રતિનિધિત્વથી વંચિત રહી ગઈ છે તે શોધી કાઢવું. 
તેમણે ભારપુર્વક કહ્યું હતું કે આ મુદ્દો અનુસૂચિત જાતીના ક્વોટામાં કોઈ નવું આરક્ષણ લાગુ કરવા માટેનો નથી, પરંતુ વિવિધ સમાજોના પ્રતિનિધિત્વ વિશે જાણકારી મેળવવાનું છે. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતીના પેટા-વર્ગીકરણ અંગે આપેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. 

તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બદર સમિતિ ગઠિત કરપવામાં આવી છે અને તેમણે પોતાનો અહેવાલ રજૂ કરી દીધો છે. આ અહેવાલને રાજ્યની કેબિનેટ સમક્ષ મુકવામાં આવ્યો છે જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે બધા જ પક્ષકારો પાસેથી વાંધા-વિરોધ અને સૂચનો મગાવવામાં આવશે. કેમ કે આ બાબત સમાજના મોટા વર્ગને અસર કરે છે, એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 

ફડણવીસે કહ્યું હતું કે મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ એક સમિતિ ગઠિત કરવામાં આવી છે જે વાંધા-વિરોધ અને સૂચનો સ્વીકારશે અને સુનાવણી હાથ ધરીને પોતાની ભલામણો રજૂ કરશે.