Tue Jul 28 2026

Logo

ચારધામ યાત્રા પર બે દિવસનો બ્રેક; છેવટે કેમ રોકવામાં આવી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીની આ યાત્રા?

2026-07-28 15:08:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા પર હાલમાં રોક લાગી ગઈ છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને મંગળવાર અને બુધવાર માટે ચારધામ યાત્રા સ્થગિત કરી દીધી છે. રાજ્યના ઘણા ભાગોમાં સતત વરસાદ, ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની ઘટનાઓ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આની સાથે જ સેન્ટ્રલ વોટર કમિશને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં મધ્યમ, ફ્લેશ ફ્લડ (અચાનક આવતું પૂર)ની ચેતવણી પણ જારી કરી છે.

ગઢવાલ મંડળના આયુક્તના જણાવ્યા મુજબ, યાત્રા ત્યારે જ ફરી શરૂ થશે જ્યારે હવામાન સામાન્ય થશે અને રસ્તાઓને સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર કરવામાં આવશે.

ચારધામ યાત્રા કેમ રોકવી પડી?

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મોસમી વરસાદ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ પહાડોમાંથી કાટમાળ અને ખડકો પડવાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે ચારધામ જતા મુખ્ય માર્ગો અનેક સ્થળોએ અવરોધાયા છે.

હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ જ કારણસર સરકારે જોખમ લેવાને બદલે યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવાનો નિર્ણય કર્યો.

કયા જિલ્લાઓમાં સૌથી વધુ જોખમ?

ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં મોડી રાતથી સતત વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે ગંગા, અલકનંદા, ભાગીરથી, પિંડર, કોસી, ટૉસ, યમુના, બાંદલ, સોંગ જેવી અનેક નદીઓ ગાંડીતૂર થઈને વહી રહી છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં ઉત્તરાકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી ગઢવાલ અને પૌડી ગઢવાલ સામેલ છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે વીજળી પડવા અને ભૂસ્ખલનનું જોખમ પણ છે.

હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને દેહરાદૂન, રુદ્રપ્રયાગ, પૌડી, પિથોરાગઢ અને બાગેશ્વરમાં શાળાઓમાં એક દિવસની રજા રાખવામાં આવી છે.

પ્રશાસને લોકોને શું અપીલ કરી?

પ્રશાસને સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને કહ્યું છે કે તે નદી-નાળાની નજીક બિલકુલ ન જાય. બિનજરુરી યાત્રા ન કરે. પહાડોના રસ્તાઓ પર ખુબ જ સાવધાની રાખે. હવામાન વિભાગ અને જિલ્લા તંત્રની એડવાઇઝરીનું પાલન કરો. આ સાથે જ અફવાહો પર ભરોસો ન કરવા અને ફક્ત ઓફિસિયલ જાણકારી પર વિશ્વાસ કરવાની અપીલ કરી છે.