- પ્રજ્ઞા વશી
‘ડિયર... નાઉ યોર ટર્ન.’
‘નો બેબી નો. નાઉ યોર ટર્ન.’
‘મને ગુસ્સે ના કર. ક્યારની ઘોડિયાની દોરી ખેંચી ખેંચી થાકી ગઈ છું ને તેં બે કલાકની ઊંઘ પણ ખેંચી નાખી છે. તો હવે કોનો વારો? મારો કે તારો?’
‘રોઝી ડિયર, હું ઑફિસમાં કામ કરું છું. એક તો મેન્ટલ સ્ટ્રેસ એન્ડ યુ નો વેરી વેલ... માથાની કઢી પણ કેટલી... મારામાં દોરી ખેંચવાની હિંમત નથી. મને ઊંઘ આવે છે. તું એક કામ કર. થોડીવાર પેલું શું કહેવાય? પેલું બેબીને સુવડાવતી વખતે હિન્દી ફિલ્મોમાં... યુ નો, મધર સરસ સ્વીટ વોઇસમાં ગાય છે. એવું કંઈ ગાશે તો બેબી સૂઈ જશે.’
‘ડાર્લિંગ, ગાઈ ગાઈને હું ઊંઘી જઈશ પણ બેબી નહીં ઊંઘે, કારણ કે તારી મોમ કહેતી હતી કે બેબી બપોરે બહુ રડે છે. મને જરા પણ ઊંઘવા દેતી નથી. એટલે એને ઊંઘવાની ગોટી ઘસી ઘસીને પીવડાવું છું. તેથી હવે મને નિરાંતે ઊંઘવા મળે છે. તું ટ્રાય કરીને તો જો. તને ખબર છે ને કે જોબ હું પણ કરુંં છું. તું એકલો જોબ નથી કરતો. ઊંઘ મને પણ આવે અને થાક પણ લાગે છે. સમજ્યો? પણ એકવાર તે કીધું તેમ હાલરડું ગાઈ જોઉં. પણ ડાર્લિંગ, યાદ કરાવને.’
‘તારી મમ્મીએ તારે માટે ગાયું હોય તે જ ગાઈ લે. ડોન્ટ ડિસ્ટર્બ યાર.’
‘બેબી ડાર્લિંગ, મારી મમ્મી તારી મોમ જેવી આઉટડેટેડ નથી. એ તો મને ઊંઘાડવા માટે પોપ સોંગ ને રેપ સોંગ જ ગાતી હતી. યુ નો...’
‘તો તું પણ એ ગાઈને સુવડાવ. જરા જલદી કર. મને ઊંઘ આવે છે.’
‘આઈ એમ એ ડિસ્કો ડાન્સર... આઈ એમ એ ડિસ્કો ડાન્સર...’
‘ઓહ નો! બંધ કર. સ્ટોપ... સ્ટોપ. આજુબાજુનાં ઘરનાં બધા છોકરા જાગી જવાનાં. આટલા જાડા ને મોટા અવાજે કોઈ મોમ હાલરડું ગાતી હશે?’
‘તો એક કામ કર. તું જ ગાઈ લે. નાઉ યોર ટર્ન. તારો અવાજ તો સ્વીટ જ છે ને...’
અને રોઝીએ મહેસાણાના મેકને ખો આપી દીધી અને ઘોડિયાની દોરી એના હાથમાં વીંટીને દૂર સોફા પર ગઈ ને ઊંઘવાનો ઢોંગ કરવા લાગી.
મહેસાણાની સરકારી શાળામાં ભણીને નસીબજોગે અમેરિકા પહોંચી ગયેલ મેકનો વેરહાઉસમાં (ગોડાઉનમાં- હુરતી ભાષામાં) બોક્સા ઊંચકતા હતા. રમકડાં રમવાની ઉંમરે રખડેલ મકનાને ઠેકાણે પાડવા ઘણા નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ સિંગલ મધર તરીકેની છેલ્લી તજવીજ કરી. પાંચ વીઘાનું ખેતર વેંચી એજન્ટને લાખો રૂપિયા દાબીને મકનાને અમેરિકા જવાની ટિકિટ કપાવી. ત્યાં મકનો રાજુડી સાથે મંદિરમાં ફેરા ફરીને હાજર થયો.
બસ, એ ફેરાનાં કર્મફળ રૂપે મકનો મેક બન્યો અને રાજુડી રોઝી બની ગઈ. પાંચ વર્ષે બેબી રૂપી ફળ પ્રાપ્ત થતાં વહાલી મધર યાદ આવી અને મધર પણ ઉજાગરાનાં ભોગ બન્યાં. હવે ત્રણે પાત્રો આખી રાત પાસાં ઘસતાં ઘસતાં મનમાં ગાતાં રહે છે, ‘જીને કે લિયે સોચા હી ન થા, દર્દ સંભાલને હોંગે...’ સપને તો આખિર સપને હી હોતે હૈં...’ એ ત્રણેને બહુ મોડું સમજાયું.
‘યાર, મને લાગે છે કે આપણે કંઈક ભૂલ કરી લાગે છે.’
‘ડાર્લિંગ, એકાદ ભૂલ નહીં પણ ઘણી બધી કરી છે.’
ત્યાં બેબીએ મોટેથી રડવાની શરૂ કર્યું. ‘નાવ યોર ટર્ન ...’ કહીને ભર ઠંડીમાં ગરમ ધાબળો વીંટીને મેક સીધો ડ્રોઈંગરૂમમાં જઈને સૂઈ ગયો.
ત્યાં તો મકનાની મોમ આવીને બોલી, ‘કેમ બેબી આટલી બધી રડે છે? ને તું કેમ બહાર આવ્યો? થોડી હેલ્પ કરતો હોય તો. વહુ પણ થાકેલી જ હશે ને.’
પછી વધારે પ્રશ્ન પૂછે એ પહેલાં જવાબ આપવા કરતાં મનને બીજે વાળવું સારું, એમ વિચારીને ટીવી ઓન કર્યું તો સામે ભભૂતિ મહારાજ પ્રગટ થયા. એમનાં ચરણોમાં બેઠેલા અગણિત ચેલાઓ અને ભક્તો આંખ બંધ કરીને વંદન મુદ્રામાં બેઠા હતા.
‘તો ભક્તો, તમે નસીબદાર છો કે આજે માત્ર એક કલાક માટે ભભૂતિનંદજી પોતાના ભવનમાંથી બહાર આવ્યા છે. તેઓ તમારા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરશે.’
એક ઊભો થયો અને બોલ્યો, ‘મારાં જીવનમાં માત્ર દુ:ખોની ભરમાર કેમ છે? ભભૂતિવાલે બાબાજી, કોઈ ઉપાય બતાવશો.’
‘બેટા, દુ:ખ કિસકો નહીં? પૈસાદાર, ગરીબ, બિઝનેસમેન, બેકાર, બચ્ચેવાલે ઔર જીસકો સંતાન નહીં, સબ દુ:ખી હૈ. સુખી કૌન હૈ બેટા! સુખ તો એક ભ્રમણા હૈ. સુખ કે પીછે ભાગનેવાલે ભી દુ:ખી હૈ. તો ફિર સુખ કી ખોજ ક્યોં કરની? સુખ દુ:ખ સબ આતે હૈ, જાતે હૈં. જો હોતા હૈ ઉસકો બસ દેખતે જાઓ, સમજતે જાઓ ઔર ભક્તિ કરતે જાઓ. હમારે આશ્રમ મેં આતે રહો. ધીરે ધીરે સબ સમજ મેં આયેગા.’
ત્યાં તો રોઝી રડતી બેબીને લઈને આવી અને તાડૂકી, ‘તું ને તારી મોમ આશ્રમ બનાવો અને સુખ અને દુ:ખની ફિલોસોફીના ક્લાસ શરૂ કરો. ભક્તોનાં દુ:ખ દર્દ દૂર કરો. તમારા આ વારસને પણ છોટે મેક ચેલી બનાવી ભભૂતિ વેરાવજો. નાવ ઇટ્સ માય ટર્ન ટુ સ્લીપ. એન્ડ લીસન, ડોન્ટ ડિસ્ટર્બ મી.’ કહેતી કે રોઝી બેબીને સાસુજીના ખોળામાં મૂકીને જતી રહી અને જતાં જતાં કહી પણ ગઈ, ‘મમ્મી, તમે તો બપોરે ઊંઘ કાઢી છે. તો હવે ઉજાગરો કરી નાખો અને કાલે બપોરે ફરી ઊંઘ કાઢી લેજો. અને હા, હજી પણ બંને જણા ભભૂતિનંદ પાસે શીખવા જેવું શીખી લ્યો. અમેરિકામાં તમારો આવો આશ્રમ બરાબર ચાલશે. હું તો આ ચાલી. નાઉ માય ટર્ન ટુ સ્લીપ.’
ત્યાં સ્વામી બોલ્યા, ‘ભક્તો, સુખ પછી દુ:ખ તો આવશે જ, પણ હિંમત હારવી નહીં. કારણ કે ભગવાન જેવાં ભગવાન પણ સુખ દુ:ખના ક્રમમાંથી બાકાત રહ્યા નથી. તો પછી આપણે તો પામર જીવ!’