Wed Jun 24 2026

Logo

વાવણીની ઉતાવળ ન કરતા: ખેડૂતોને મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનની મહત્વની સલાહ

2026-06-24 17:31:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ખેડૂતોને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ હોવા છતાં વાવણીમાં ઉતાવળ ન કરવાની સલાહ આપી જણાવ્યું હતું કે જમીનમાં પૂરતો ભેજ અને વરસાદ સરખો પડવા લાગે એવી સ્થિતિની રાહ જોવી જોઈએ, એમ મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણેએ જણાવ્યું હતું.

સરકારે વીમા, આબોહવા અનુસાર કૃષિ અને માળખાગત રોકાણો દ્વારા ખેડૂતોને ટેકો આપવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે એમ વિધાનસભામાં ચર્ચાના જવાબમાં સ્પષ્ટ કરી ભરણેએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસુ બેઠું છે અને રાજ્યભરમાં વ્યાપક વરસાદની આશા છે. ખેડૂતોએ વાવણીમાં ઉતાવળ ન કરવી જોઈએ. પહેલા ખેતરની જમીનની ચકાસણી કર્યા પછી જ વાવણી કરવી જોઈએ. આગામી ત્રણથી ચાર દિવસમાં સારા વરસાદની અપેક્ષા છે.'

પ્રધાને અધિક જાણકારી આપતા જણાવ્યું હતું કે કૃષિ વિભાગ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ભારતીય હવામાન વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સાથે કામ કરી રહ્યું છે જેથી ખેડૂતોને હવામાનની અનિશ્ચિતતાઓનો સામનો કરવામાં મદદ મળી શકે. 

સરકાર આબોહવા અનુસાર પાકની જાતો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપી પાણી વ્યવસ્થાપન અને પાક આયોજન અંગે સલાહ આપી રહી છે. રાજ્ય સરકારે ગયા વર્ષે અતિવૃષ્ટિથી પ્રભાવિત ખેડૂતોને લગભગ 20 હજાર કરોડ રૂપિયાની રાહત આપી હતી. સહાય સર્વ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.

પાક વીમા અંગે તેમણે જણાવ્યું હતું કે 1 હજાર 523 કરોડ રૂપિયાનું વળતર અસરગ્રસ્ત ખેડૂતોને વહેંચવામાં આવ્યું છે. બાકીના 59 કરોડ રૂપિયાનું વિતરણ પ્રક્રિયા હેઠળ છે. પાકને નુકસાન થયું હોય એવા કોઈ પણ ખેડૂતને વીમા લાભથી વંચિત રાખવામાં આવશે નહીં.