સંકલન: સ્મૃતિ શાહ મહેતા
આમ તો ઋતુચક્રના ફેરફાર સાથે જાતભાતની બીમારી પ્રગટે...
એમાંય આ વર્ષે તો ઉનાળાએ આખા દેશને તાપના એવા ભરડામાં લીધો છે કે મોટા ભાગનાં શહેરોનું તાપમાન 40થી 44 ડિગ્રી સુધી પહોંચીને બધાને ત્રાહિમામ પોકરાવી દીધાં છે. આવા તીવ્ર તડકા-તાપની સામાન્ય આડ અસર છે ઝાડા ઊલટી... ઊલટીનાં બીજાં અનેક કારણ હોઈ શકે માટે અહીં આપણે પહેલાં ઝાડાની વાત કરીએ..
દિવસમાં ત્રણથી વધુવાર ઢીલો પાણીવાળો મળ થવો તેને ઝાડા કહેવાય છે.
ઝાડાનાં લક્ષણ
* પાતળો, ફીણવાળો, ગંધાતો અને અપરિપકવ મળ થાય.
* શરીરમાં પાણીની ખેંચ અનુભવાય.
* મરડામાં મળ અપકવ રહેતો હોવાથી આમ યુક્ત ચીકણો મળ આવે.
* ખાવા-પીવાની ઈચ્છા ન થવી અને ખાટા-તીખા ઓડકાર આવવા.
* જીભ સૂકાઈ જવી અને તેની ઉપર ધોળી છારી વળી જવી.
* પેટમાં દુ:ખાવો થવો અને કોઈકવાર ચૂંક આવવી.
* ચક્કર આવવા, હાથ-પગમાં ખાલી ચડવી અને પગમાં કળતર થવી.
* કોઈકવાર તાવ આવવો અને ઊલટી થવી.
આના કારણ
*સખ્ત તાપ -લૂ લાગવાથી.
*રોગપ્રતિકારક શક્તિ, પાચનતંત્ર અને આંતરડાં કમજોર હોવાથી આવા લોકોને આહાર-વિહારમાં થોડો પણ ફેરફાર થતાં અપચો થાય છે અને તે કારણથી ઝાડા થતા હોય છે.
*વધુ જમવું તેમજ વધુ મસાલેદાર, તળેલી અને બજારું વાનગીઓ જમવાથી.
*અમુક એલર્જીવાળા ખાદ્ય પદાર્થો જમવાથી.
*બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનથી.
*વાતાવરણ કે સ્થાન ફેર થતા ત્યાંનો આહાર પ્રતિકૂળ થવાથી.
સાવધાની
* ઝાડાના દર્દીઓએ હંમેશાં હૂંફાળું પાણી પીવું.
* ઘણા લોકો ઝાડા થાય તો તરત જ દવાઓ દ્વારા તેને બંધ કરી દેવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તે રીત બરાબર નથી, કેમ કે ઝાડા દ્વારા શરીરમાં રહેલો કચરો અને ઝેરી તત્ત્વો બહાર નીકળતા હોય છે અને તે સમયે બહાર ન નીકળેલ કચરો પછીથી શરીરમાં ગમે ત્યારે રોગ ઉત્પન્ન કરી શકે છે. માટે શરીરને તેની શુદ્ધિની પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરવો અર્થાત તરત જ દવાઓ લેવી નહીં.
* ઝાડાનો ઉત્તમ ઉપાય લંઘન (ઉપવાસ) છે. માટે ઝાડામાં લોહી ન પડતું હોય તો અન્ય દવાઓ કરવા કરતાં સાદા કે લીંબુ-સાકરવાળા પાણી સાથેનો ઉપવાસ અચૂક કરવો.
* જો લાંબા સમય સુધી ઝાડાની મુશ્કેલી રહે તો ચિકિત્સકની સલાહ મુજબ યોગ્ય સારવાર લેવી.
ઝાડા-મરડો મટાડવાના ઉપચાર
*1 કપ પાણીમાં 2 ચમચી આદુંનો રસ નાખીને દર એક કલાકે પીવું. આમ ત્રણવાર કરવાથી ઝાડા બંધ થાય છે.
*સૂંઠ, મરી અને પીપરને સરખા ભાગે મેળવીને તેનું ચૂર્ણ 1ચમચી પાણી સાથે અથવા મધ સાથે દર 2 કલાકના અંતરે, સરેરાશ બેથી ત્રણવાર લેવાથી ઝાડા બંધ થાય છે.
*ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.
*આદુંનો રસ ડૂંટીએ ચોપડવાથી ઝાડા મટે છે.
*ધાણાજીરું તથા મરીનું ચૂર્ણ છાશમાં લેવાથી મરડો મટે છે.
*સૂંઠનું ચૂર્ણ અને જીરું છાશમાં મેળવીને બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
*થોડા તલ અને સાકર વાટી, મધમાં ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
*સહેજ ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો બંધ થાય છે.
*જાયફળ પાણીમાં ઘસીને, અડધી ચમચી જેટલું સવાર-સાંજ ચાટવાથી ઝાડા બંધ થાય છે.
*ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડામાં રાહત થાય છે.
*કાચું પપૈયું પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા મટે છે.