Mon Aug 31 2026

Logo

કચ્છની રિયાઝ શાળાઓથની લુપ્ત થતાં જોડિયા પાવા સહિતના લોક વાજિંત્રોને મળ્યું નવજીવન

2026-08-05 09:43:45
Author: Mayur Patel
કચ્છની રિયાઝ શાળાઓથની લુપ્ત થતાં જોડિયા પાવા સહિતના લોક વાજિંત્રોને મળ્યું નવજીવન

ભુજઃ કચ્છની સંસ્કૃતિ અને ઓળખ સમાન પરંપરાગત લોકસંગીત તેમજ લુપ્ત થવાના આરે પહોંચેલાં દુર્લભ વાજિંત્રોને પુનઃજીવિત કરવા માટે કચ્છમાં વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોડિયા પાવા, સુરંદો, મોરચંગ, સંતાર અને ઘડો-ગમેલો જેવાં પ્રાચીન વાદ્યોના સંરક્ષણ માટે અનુભવી કલાકારો શાળા-કોલેજોમાં વર્કશોપ યોજીને નવી પેઢીને તાલીમ આપી રહ્યા છે, જેના પરિણામે વિસરાઈ રહેલી આ લોકકલાને નવજીવન મળી રહ્યું છે.

કચ્છના ભાતીગળ પ્રદેશ બન્ની, પચ્છમ, વાગડ અને અબડાસા જેવા વિસ્તારોમાં ખેડૂતો, મજૂરો અને માલધારી સમુદાયના નિજાનંદમાંથી આ વાદ્યોનો જન્મ થયો હતો. રોજબરોજના વપરાશના વાસણોમાંથી બનેલું 'ઘડો-ગમેલો', ઊંટની ચાલ સાથે તાલ મિલાવતું 'મોરચંગ', સતત ફૂંક મારીને વગાડાતા 'જોડિયા પાવા' તેમજ સૂફી કલામ અને ભજનોમાં વપરાતું 'સંતાર' જેવાં વાદ્યો એકસમયે માત્ર ગામના પાદરે કે વગડામાં સંભળાતાં હતાં. જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં વગાડનારાઓની સંખ્યા ઘટતાં આ વારસો લુપ્ત થવાને આરે પહોંચ્યો હતો. ખાસ કરીને 'સુરંદો' જેવા પ્રાચીન વાદ્યના કચ્છમાં હાલ માત્ર એક જ કલાકાર ઓસમાણ જત હયાત છે, જેઓ આ વારસો જાળવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે.

આ લુપ્તપ્રાય કલાને બચાવવા માટે 'કલાવારસો' નામની સ્થાનિક સંસ્થા અને અનુભવી લોકકલાકારો દ્વારા રિયાઝ શાળાઓ અને શાળાઓમાં તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ૮૦-૯૦ના દાયકામાં આ વાદ્યોના જે માત્ર બે-ત્રણ કલાકારો હતા, તેમની સંખ્યા વધીને હવે દસથી બાર જેટલી થઈ છે.

બીજી તરફ, કચ્છમાં પ્રવાસન અને રણોત્સવના વિકાસથી સ્થાનિક કલાકારોને દેશ-વિદેશમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંચ મળ્યાં છે. જોકે, કલાકારો અને સંસ્થાના તજજ્ઞોનું માનવું છે કે પ્રવાસીય કાર્યક્રમોમાં સ્થાનિક લોકકલાકારોને માત્ર પ્રદર્શનની વસ્તુ બનાવવાના બદલે અન્ય મુખ્ય કલાકારો જેવું યોગ્ય માન-સન્માન અને આર્થિક પ્રોત્સાહન મળે તે અત્યંત જરૂરી છે. જો સરકાર અને સંગીતપ્રેમીઓ તરફથી યોગ્ય પીઠબળ પૂરું પાડવામાં આવે, તો કચ્છની આ અનમોલ સંગીત ધરોહર આગામી પેઢીઓ સુધી સુરક્ષિત રહી શકશે.

(ઉત્સવ વૈદ્ય)