Fri May 08 2026

Logo

કથા કોલાજ: પેદાઈશ ને મૌત તો ખુદાના હાથમાં છે

2026-05-07 09:43:00
Author: Kajal oza Vaidya
Article Image

- કાજલ ઓઝા-વૈદ્ય

બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)

નામ: બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)
સમય: 30 ઓક્ટોબર, 1974
સ્થળ: (વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ) અમદાવાદ 
ઉંમર:  60 વર્ષ

મોહરમના દિવસોમાં મારી અમ્મીના ઘરની સામેથી તાજિયા પસાર થતા. જેને વકફ મહેંદી હસન ખાં મસ્જિદ કહેવાય છે એના ચોકમાં થઈને મુશ્તરીબાઈના ઘર સામે થઈને જે તાજિયા પસાર થતા એને મારી અમ્મી જાતે ઉઠાવતી. અમ્મીના ગયા પછી એ તાજિયા ઉઠાવવાની પરંપરા મેં જાળવી રાખી હતી. એક નૌહા પઢતાં હું તાજિયા લઈને પસાર થતી એ જોવા લોકો ઊભા રહેતા.

    આબાદ હુઈ કરબોબલ ઉજડા મદીના
    યા શાહે મદીના! યા શાહે મદીના!

આજે જ્યારે મારો જનાજો ઉઠવાની તૈયારી છે ત્યારે પણ મને એ તાજિયાની સાથે પસાર થતા લોકોના અવાજ સંભળાય છે, યા હૂસૈન, યા હૂસૈન...

એની સાથે ભળી જાય છે અવાજો, ઈન્ના લિલ્લાહિ વા ઈન્ના ઈલૈહી રાજિઉન (આપણે સૌ અલ્લાહના છીએ અને એની તરફ જ પાછા ફરવાનું છે.) દુઆ કરતા લોકો, આંખોમાં આંસુ સાથે મને લઈ જવાના વ્યવહારુ કાગળો તૈયાર કરતા અબ્બાસી સાહેબ અને એમની મદદે લાગેલા અમદાવાદના કદરદાન... આ ઝમીનનું કર્જ હશે મારા પર, તે ઉતારીને આજે આખરી મંઝિલના પ્રવાસે નીકળી ચૂકી છું.

પેદાઈશ અને મૌત તો ખુદાના હાથમાં છે. એની વચ્ચેના સમયમાં આપણે જે કરીએ છીએ એને ‘જિંદગી’ કહેવાય છે. મારા ઈન્તકાલ પછી મને લખનઉ લઈ જવામાં આવી. ત્યાં મારી ફેવરિટ જગ્યા પસંદ બાગમાં મને દફનાવવામાં આવી.

1974માં સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક જે મારા અંગત મિત્ર હતા એ મારી કબર પર આવ્યા. ત્યારે તો કબર કાચી હતી. હજી ચાર જ દિવસ થયા હતા એટલે અબ્બાસી સાહેબ પણ શોકમાં હતા. એમણે યોગેશ પ્રવિણને મદન મોહન સાથે મોકલ્યા. પસંદ બાગમાં કબર પર પહોંચ્યા કે મદન મોહને ફૂલોની બનાવેલી ચાદર મારી કબર પર ચઢાવી. મારા ફેવરિટ કેવડાના અત્તરની એટલી બોટલ ખાલી કરી કે માટી પણ મહેંકી ઉઠી. એ કબરને ભેટીને રડવા લાગ્યા. કેવડાના અત્તરથી કોરી રહી ગયેલી માટી એમના આંસુથી ભીંજાઈ ગઈ. કોઈ મર્દ આટલું રડે એ જોઈને ત્યાં ઊભેલા લોકો પણ ડઘાઈ ગયા. એ પાછા જતાં ટેક્સીમાં રડતા રહ્યા...

મદન મોહન સાથેની મારી દોસ્તી એકદમ જીગરજાન હતી. જ્યારે હું લખનઊ રેડિયો સ્ટેશન પર ગાતી ત્યારે એ ત્યાં કામ કરતા હતા. સંગીત દિગ્દર્શક થઈ ગયા પછી મેં એક દિવસ અડધી રાત્રે એમને ફોન કર્યો, મને ભાઈ-ભાઈ ફિલ્મનું ગીત સંભળાવ, કદર જાનેના... ટ્રન્કકોલ બુક કરાવવા પડતા. એ જમાનામાં બાવીસ મિનિટ સુધી અમે વાતો કરતા રહ્યા અને મદન મોહન ગાતા રહ્યા, જુદાં જુદાં ગીતો... અમારી વચ્ચે પૈસા કદી આવ્યા જ નહીં. એમણે મારા એક ગીત પરથી કોમ્પોઝિશન બનાવ્યું ને મેં જ્યારે એમને એમ કહ્યું કે, તમે આ ગીત મારા કોમ્પોઝિશન પરથી બનાવ્યું છે. ત્યારે એમણે હસીને બેશરમીથી કહ્યું, તો શું થયું? દોસ્તીમાં એટલો હક તો છે.

એવી જ રીતે શકીલ બદાયૂંની સાહેબે એક વાર ટ્રેનમાં બારીમાંથી જ મને એક ગઝલ પકડાવી... હજી તો અમે ત્રણ સ્ટેશન પાર કરીએ એ પહેલાં જ જાણે મારા મનમાં એ ગીતનું કોમ્પોઝિશન બેસી ગયું, ઐ મોહબ્બત તેરે અંજામ પે રોના આયા...

કૈફી આઝમીને કોઈએ એકવાર પૂછેલું કે તમે તો નઝમો માટે જાણીતા છો. ગઝલ લખવાની શરૂઆત કેમ કરી? ત્યારે એમણે કહેલું, જે શાયરના અલ્ફાઝને બેગમ અખ્તરનો અવાજ નથી મળ્યો એની શાયરી બેકાર છે. ગાલિબ ચિત્રકળા શીખ્યા. કારણ કે એમને સુંદર સ્ત્રીઓનાં ચિત્રો બનાવવાં હતાં. એવી જ રીતે મારા મૃત્યુના એક જ અઠવાડિયા પહેલાં મેં કૈફી આઝમીની ગઝલ રેકોર્ડ કરી, સુનાકરો મેરી જાઁ, ઈનસે ઉનસે અફસાને, સબ અજનબી હૈં યહાં, કિસકો કૌન પહેચાને...

 થોડાંક જ વર્ષો પછી એ જગ્યા સાવ બદલાઈ ગઈ. સતીશ ટંકસાલે નામના એક પ્રશંસકે એક લેખ લખ્યો. 

લગભગ બાવીસ કે ત્રેવીસ વર્ષ પહેલાં, મને ખબર પડી કે લખનઊના ‘પસંદ બાગ’માં બેગમ સાહેબાના મકબરાની હાલત સારી નથી. કોઈ તેની મુલાકાત લેતું નથી, કોઈ તેની સંભાળ રાખતું નથી. મને ખૂબ દુ:ખ થયું. જે કલાકારે પોતાની કલા દ્વારા લાખો લોકોના જીવનમાં સંગીતના સૂર રેલાવ્યા તેમની સંભાળ રાખનાર કોઈ નથી, આવું કેમ છે? આપણે સંગીત પ્રેમીઓ આટલા કૃતઘ્ન કેમ છીએ? હું બેચેન થઈ ગયો. મેં વિચાર્યું, બીજાઓ પર આંગળી કેમ ચીંધવી? લખનઊ જઈને જાતે જ કેમ ન જોવું કે સત્ય શું છે?

હું લખનઊ ગયો. મને ફક્ત એટલી જ ખબર હતી કે બેગમ સાહેબાની કબર ‘પસંદ બાગ’માં છે. લખનઊમાં પૂછપરછ કર્યા પછી પણ, કોઈ મને કહી શક્યું નહીં કે પસંદ બાગમાં કબર ક્યાં છે. જેને પણ હું પૂછતો, ‘બેગમ અખ્તરની કબર ક્યાં છે?’ તે જવાબ આપતો, ‘કઈ બેગમ અખ્તર?’ મને નવાઈ લાગી કે આ લોકો આટલા મહાન કલાકારને ઓળખતા નહોતા. અંતે, એક વૃદ્ધ સજ્જને મને સાચું સ્થાન કહ્યું, છતાં લગભગ દોઢથી બે કલાક શોધ્યા પછી, આખરે મને કબરનું સ્થાન મળ્યું. બેગમ સાહેબાની કબરની હાલત જોઈને, મારા આંસુ છલકાઈ ગયા. શું આ એ જ બેગમ અખ્તર હતી જેણે આપણા બધા માટે શ્રેષ્ઠ ગઝલો ગાઈ છે? 

એક સંગીત પ્રેમી તરીકે, મને શરમ આવી. કબરની કેવી હાલત હતી? ગાયો અને બકરા ચારે તરફ ઊગી નીકળેલા ઘાસમાં બેઠા હતા, છાણની દુર્ગંધ ફેલાઈ રહી હતી, દીવાલો તૂટી ગઈ હતી, માટીના ઢગલા હતા અને કબર પરના પથ્થર ઊખડી ગયા હતા.

મેં ઉદાસ થઈને જોયું. મને સમજાયું કે ઉદાસીથી કંઈ થશે નહીં. હવે સમય છે સેવા કરવાનો, પ્રાર્થના કરવાનો, તે મહાન કલાકારનો આભાર માનવાનો, જેમણે મારા જીવનને પોતાના જાદુઈ સૂરોથી ભરી દીધું છે. પછી, મારી પાસે રહેલી વોકમેનના ટેપ પર, મેં બેગમ સાહેબાની ગઝલ વગાડી. આખા વિસ્તારને સાફ કર્યા પછી, મેં કબર પર ગુલાબ અર્પણ કર્યા અને ધૂપદીપ પ્રગટાવ્યા. આંખો મીંચી ત્યારે મેં અખ્તરબાઈના હોઠ પર સ્મિત જોયું. 

પછી મેં હંમેશાં બેગમ સાહેબાના દરગાહની મુલાકાત લેવાનો, આભાર માનવાનો અને તેમની સેવા કરવાનો નિર્ણય લીધો, જેથી તેમને એકલતા ન લાગે. ત્યારથી, મેં દર વર્ષે તેમની પુણ્યતિથિ પર પુણેથી લખનઊ મુસાફરી કરવાનું શરૂ કર્યું. બીજા વર્ષે, જ્યારે હું લખનઊ ગયો, ત્યારે મેં બેગમ સાહેબાના ઘરે જવાનું નક્કી કર્યું. પણ પછીથી, મને પસ્તાવો થયો, મને લાગ્યું કે જો હું ન ગયો હોત તો સારું થાત, કારણ કે ઘર તોડી પાડવામાં આવ્યું હતું. એ ઘરની યાદોને જીવંત રાખવા માટે, હું ત્યાંથી તેની થોડી માટી લઈ આવ્યો. એને ઘરના ફૂલના કુંડામાં મૂકી, જેથી બેગમ સાહેબાનાં ગીતોની સુગંધ ફૂલોમાં ફેલાય.

મેં આ અંગે આકરો લેખ લખ્યો. મારો લેખ છપાયો. ધીમે ધીમે વાત ફેલાઈ ગઈ. લખનઊના અખબારના લોકોએ મારો સંદેશ દરેક ખૂણે પહોંચાડ્યો. મને વિશ્વાસ હતો કે જો બધા સંગીત પ્રેમીઓ સાથે મળીને કામ કરે, તો બેગમ સાહેબાના દરગાહને દુનિયા સમક્ષ લાવવાનું મુશ્કેલ નહીં હોય. દરગાહ એક માધ્યમ હતું, પરંતુ ખરી ઇચ્છા એ હતી કે સંગીત પ્રેમીઓ હંમેશાં બેગમ અખ્તર જેવા મહાન કલાકારને યાદ રાખે અને આવનારી પેઢીઓ પણ બેગમ સાહેબાની પ્રતિભાથી વાકેફ થાય. 

લખનઊના સંતકડા સંગઠન અને બેગમ સાહેબાના ઘણા પ્રશંસકોના પ્રયાસો સફળ થયા, અને પાંચથી છ વર્ષ પહેલાં, બેગમ અખ્તર સાહેબાના મકબરાને રૂપાંતરિત કરવામાં આવ્યું. હવે, દર વર્ષે મકબરા પર એક સંગીતમય મેળાવડો યોજાય છે. મુલાકાતીઓનાં મંતવ્યો વિઝિટર બુકમાં નોંધાયેલા છે. લખનઊના હેરિટેજ વોકમાં બેગમ અખ્તરના દરગાહની મુલાકાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે, સંગીતની રાણી, બેગમ અખ્તર, તેમના મહેલમાં શાંતિથી આરામ કરી રહી છે. (સતીશ ટંકસાલ)

હું તો નથી રહી, પણ લાખો પ્રશંસકોની આંખોમાં મને સંભળાય છે મારો અવાજ... વો જો હમ મેં તુમ મેં કરાર થા, તુમ્હેં યાદ હો કે ન યાદ હો... વો નયે ગિલે, વો શિકાયતે, વો મઝે મઝે હિકાયતે, વો હરએક બાત પે રુઠના, તુમ્હેં યાદ હો કે ન યાદ હો...