Sun Jul 26 2026

Logo

ફોકસઃ જીવતી મા

2026-07-09 10:14:00
Author: Zubaida Valiyani
Article Image

ઝુબૈદા વલિયાણી

એક વખત હું મારા પતિ સાથે બજારમાં જઈ  રહી હતી ત્યારે માર્ગમાં આવતી મીઠાઈની દુકાન પાસે તેમના જૂના મિત્ર કે જેમની સાથે અમારો ઘર જેવો સંબંધ હતો તે મળી ગયા.

- બોલ્યા, ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું!’
- અમારા બંનેના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલાં તો અમે એમની માને શાક માર્કેટમાં મળ્યા હતા.
અમે કાઈ બોલીએ તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં.

- તેમને જોઈને મારા પતિએ પૂછ્યું.
- ‘ભલા માણસ, આવી શી મજાક માંડી છે...! માજી તો આ રહ્યાં તારી બાજુમાં...!’
- મિત્રે માતાના   ખભા પર હાથ મૂક્યો અને હસીને કહ્યું.

- ‘ભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય, કાગડાને વાસમાં લાડુ મૂકવાને બદલે હું માના ભાણામાં લાડુ મૂકી એમને જીવતા જીવત જ તૃપ્ત કરવા માગું છું, અને આમા મારી પત્ની-અર્ધાગિનીનું પ્રોત્સાહન સમજ પણ કામમાં લાગે છે, મને મારા વિચારોમાં મક્કમ બનાવે છે.

‘હું માનું છું કે જીવતાં જીવત મા-બાપને સર્વ વાતે સુખી કરો એ સાચું શ્રાદ્ધ ગણાય.’
એમણે આગળ કહ્યું : ‘માને ડાયાબિટીશ છે, પણ એમને પિત્ઝા, ખાજલી, સફેદ જાંબુ, કેરી, તરબૂચ વગેરે બહુ ભાવે છે. તે બધું જ એમને ખવડાવું છું.

- શ્રદ્ધાળુઓ મંદિરે જઈ અગરબત્તી સળગાવે છે.
- હું મંદિરે ખાસ જતો નથી, પણ માના સૂવાના ઓરડામાં કાચબાછાપ અગરબતી સળગાવી આપું છું.
- ‘મિત્ર મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મૂર્તિ સાફ કરવા કરતાં ઘરડી માનાં ચશ્માં સાફ કરવાથી પુણ્ય મળે છે.’

-મિત્રની વાતમાં વજૂદ છે, સચ્ચાઈ છે.
- આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ.
- જ્ઞાતિને લાડુ-દૂધપાકનું જમણ જમાડીએ છીએ.
- એવો જ રિવાજ લગભગ દરેક કોમ-જ્ઞાતિમાં છે.

-રિવાજ ખાતર ભલે તેમ કરવું પડતું હોય, પણ  ગાય - કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી.
- માવતરને જીવતાંજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ છે.

- દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય પણ ઘડપણની લાચારી પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી.
- આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે.
-એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને  ટીકા કરતાં ટેકાની વધુ જરૂર પડે છે.

- આજના તણાવયુુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહનાં ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે.
- તેઓ ઇચ્છવા છતાં મા-બાપની પૂરી કાળજી લઈ શકતા નથી.
- માતૃપ્રેમ વિશે લોક કવિઓએ ઘણું લખ્યું હોઈ, તે વિશે પ્રસ્તુત લેખના આવતા અંકના બીજા અને છેલ્લા ભાગમાં રોશની નાખીશું અને બોધ ગ્રહણ કરીશું.

મલકાટ...
- આજે મેં સુનીલને જમવા બોલાવ્યો છે, પતિએ કહ્યું.
- એ ઠીક ન કર્યું.
- બેબી બીમાર છે, નોકર નાસી ગયો છે, બાબો ઉધરસથી પીડાય છે અને ઘરમાં ઘી પણ નથી...! પત્નીએ જવાબ આપ્યો. ‘એટલે જ એને નોતરું દઈ આવ્યો છું.’