વિઠ્ઠલ વઘાસિયા
વિદ્યાર્થી જીવન આમ તો માનવ જીવનનો એવો સુવર્ણ સમય છે, જ્યાં વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાય છે, મૂલ્યો વિકસે છે અને ભવિષ્યના પાયા રચાય છે. આ ઘડતર માત્ર પુસ્તકીય જ્ઞાનથી પૂરું થતું નથી, પરંતુ જીવન મૂલ્યોના સંસ્કારોથી સમૃદ્ધ બને છે. આવા મૂલ્યોમાં કેરિંગ (સંભાળ અને લાગણી), શેરિંગ (વહેંચણી અને સહભાગિતા) અને ડેરિંગ (સાહસ અને જોખમ લેવાની હિંમત) - આ ત્રણ ગુણ વિદ્યાર્થી જીવનથી લઈને આગળ જતાં પણ માનવીને પૂર્ણતા આપીને એક સફળ વિદ્યાર્થી વત્તા સારો માનવી પણ બનાવે છે.
* કેરિંગ :
લાગણીસભર માનવતા તરફનું પગથિયું
કેરિંગ એટલે કાળજી લેવી, સમજવું, સંવેદનશીલ રહેવું અને અન્ય પ્રત્યે સહાનુભૂતિ ધરાવવી. વિદ્યાર્થી જીવનમાં કેરિંગનો અર્થ માત્ર પોતાની ચિંતા કરવી નહીં, પરંતુ મિત્રો, શિક્ષકો, પરિવાર, સમાજ અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો ભાવ વિકસાવવો એ છે.
વર્ગખંડમાં કોઈ મિત્ર અભ્યાસમાં નબળો હોય, કોઈ આર્થિક રીતે પછાત હોય અથવા માનસિક તણાવમાં હોય, ત્યારે તેને સમજવું અને મદદરૂપ થવું એ સાચું કેરિંગ છે. શિક્ષકો પ્રત્યે આદર, માતા-પિતાની મહેનત પ્રત્યે કૃતજ્ઞતા અને સ્વયંના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આ બધું કેરિંગનાં સ્વરૂપો છે.
કેરિંગ ધરાવતી વ્યક્તિ સ્વાર્થી નથી રહેતી. તે જાણે છે કે સમાજ સાથે જોડાઈને જ જીવન અર્થપૂર્ણ બને છે. આવી વ્યક્તિમાં વિદ્યાર્થી કાળથી નેતૃત્વ, માનવતા અને ભાવનાત્મક બુદ્ધિમત્તા સ્વાભાવિક રીતે વિકસે છે.
* શેરિંગ :
સહકાર અને સહઅસ્તિત્વની કળા
શેરિંગ એટલે માત્ર વસ્તુઓ વહેંચવી નહીં, પરંતુ જ્ઞાન, સમય, લાગણી અને જવાબદારી વહેંચવી. વિદ્યાર્થી જીવનથી લઈને આગળ જતાં શેરિંગનું મહત્ત્વ અત્યંત ઊંડું છે. જે વ્યક્તિ પોતાની વિદ્યાર્થી અવસ્થામાં પોતાની નોંધો મિત્રોને આપે છે, જે ગ્રૂપ અભ્યાસમાં સક્રિય ભાગ લે છે, જે પોતાની સફળતા સાથે નિષ્ફળતાનો અનુભવ પણ અન્ય સાથે વહેંચે છે તે આગળ જતાં સાચો શેરિંગ કરનારી વ્યક્તિ બને છે.
આજના સ્પર્ધાત્મક યુગમાં ઘણીવાર લોકોમાં સ્વકેન્દ્રિતપણું વધી રહ્યું છે. ‘મને શું મળશે?’ એ પ્રશ્ન આગળ આવે છે. પરંતુ શેરિંગ શીખવે છે કે ‘અમે સાથે મળીને શું મેળવી શકીએ?’ આ ભાવના ટીમવર્ક, સહકાર અને સામૂહિક સફળતાનો માર્ગ ખુલ્લો કરે છે.
શેરિંગ કરતા માણસ ઈર્ષ્યા, અહંકાર અને અલગાવથી દૂર રહે છે. તે જાણે છે કે વહેંચવાથી જ સંબંધો મજબૂત બને છે. સમાજમાં પણ આગળ જઈને એ સારા નાગરિક, સંવેદનશીલ નેતા અને જવાબદાર વ્યાવસાયિક બને છે.
* ડેરિંગ :
હિંમત અને આત્મવિશ્વાસ
ડેરિંગ એટલે હિંમત કરવી, જોખમ લેવું અને પડકારોને સ્વીકારવા. જીવનમાં ડેરિંગનો અર્થ માત્ર સાહસિક કાર્યો કરવાં નહીં, પરંતુ પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખવો, નવી વસ્તુઓ અજમાવવી અને નિષ્ફળતાથી ડર્યા વિના આગળ વધવું.
પરીક્ષાનો ભય, મંચ પર બોલવાનો સંકોચ, નવી પ્રવૃત્તિમાં ભાગ લેવાનો સંશય - આ બધું ડેરિંગ દ્વારા જ દૂર થઈ શકે છે. જે પ્રશ્ન પૂછવાની હિંમત કરે છે, નવી વિચારધારા રજૂ કરે છે અને ભૂલ થવા છતાં પ્રયત્ન કરતો રહે છે - તે સાચો ડેરિંગ ધરાવતો માણસ બને છે.
ડેરિંગ કોઈ પણ માણસને સર્જનાત્મક બનાવે છે. તે પરંપરાગત માર્ગોથી આગળ વધીને નવી દિશાઓ શોધે છે. વૈજ્ઞાનિક શોધો, સામાજિક પરિવર્તન અને નેતૃત્વ - બધાના મૂળમાં ડેરિંગ છુપાયેલું છે.
આવા ત્રણેય ગુણનો સમન્વય એટલે સંતુલિત વ્યક્તિત્વની રચના...આમ જોવો તો કેરિંગ, શેરિંગ અને ડેરિંગ- આ ત્રણેય ગુણો અલગ અલગ નથી, પરંતુ એકબીજાના પૂરક છે. કેરિંગ વગરનું ડેરિંગ અહંકાર બની શકે છે, શેરિંગ વગરનું કેરિંગ સીમિત રહી શકે છે અને ડેરિંગ વગરનું કેરિંગ-શેરિંગ અસરકારક બનતું નથી. આ ત્રણેય ગુણો સાથે વિકસે છે, ત્યારે તેનું વ્યક્તિત્વ સંતુલિત, પરિપક્વ અને પ્રભાવશાળી બને છે.
* નિષ્કર્ષ
વિદ્યાર્થી જીવન એ ભવિષ્યનું બીજ છે. આ બીજ જો કેરિંગ, શેરિંગ અને ડેરિંગના પાણીથી સિંચાય, તો તે સફળતા, સુખ અને સંતોષનું વૃક્ષ બને છે. આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે. તેથી શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું નહીં, પરંતુ મૂલ્યોના વિકાસનું સાધન બનવું જોઈએ. કેરિંગથી માનવતા, શેરિંગથી સહકાર અને ડેરિંગથી પ્રગતિ-આ ત્રિવેણી જીવનને અર્થપૂર્ણ બનાવે છે, જેના દ્વારા નાગરિકો -સશક્ત સમાજ અને ઉજ્જવળ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.