Tue Jun 30 2026

Logo

મઢ-વર્સોવા બ્રિજ માટે પર્યાવરણીય મંજૂરીની પ્રક્રિયા શરૂ

2026-06-30 08:39:00
Author: Sapna Desai
Article Image

 મઢ-વર્સોવા વચ્ચેની મુસાફરીનો સમય ૯૦ મિનિટથી ઘટીને ૧૦ મિનિટ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈ મહાનગરપાલિકાએ તેના પ્રસ્તાવિત મઢ-વર્સોવા બ્રિજ માટે આવશ્યક પર્યાવરણીય મંજૂરીઓ મેળવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રકિયાના ભાગ રૂપે પાલિકા  આ  પ્રોજેક્ટ માટે ફરજિયાત રીતે પર્યાવરણીય અને મેન્ગ્રોવ-સંબંધિત મંજૂરી ચાર્જ પેટે ચીફ ક્ધઝરવેટર ઓફ ફોરેસ્ટ  (મેન્ગ્રોવ સેલ) પાસે ૧૨.૫ કરોડ રૂપિયા જમા કરાવશે. એકવાર આ બ્રિજ બની જશે  તો મઢ અને વર્સોવા વચ્ચેનું  મુસાફરીનો સમય ૯૦ મિનિટથી ઘટીને માત્ર ૧૦ મિનિટનો થઈ જશે. તો ૨૦ કિમીનું અંતર ઘટીને  માત્ર ૨.૬ કિમી થઈ જશે. 

હાલમાં મઢ અને વર્સોવા ફક્ત ફેરી સર્વિસ દ્વારા જોડાયેલા છે, જે મોડી સાંજ બાદ બંધ કરી દેવામાં આવે છે અને ચોમાસા દરમિયાન વારંવાર ખોરવાઈ જાય છે, જેના કારણે રહેવાસીઓ  માટે ઘરે પહોંચવું મુશ્કેલ બની જાય છે. આ  પ્રસ્તાવિત મઢ-વર્સોવા પુલ  વર્સોવા ક્રીક પર બનશે અને તે માટે  કેબલ-સ્ટેડ માળખું હશે અને  ચોવીસ કલાક ઍક્સેસ પ્રદાન કરશે. આ બ્રિજ મઢ જેટી રોડથી શરૂ થઈને વર્સોવામાં ફિશરીઝ યુનિવર્સિટી રોડ નજીક પૂરો થશે. આ પુલ મઢ, માર્વે, મલાડ અને કાંદિવલીના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે તેવી અપેક્ષા છે. તે મુંબઈ કોસ્ટલ રોડના બીજા તબક્કા સાથે પણ જોડાશે, જે દહિસર અને ભાયંદર તરફ સીમલેસ ઍક્સેસ પ્રદાન કરશે.

પ્રસ્તાવિત પુલને મેન્ગ્રોવ ડાયવર્ઝન માટે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. બાંધકામ શરૂ કરતા પહેલા પાલિકાએ હવે મંજૂરી સાથે જોડાયેલી બધી શરતોનું પાલન કરવું જરૂરી છે. પાલિકા અંતિમ મંજૂરી માટે બોમ્બે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી કરી રહી છે. પર્યાવરણીય મંજૂરીની શરતોના ભાગ રૂપે, મેન્ગ્રોવ સેલ દ્વારા પાલિકાને મેન્ગ્રોવ પુન:સ્થાપન યોજના તૈયાર કરવા અને અમલમાં મૂકવા અને તેના અમલીકરણ માટે રૂ. ૧૨.૫૦ કરોડ જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે કાયદાકીય શરતોને પૂર્ણ કરવા અને પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે કોર્ટની પરવાનગી મેળવવા માટે ચુકવણી આવશ્યક છે. પ્રોજેક્ટની કુલ લંબાઈ ૨,૦૬૪ મીટર હોવાનું પ્રસ્તાવિત છે, જેમાંથી ૬૦૦ મીટર કેબલ-સ્ટેડ ભાગનો સમાવેશ થાય છે. મુખ્ય સ્પાન ૩૦૦ મીટરનો હશે, જેમાં બંને બાજુ ૧૫૦ મીટરનો બેક સ્પાન હશે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર માર્ચ ૨૦૨૩માં મંગાવવામાં આવ્યું હતું, જ્યારે વર્ક ઓર્ડર સપ્ટેમ્બર ૨૦૨૫માં બહાર પાડવામાં આવ્યો હતો. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે  ૨,૩૯૫ કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ માર્ચ ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

મૂળ ૧૯૬૭ના ડેવલપમેન્ટ પ્લાનમાં પ્રસ્તાવિત મઢ-વર્સોવા બ્રિજ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) માં મેન્ગ્રોવથી ઢંકાયેલા વિસ્તારોમાંથી પસાર થાય છે. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ શરૂઆતમાં પાલિકાને  પર્યાવરણીય અસર ઘટાડવા માટે વૈકલ્પિક પર્યાય શોધવાની સલાહ આપી હતી. ડિઝાઇનમાં સુધારો કર્યા પછી પાલિકાએ ફેબ્રુઆરી ૨૦૨૩માં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરી મેળવી હતી.