મુંબઈ: મહારાષ્ટ્રના વન વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં 3.5 લાખ જેટલા વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા હોવાનું વન પ્રધાન ગણેશ નાઈકે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું. પ્રધાને નિલેશ રાણે (શિવસેના) અને અન્ય લોકોના પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા વૃક્ષોમાં 1.24 લાખ સાગના વૃક્ષોનો સમાવેશ થાય છે, જેના કારણે રાજ્યના ખજાનાને 30 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે એમ પ્રધાને જણાવ્યું હતું.
સંજય મેશ્રામ (કોંગ્રેસ) અને અન્ય લોકોના અન્ય એક પ્રશ્નના લેખિત જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે આ વર્ષે એપ્રિલમાં રાજ્યના વિવિધ ભાગોમાં વાઘ, દીપડો અને હાથી સહિતના જંગલી પ્રાણીઓના હુમલામાં સાત લોકોના મોત થયા હતા.
આ હુમલા નાગપુર, સાંગલી, ગઢચિરોલી, અમરાવતી, મુંબઈ, પુણે, અહિલ્યાનગર, નાસિક અને ચંદ્રપુર જિલ્લામાં થયા હતા.