વિઠ્ઠલ વઘાસિયા
માનવજીવન એ સતત શીખવાની અને ઘડતરની પ્રક્રિયા છે. દિન પ્રતિદિન આવતી મુશ્કેલી, પડકારો અને સંઘર્ષ વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેણે જીવનમાં ક્યારેય સંઘર્ષ કે મથામણ કરી નથી, તે ઘણીવાર પુખ્ત વયે પણ નબળું અને અપરિપક્વ વ્યક્તિત્વ ધરાવતો જોવા મળે છે. સંઘર્ષ એ જીવનનું એવું શિક્ષણ છે જે કોઈ શાળા કે વિશ્વવિદ્યાલય આપી શકતું નથી.
સંઘર્ષનો અર્થ માત્ર આર્થિક મુશ્કેલીઓ કે શારીરિક પરિશ્રમ નથી. જીવનમાં પોતાના લક્ષ્ય માટે સતત પ્રયત્ન કરવો, નિષ્ફળતાનો સામનો કરવો, પડકાર સામે ટકી રહેવું અને પરિસ્થિતિને અનુકૂળ બનાવવી... જે વ્યક્તિ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે તે જીવનના અનેક પાઠ શીખે છે. તેના વિચારોમાં પરિપક્વતા આવે છે અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે.
જેમને બાળપણથી જ દરેક વસ્તુ સહેલાઈથી મળી જાય છે, જેમને ક્યારેય અભાવ, મુશ્કેલી કે નિષ્ફળતાનો અનુભવ થતો નથી તે ઘણીવાર જીવનની વાસ્તવિકતાથી અજાણ રહે છે. કોઈ અચાનક પડકાર આવે ત્યારે તે ગભરાઈ જાય છે...
પ્રકૃતિ પણ આપણને આ જ પાઠ શીખવે છે. બીજ જમીનમાં દટાઈ અંધકાર અને દબાણ સહન કરે છે, ત્યાર પછી જ તે એક વૃક્ષનું રૂપ ધારણ કરે છે. વિશાળ વૃક્ષ બન્યા પછી પણ ઝંઝાવાતો તો ઝીલવાની જ છે! સોનાને અગ્નિમાં તપાવ્યા પછી જ તેની ચમક વધે છે. એવું જ કંઈક મનુષ્યનું છે.
એક વાર્તા સૌ કોઈએ કદાચ સાંભળી હશે: એક ખેડૂત દાદા ખેતી માટે ખેતર તૈયાર કરે ત્યારે આખેઆખું ખેતર ખેડી કાઢવાને બદલે વચ્ચે થોડા સાગના ઝાડ રહેવા દેતા. એ ઝાડની પરવરીશ તે કુદરત પર છોડી દેતા. બાકીના આખાય ખેતરના પાકનું લાલનપાલન જાતે કરતા, પણ એ ઝાડ તરફ બિલકુલ ધ્યાન આપતા નહીં.
ટાઢ, તડકો, વરસાદમાં ઝાડનું જે થવાનું હોય તે થાય એવું માનતા અને જ્યારે ગાડાંનું પૈડું બનાવવા માટે લાકડાની જરૂર પડે ત્યારે એ જ ઝાડનું લાકડું વાપરતા.તે કહેતા, ‘આ સૌથી મજબૂત લાકડું છે, કારણ કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમામ કુદરતી આપત્તિઓ સામે ટકી રહેવા માટે એણે કરેલી મથામણને લીધે જ એ મજબૂત બન્યું છે. ભારેમાં ભારે બોજ સહન કરવાની એનામાં કુદરતી તાકાત આવી ગઈ છે.’
ઇતિહાસના મહાન પુરુષોના જીવન પર નજર કરીએ તો જણાય છે કે તેમની સફળતા પાછળ કઠોર સંઘર્ષ રહેલો છે. મહાત્મા ગાંધી, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ જેવી મહાન વ્યક્તિએ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જો તેઓ સંઘર્ષથી ભાગ્યા હોત તો કદાચ તે બધા વિશ્વને પ્રેરણા આપી શક્યા ન હોત.
સંઘર્ષ વ્યક્તિને નમ્રતા પણ શીખવે છે. જેને જીવનમાં મુશ્કેલીઓનો અનુભવ થયો હોય તે બીજાના દુ:ખને સરળતાથી સમજી શકે છે. બીજી તરફ, જે વ્યક્તિએ ક્યારેય સંઘર્ષ કર્યો નથી તે ઘણીવાર બીજાની સમસ્યાઓને સમજી શકતી નથી. તેના વિચારોમાં ઊંડાણનો અભાવ પણ જોવા મળે છે.
આધુનિક યુગમાં માતા-પિતા ઘણીવાર સંતાનોને દરેક પ્રકારની મુશ્કેલીઓથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે. તે સંતાનોની દરેક ઇચ્છા તરત પૂરી કરી દે છે. પરિણામે બાળકોમાં સંઘર્ષ કરવાની ક્ષમતા વિકસતી નથી. જ્યારે તે જીવનના વાસ્તવિક ક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે નાના-નાના પડકારો પણ તેમને અઘરા લાગે છે. આથી સંતાનોને પ્રેમ આપવાની સાથે જીવનના પડકારોનો સામનો કરવાની તક પણ આપવી જરૂરી છે.
મુશ્કેલી આવે છે ત્યારે વ્યક્તિ નવા રસ્તા શોધે છે, નવી રીતો અજમાવે છે અને પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખે છે. આ પ્રક્રિયા તેને વધુ સક્ષમ અને આત્મનિર્ભર બનાવે છે.
નિષ્કર્ષ રૂપે કહી શકાય કે જીવનમાં આવતી મુશ્કેલીઓને શાપ નહીં, પરંતુ વિકાસની તક તરીકે જોવી જોઈએ. સંઘર્ષ જ મનુષ્યને સામાન્યમાંથી અસાધારણ બનાવે છે.