Wed Sep 02 2026

Logo

ગિરનાર સીડી પર બાળકના મોતની ઘટના બની હતી તે જગ્યા નજીક ફરી દેખાયા સિંહો

2026-07-30 21:37:54
Author: Devayat Khatana
ગિરનાર સીડી પર બાળકના મોતની ઘટના બની હતી તે જગ્યા નજીક ફરી દેખાયા સિંહો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: થોડા દિવસ પહેલા ગિરનાર પર્વત પર સિંહે એક બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેની સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી હતી. ત્યારબાદ ગિરનાર પર આવતા જતાં પ્રવાસીઓની સુરક્ષા માટેના નિયમો બદલાયા હતા. જો કે જે જગ્યાએ સિંહે બાળક પર હુમલો કર્યો હતો તે જગ્યા પર સિંહો જોવા મળ્યા હતા. ગિરનારની સીડીઓ પર સિંહો લટાર મારતા દેખાતા વન વિભાગે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગિરનારની સીડી પર ખેડા જિલ્લામાંથી ગિરનાર ચઢવા આવેલા એક પરિવારના 11 વર્ષનાં બાળકને ત્રણ સિંહોના ટોળાએ સીડી પરથી ખેંચી જઈને ફાડી ખાધો હતો. આ કાળજું કંપાવતા બનાવથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ વન અને પર્યાવરણ પ્રધાન દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં યાત્રાળુઓની સુરક્ષા અને સિંહોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકારે સખી દાતાર પર્વતની સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેકરો તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઉભી કરવાની તેમજ જરૂર જણાય ત્યાં ટ્રેકરોની સંખ્યામાં વધુ વધારો પણ કરવાની જાહેરાત કરી હતી.