Wed Sep 02 2026

Logo

વલો કચ્છ: કચ્છનું જીવંત લોક સ્થાપત્ય

2026-08-30 08:08:00
Author: Giriraj
વલો કચ્છ: કચ્છનું જીવંત લોક સ્થાપત્ય

 

 

 

- ગિરિરાજ

 

એક પ્રખ્યાત અમેરિકન આર્કિટેક્ટ ફ્રેન્ક લોયડ રાઈટનું વિધાન છે કે Architecture is that great living creative spirit which from generation to generation, from age to age, proceeds, persists, and creates, according to the nature of man and his circumstances as they change. That is really architecture. અર્થાત્ સ્થાપત્યકલા એ એક મહાન જીવંત સર્જનાત્મક ભાવના છે જે યુગો યુગોથી; પેઢી દર પેઢી આગળ વધે છે, ચાલુ રહે છે જે માણસના બદલાતા રહેતા સ્વભાવ અને સંજોગો અનુસાર સર્જન પામે છે. તે જ ખરેખર સ્થાપત્ય છે. 

 

કચ્છ એ ભારતના સૌથી વધુ વિસ્મયકારક જિલ્લાઓ પૈકીનો એક છે. આ ધરતીએ ક્યારેય આશ્ર્ચર્યચકિત કરવાનું છોડ્યું નથી. તેની ગતિશીલ ભવ્યતા માનવચક્ષુને સતત મોહિત કરે છે. ઇતિહાસકારો, નૃવંશશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ, પુરાતત્ત્વવિદો, સમાજશાસ્ત્રીઓ, કલાપ્રેમીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓની રુચિને આકર્ષિત કરવા માટે આ નોંધપાત્ર પ્રદેશમાં અનેકવિધ વિશિષ્ટતાઓ છુપાયેલી છે. કચ્છને સમજવા માગતા લોકો માટે તે તેના સમૃદ્ધ અને બહુપક્ષીય પાસાંઓ જેવા કે તેનો સાંસ્કૃતિક વારસો, ભાષાકીય વિવિધતા, કલાત્મક પરંપરાઓ અથવા ભૂસ્તરશાસ્ત્રીય અજાયબીઓના અન્વેષણ માટે સતત નવાં પરિમાણો ઉજાગર કરે છે. 

 

આ પ્રદેશનું સ્થાપત્ય એ તેના ઐતિહાસિક, સામાજિક અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યનું સુંદર સંયોજન છે. પ્રાચીન વસાહતો અને તેની પદ્ધતિઓની વાત કરીએ તો ધોળાવીરા જેવી હડપ્પીય વસાહતોને કચ્છના સ્થાપત્ય વિકાસની પ્રારંભિક રચના કહી શકાય. અહીંનું નગરનિયોજન અને જળસંચય પદ્ધતિ દર્શાવે છે કે કચ્છના સ્થાપત્યશાસ્ત્રનાં મૂળ તત્ત્વોે ઘણાં જૂના સમયથી વિકસિત થયાં હતાં. સ્થાપત્યનું મૂળ અહીંની પરંપરા અને લોકજીવન શૈલી સાથે ગાઢ રીતે સંકળાયેલું છે, જે કોઈ એક શાસન અથવા શૈલીથી નહીં, પરંતુ સમય, સમુદાય અને સમૃદ્ધિ અનુસાર બદલાતું રહ્યું છે. 

 

વિવિધ યુગોમાં અને સંસ્કૃતિઓમાં સ્થાપત્યકલાની વૈવિધ્યસભર પ્રકૃતિમાં માણસ પોતાનો સર્જનાત્મક વિકાસ પ્રગટ કર્યો છે જે મકાન બાંધકામની કલામાં મોટો ફાળો આપનાર તરીકે સ્થાન ઊભું કર્યું છે.

 

સત્તર, અઢાર અને ઓગણીસમી સદીની વિશિષ્ટ નગર વસાહતો ગુજરાતના ઘણા પ્રદેશોમાં આ વલણની સાક્ષી આપે છે. આ જ કારણસર આજે કચ્છ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વસાહતો છેલ્લાં ત્રણસો વર્ષનો સ્થાનિક વાસ્તુકલાના અમૂલ્ય વારસાસમાન છે. જોકે જ્યાં સુધી પરંપરાઓ જીવંત હતી ત્યાં સુધી આવા સ્થાપત્યનું મહત્ત્વ પણ હતું. જે અંગ્રેજોના આગમન સાથે આર્થિક અને વહીવટી નિયંત્રણ તેમના હાથમાં આવવાથી સામાન્ય સમાજ જીવનના લગભગ બધાં ક્ષેત્રમાં પશ્ર્ચિમી વિચારોનો પ્રભાવ વધવા લાગ્યો. 

 

સ્થાપત્ય સાથે સંકળાયેલા મિસ્ત્રી, કુંભાર, લુહાર અને ખાસ કરીને સુથાર સમુદાયોએ આ પ્રદેશની અનોખી જરૂરિયાતોને અનુરૂપ ચિરસ્થાયી અને સૌંદર્યસભર માળખા ઊભાં કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. મંદિરો કે હવેલી માટે શિલ્પ તૈયાર કરનારા કારીગરો પોતાની જાતને સુથાર કહેતા; જેમણે આ વ્યવસાયમાં જગ્યા, દિશા અને માપનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ઉમેર્યું. 

 

અહીંના મંદિર-મસ્જિદ જેવાં સ્થાનો માત્ર ધાર્મિક પ્રતિબિંબ તરીકે નહીં, પરંતુ સાહિત્ય, કળા અને સમુદાયના જીવનના કેન્દ્ર તરીકે પણ પ્રવાહિત થયાં છે. કેરા, કોટાયનાં મંદિરો ઉપરાંત શાહ બુખારીની દરગાહ કે પીર ગૌશ મોહમ્મદનો કુબો જેવાં સ્થાનો એકદમ વર્ણનીય સ્થાપત્યશૈલીની સાક્ષીએ આજે પણ અડીખમ ઊભાં છે.

 

કચ્છના સમૃદ્ધ સમુદાયો દ્વારા નિર્મિત સૌન્દર્યસભર હવેલી કે રહેવાસી સ્થાપત્ય પર ખાસ કંઈ અભ્યાસ થયેલો ન હોવાથી અમે આ મુદ્દાને ધ્યાનમાં લઈ અભ્યાસ રજૂ કરતો કલાગંગોત્રી ગ્રંથ ‘કચ્છનું સૌન્દર્યમંડિત સ્થાપત્ય’  સુરતના કલાતીર્થ ટ્રસ્ટ અને તેના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડિયા દ્વારા પ્રકાશિત થયું છે.  

 

કચ્છનાં શહેરો અને ગામડાંઓમાં વસેલા વેપારી સમુદાયોએ પોતાની સમૃદ્ધિના સમયમાં જે મહેલાકાર હવેલીઓ ઊભી કરી તે આજે ક્યાંક જર્જરિત હાલતમાં સ્થાપત્ય સંસ્કૃતિના દૃષ્ટિચિહ્ન રૂપે ઊભી છે, તો ક્યાંક આવી જાજરમાન ઇમારતોને ન બચાવી શક્યાનો ખેદ પણ થાય છે, પરંતુ આ દસ્તાવેજે કોતરાયેલ સમયના એ મૌનને વાચા ધરવાનું કામ કર્યું છે. ઝરૂખા, સુંદર કોતરણીયુક્ત બ્રેકેટ્સવાળા સ્તંભો, જાળીદાર બારી-બારણાંવાળાં એ ઘરો માત્ર રહેવાની જગ્યા નહોતી, પરંતુ પરિવારની શક્તિ, સમૃદ્ધિ અને કલાત્મક રૂચિના પ્રતીક પણ હતાં. આમ, આ ગ્રંથમાં કચ્છના સ્થાપત્યની શરૂઆત, રહેણાંક, ધાર્મિક અને સામાજિક સ્થળો સાથે સંકળાયેલા લોકકલાકારો અને સમુદાયોની ભૂમિકાનો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે.