Mon Jul 06 2026

Logo

ભાવનગરમાં સિંહણે યુવકને ખેંચી લીધો અને.........

2026-07-06 12:33:00
Author: Mayur Patel
Article Image

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં થોડા દિવસોથી સાવજના માનવી પર હુમલાના કિસ્સા સતત વધી રહ્યા છે. આ દરમિયાન ભાવનગરમાં સિંહણે યુવકને ખેંચી લાધો હતો. જોકે સદનસીબે યુવકનો જીવ બચી ગયો હતો.

શું છે મામલો

ભાવનગરન પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે સવારે એક સિંહણે માલધારી પર હુમલો કરીને દબોચી લીધો હતો. જોકે માલધારી હિંમત હાર્યો નહોતો અને જીવ બચાવવા સિંહને હાથ ફેરવતો હતો. સિંહણે પગને આંટી મારી ડણક મારી હતી. આ સમયે આસપાસ ઉભેલા લોકો તેને બચાવવા બૂમો પાડતા હતા તેમજ પથ્થરના ઘા માર્યા હતા.

સિંહના પંજાના કારણે માલધારીને શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગરાજીયા ગામે રહેતા માલધારી કાળુભાઈ ગમારા તેમના ઘરે હતા ત્યારે અચાનક સિંહણ આવી ચડી હતી અને હુમલો કર્યો હતો. જેમાં તેઓ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં ગામલોકો દોડી આવ્યા હતા અને સિંહણના પંજામાં યેનકેન પ્રકારે માલધારીને બચાવી સારવાર માટે મોકલ્યો હતો.

 

સૂત્રોએ જણાવ્યું કે, વારંવાર રજૂઆતો છતાં વનવિભાગ ધ્યાન આપતું નથી. આ ઘટનાની જાણ કરવા છતાં ટીમ દોઢ કલાકે મોડી પહોંચી હતી. ગ્રામજનોએ સિંહોને તાત્કાલિક તેમના મૂળ જંગલ વિસ્તારમાં ખસેડવા માંગ કરી હતી. હુમલા બાદ વનવિભાગની ટીમ હરકતમાં આવી છે અને સિંહને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગરજીયા અને આસપાસના માલધારી વિસ્તારોમાં ભારે દહેશત અને ચિંતાનો માહોલ છે.

જાણકારો શું કહે છે

જાણકારોના મતે સામાન્ય રીતે સિંહ માણસો પર હુમલો કરતો નથી. ગીરના માલધારી અને સિંહોનું સહઅસ્તિત્વ જાણીતું છે.સિંહ ડણક કરીને આગળ વધે છે. વન્ય પ્રાણીની વસ્તી વધે તો તે જંગલ બહાર જવાની જ. જંગલમાં પ્રાણીઓ વચ્ચે પણ વર્ચસ્વને લઈને સ્પર્ધા હોય છે.સિંહો માનવો સાથે રહેવા ટેવાયેલા છે. પણ તેની કોઈ પજવણી કરે અથવા તો તે બીમાર હોય તો હુમલો કરે છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિને અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ખાતે સિંહે એક પરપ્રાંતીયને ફાડી ખાધો હતો. શિકાર બાદ માત્ર તેના થોડા ડ અવશેષો બચ્યા હતા. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.