ભુજઃ ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે ઝડપથી વિકસી રહેલા ભાતીગળ પ્રદેશ કચ્છમાં આંતરમાળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટો વધારો થયો છે. આગામી બે દાયકાના સંભવિત વિકાસ અને વાહનોના સતત વધતા બોજને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અબજો રૂપિયાના ખર્ચે રોડ નેટવર્કને આધુનિક અને સુગમ બનાવવાની વિવિધ યોજનાઓ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કચ્છમાં રોડ નેટવર્કના આધુનીકરણ અને મજબૂતીકરણ માટે રૂા. ૩,૦૦૦ કરોડના ખર્ચે પાંચ મુખ્ય પ્રકલ્પો પર કામ ચાલી રહ્યું છે. જેમાં ભુજ-ભચાઉ અને ભુજ-નખત્રાણા વચ્ચે હાઈસ્પીડ કોરિડોર, 'રોડ ટુ હેવન'નું અપગ્રેડેશન, મુંદરા પોર્ટને જોડતા માર્ગોનું આધુનીકરણ તેમજ ગ્રીન ટેક્નોલોજી આધારિત રોડ નિર્માણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોના કામો પણ પ્રગતિ હેઠળ છે.
રાજ્ય સરકાર દ્વારા ભુજ-નખત્રાણા માર્ગ માટે રૂા. ૯૩૭ કરોડ અને ભુજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર માટે રૂા. ૬૯૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ કોરિડોર અંતર્ગત હયાત રસ્તાઓને પહોળા કરવાની સાથે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વાહનવ્યવહારને ગતિ આપવા માટે ઓવરબ્રિજ તથા અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે. ભુજ-ભચાઉ કોરિડોરનું કામ માર્ચ ૨૦૨૭ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે, જેની તાજેતરમાં જિલ્લા કલેક્ટરે પણ સ્થળ મુલાકાત લઈને પ્રગતિની સમીક્ષા કરી હતી.
રસ્તા નિર્માણમાં ટકાઉપણું લાવવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારે ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. કચ્છમાં લુણી-ગુંદાલા-બાબિયા માર્ગનું કામ આધુનિક ગ્રીન ટેક્નોલોજીના માધ્યમથી કરવામાં આવશે.
રોડ નેટવર્કના વિસ્તરણ અને આધુનિકરણ વચ્ચે જમીન સંપાદનની પ્રક્રિયા સૌથી મોટી પડકારજનક બની રહી છે. સંપાદનની કામગીરીમાં થતા વિલંબના કારણે કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)