ડૉ. હર્ષા છાડવા
વિશ્વમાં હાલમાં કેન્સરના રોગીઓનો આંકડો વધતો જાય છે. કેન્સરના નામથી લોકો ડરે છે. પણ ડરવાની જરૂર એને છે જે અપ્રાકૃતિક ખોરાક, જંકફૂડ, કેમિકલયુક્ત આહાર, શરીરમાં ન્યુટીશન ન આપતી વસ્તુઓનું સેવન વધારે છે તેને જરૂરથી ડરવાની જરૂર છે. જીવનશૈલીનો સીધો સંબંધ કેન્સરના રોગ સાથે છે. કેન્સરના કોષો ગ્લુકોઝ (સુગર) પર આધાર છે. બ્લ્ડ સુગરને નિયંત્રિત કરવાથી કેન્સરનું જોખમ રહેતું નથી.
કેન્સરના સેલને નબળા પાડવા માટે આહારમાંથી ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવું જરૂરી છે અથવા એવો આહાર લ્યો જેનાથી ન્યુટીશન મળે પણ તેનાથી ગ્લુકોઝ ન બને (સાચો ગ્લુકોઝ બનવો જોઈએ.) કારણ શરીરને ઊર્જા માટે ગ્લુકોઝની જરૂર હોય છે. કેન્સર સેલને ગ્લુકોઝ ન મળતાં તે નબળા થઈ જાય છે અને આગળ તેની ગ્રોથ થતી નથી.
આહાર પ્રાકૃતિક હોય અને તેમાંથી બનતો ગ્લુકોઝ શરીરમાં પોષક તત્ત્વો બનાવવા માટે ઊર્જા આપે છે. કહેવાનું એ છે કે અપ્રાકૃતિક ખોરાક જેવો કે બેકરીની બધી જ ખાદ્ય-વસ્તુઓમાં પ્રિઝર્વેટીવ વપરાય છે તેમાં વપરાતો લોટ ન્યુટ્રીશન પાવર વગરનો છે. સફેદ ખાંડ તેમ જ રીફાઈન્ડ તેલ કે નકલી ઘી (માર્ગરીન) જેવી વસ્તુઓના વપરાશને કારણે સુગર સ્પાઈક થાય છે એટલે ખરાબ ગ્લુકોઝ બને છે જે સેલમાંના માઈક્રોક્રોન્ડ્રિયાને જકડી રાખે છે. જેથી સેલમાંથી ઊર્જા બહાર આવતી નથી તેનો ઉપયોગ થતો નથી. સેલમાં સુગર ભરાઈ રહે છે. પરિણામે રોગમાં પરિવર્તિત થાય છે.
આઈસક્રીમ ફ્રોઝનડેઝર્ટ, કેક, અન્ય ડેર્ઝટ તરીકે ખવાતી મીઠાઈઓ કે રીફાઈન્ડ સુગર (સફેદ સાકર)થી બનતી મીઠાઈઓના કારણે સેલમાં સુગર ભરાય જાય છે. ચરબીનું પ્રમાણ વધતું જાય છે કોલેસ્ટ્રોલ પર અસર થાય, ટ્રાયગ્લીસરાઈડ થાય છે એટલે પ્રમાણ અધિક વધી જાય છે કે (સેલ ફૂલી લોડેડ વીથ સુગર) જેના કારણે એસીડીટીનું પ્રમાણ વધી જાય પાચન થવું મુશ્કેલ બને છે. ગેસની સમસ્યા સર્જાય છે પરિણામે આંતરડામાં ગેસ ભરાઈ જતાં આંતરડાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
રીફાઈન્ડ તેલથી બનેલા ફરસાણ તેમ જ ધાબા કે હોટેલ, રેસ્ટોરેન્ટ ફરસાણની દુકાનમાં બનતા ખાદ્ય-પદાર્થ પણ રીફાઈન્ડ તેલથી જ બને છે, જે આજની મોટી સમસ્યા છે. સ્વાદના કારણે લોકો પોતાના આરોગ્યને જોખમમાં નાખે છે. રીફાઈન્ડ તેલ, વપરાતી સોડા, રીફાઈન્ડ નમક, આજીનોમોટોના કારણે હોટેલો, રેસ્ટોરેન્ટ, ધાબાના ખાદ્ય-પદાર્થ ખાવાથી ગેસ અને એસીડીટી સમસ્યાઓ થાય છે. વધુ એસીડીટીના કારણે જ કેન્સરના સેલની વૃદ્ધિ થાય છે.
રીફાઈન્ડ તેલના કારણે પેનક્રિયાઝના સેલ બર્ન (બળતરા) થઈ જાય છે, જેથી તેમાં સુગર જમા થતી નથી તે લોહીમાં ફર્યા કરે છે જેથી લોહી સુગરવાળું બની જાય છે તે જ ડાયાબિટીસ છે. પેનક્રિયાઝમાં બળતરા થતા ત્યાં કેન્સરનું જોખમ વધે છે. બહારના અથાણાં પણ રીફાઈન્ડ તેલમાં બનાવે છે કારણ તેની શેલ્ફલાઈફ વધારવા માટે અને તેમાં પ્રિઝર્વેટીવનું પ્રમાણ પણ વધુ છે. પારંપારિક રીતે બનતા અથાણાં ચોમાસમાં ખવાય. તે શરીરને ફાયદો કરે છે. ગરમીની ઋતુમાં અથાણા ન ખાવા. ગરમીની ઋતુમાં અથાણાં બનાવાય તેનો ઉપયોગ ચોમાસામાં કરાય.
અપ્રાકૃતિક ખાદ્ય-પદાર્થ કોલ્ડ્રીંક, શરબત, સુગરીડ્રીંક સુગરી ફ્રૂટના જ્યૂસ, ડબ્બાપેક જયૂસ તેમ જ અન્ય ખાદ્ય-પદાર્થના કારણે શરીરની માંસપેશીયો નબળી પડી જાય છે. દુખાવા વધી જાય છે કારણ આ ખાદ્યય-પદાર્થમાં સુગરનું પ્રમાણ અધિક હોય છે જેના કારણે પાચન મુશ્કેલ બને છે. આ પદાર્થમાં પ્રિઝર્વેટીવ અને કેમિકલયુક્ત ફલેવર હોય છે જે સેલને નુકસાન પહોંચાડે છે. આ પદાર્થનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી લોકો કોઈપણ સમયે લે છે જેના કારણે પાચનક્રિયા ખોરવાય છે. ગરમીના સમય આ પદાર્થનું સેવન વધી જાય છે.
કેન્ડી, ચોકલેટ, પીપર, મુખવાસ, ચટપટીમસાલા કેન્ડી, જીરાગોળી જેવા ખાદ્ય-પદાર્થ જે બહારના છે તેમાં નમકનું પ્રમાણ અને સાકરનું પ્રમાણ વધુ હોય છે. નમક વધુ સોડિયમયુક્ત હોય છે, જેના કારણે લોહીનું પ્રેશર વધી જાય છે. માથું દુ:ખવું, મોઢું કડવું રહેવું, ખાટા ઓડકાર, ઝાડા થવા વગેરે સમસ્યાઓ રહે છે. ઘરમાં શેકેલા કે બનેલા મુખવાસ વાપરવા. બાહ્ય મુખવાસમાં એસેન્સ અને કલરના કારણે ગળાની મુશ્કેલી વધી જાય છે. અવાજ ઘોઘરો બની જાય છે. વધુ પડતા જેઠીમધ વાપરવાના કારણે દાંતમાંથી લોહી આવે છે. મેન્થોલના કારણે શરીરમાં પાણી ભરાય છે. ધીમે ધીમે લોહી દુષિત થતાં મોટી બીમારીઓની શક્યતા વધી જાય છે.
પનીર, શ્રીખંડ, બહારનું પેકેટવાળુ દહીં અને છાસમાં પ્રિઝર્વેટીવના કારણે લેકટીક એસિડ શરીરમાં વધી જતાં માંસપેશીમાં દુખાવા થાય છે. પાણી જેવા ઝાડા થાય છે. પાચનક્રિયા નબળી પડી જાય છે. ડાયાબિટીસવાળાને સંગ્રહણી (કાયમી ઝાડા થવા)ની સમસ્યા થાય છે. થેલીના દૂધમાં પણ પ્રિઝર્વેટીવ તેમ જ ત્રણથી ચાર દિવસ પછીના દૂધના કારણે સમસ્યા થાય છે.
ઘણીય જાતનાં અખાદ્ય-પદાર્થનું સેવન શરીરમાં ન જોઈતાં પદાર્થ વધારી દે છે સમસ્યાનો અંત થતો નથી. પ્રાકૃતિક ખાદ્ય-પદાર્થ ખાવામાં ઘણાંય વાંધાવચકા લોકો કરે છે. સ્વાદ માટે ખાવું એ જ સ્વાસ્થયની સમસ્યાઓ આપે છે, ગમે તે સમયે ખાવું, જાણકારી વગર ખાવું, વારંવાર ખાવું જેવી આદતોના કારણે જ કેન્સર જેવી ઘાતક બીમારીઓ થાય છે. દવાઓનાં આડેધડ ઉપયોગ પણ તકલીફો આપે છે.
રોજબરોજ પ્રાકૃતિક પદાર્થનો ઉપયોગ કરો પાલક, કાચું પપૈયુ, લીલીપાંદડાવાળી વનસ્પતિના સુપ લો, શાકભાજીનીચટણીઓ, ફણગાવેલા ધાન્ય, સંતરા, પાઈનેપલ તેમ જ અન્ય ફળોનો ઉપયોગથી મોટી સમસ્યાનો ઉકેલ થઈ શકે છે. કોઈપણ દવાઓ કામ આવતી નથી. પ્રાકૃતિક રીતે જ સહજ બીમારી જાય છે. મુંબઈના એક જાણીતા ડૉક્ટર અરવિંદ બાવડેકરને કેન્સર થયો. તેમણે કોઈપણ જાતની દવા વગર, ફકત પ્રાકૃતિક અહારથી જ કેન્સરની બીમારી સાજી કરી તેઓ લગભગ ઓગણીસ વર્ષ વગર બીમારીએ જીવ્યા. તેમણે એક પુસ્તક લખ્યું મરાઠીમાં છે. ‘કેન્સર હા માઝા મિત્ર’ આ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે મને કેન્સર થયા પછી ખબર પડી કે કુદરતનો ખજાનો શું છે? આ પુસ્તક ગુજરાતીમાં પણ અનુવાદ થયું છે ‘કેન્સર એ મારો મિત્ર છે.’