Mon Aug 24 2026

Logo

શિવ રહસ્યઃ તમે તમારા અહંકારમાં પ્રકૃતિની વિવિધતાને સમજી ન શકયા.

2026-08-03 08:45:00
Author: Bharat Patel
Article Image

ભરત પટેલ

કુમાર કાર્તિકેય ક્ષિરસાગર પહોંચે છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને કહે છે, ‘હું મારું બાલ્યકાળ વ્યતીત કરી રહ્યો હતો ત્યાં એક દિવસ મને ખબર પડી કે મારા માતા-પિતા કોણ છે. તેમની આજ્ઞાથી હું તેમની સાથે કૈલાસ ગયો. હું પુત્ર પ્રેમને પામવા મથી રહ્યો હતો ત્યાં પિતાજીએ મારા હાથમાં શસ્ત્રો આપી દીધા અને તેઓ મારા પિતા નહીં ગુરુ બની ગયા. શસ્ત્ર શિક્ષા મેળવી હું સેનાપતિ બની ગયો. હું ક્યારેય પુત્ર બની શક્યો નથી. તારકાસુરના વધ બાદ બધાને લાગતું હતું કે હું દેવોનો રાજા બનીશ, પણ પિતાજીએ કહ્યું કે હું દેવોનો રાજા નહીં બની શકું. 

પિતાજીએ કહ્યું ત્યારે દેવતાઓના રક્ષણ માટે યુદ્ધ કર્યું છે, અરુણાસુર સાથેના યુદ્ધ દરમિયાન મેં અરુણાસુરમાં પોતાની માતાનો પ્રેમ-વાત્સલ્ય મેળવવા તડપતો એક પુત્ર જોયો એટલે એક ક્ષણ લાગણીસભર બની જઈ તેને વચન આપ્યું કે તારી માતા અવશ્ય પુન:જીવિત થશે.’ સમજાવતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે, ‘કુમાર તમે બહુ મોટી ભૂલ કરી છે. સમસ્યા એક વચનની નથી સમસ્યા એક પુત્રને ભ્રમિત કરી તેની ભાવનાઓનો દુરુપયોગ કરવાની છે. એક દિવસ તમને ગ્લાની થશે કે તમારા માતા-પિતા તમને કેટલો પ્રેમ કરે છે, મારા પર વિશ્ર્વાસ રાખી કૈલાસ જાઓ.’ મામાની આજ્ઞા થતાં જ કુમાર કાર્તિકેય કૈલાસ પહોંચે છે. પુત્રને કૈલાસ આવેલા જોઈ માતા પાર્વતી પ્રસન્નતા અનુભવે છે. 

કુમાર કાર્તિકેય કહે છે, ‘માતા મારું જીવન દેવતાઓના કલ્યાણ માટે જ લખાયું છે, માતા પિતાના સ્નેહ માટે નહીં.’ માતા પાર્વતી આટલું સાંભળી વ્યથીત થઈ જાય છે. જ્યારે એક માતાની મમતા પર પ્રશ્ર્ન ઉઠે છે ત્યારે માતા એ સહન કરી શકતા નથી અને કહે છે કે, ‘હું છેલ્લી વાર તમને પૂછું છું કે શું તમારા વચનની પૂર્તિ હજી આવશ્યક છે.’ કુમાર કાર્તિકેય તરફથી કોઈ જવાબ ન મળતાં માતા પાર્વતી કહે છે કે ‘તમારા તરફથી કોઈ ઉત્તર ન મળતાં હું એમ સમજું છું કે તમારા વચનની પૂર્તિ આવશ્યક છે.’ આટલું કહી માતા પાર્વતી ત્યાંથી વિદાય લે છે અને અરુણાસુર પાસે પહોંચે છે પોતાની યોગાગ્નિના તેજપૂંજથી અરુણાસુરની માતાને પુન:જીવિત કરે છે. 

અરુણાસુર તેની માતાને ભેટવા જાય છે પણ તે ભેટી શકતો નથી. તેની માતાનો આત્મા તેને રોકી દે છે અને કહે છે, ‘હે અરુણ મેં જીવનભર શિવ-શક્તિની આરાધના કરી અને જીવન-મૃત્યુના ફેરાથી છુટવા માગતી હતી. હું શિવ-શક્તિ દ્વારા મળેલા આશીર્વાદથી હું જીવન-મૃત્યુના ફેરાથી મુક્ત થવાની જ હતી પણ તેં મારા શબને અગ્નિસંસ્કાર ન આપીને મને મુક્તિ ન મળવાં દીધી. 

માતા પાર્વતી હું તમને વિનંતી કરું છું કે મારા પતિ દ્વારા થતા સમાજના દમનને જોઈ હું જીવન-મૃત્યુના ફ્ેરાથી છુટવા માંગતી હતી હવે તમારા સ્પર્શથી મને મુક્તિ આપો. માતા મને મારા ધામ જવાની પરવાનગી આપો.’ માતા પાર્વતી આશીર્વાદ આપતાં અરુણાસુરની માતા વૈતરણી પાર કરે છે અને જીવન-મૃત્યુના ફેરાથી મુક્તિ મેળવે છે. પોતાની સામે મૃત માતાનું શરીર અદૃશ્ય થતાં અરુણાસુર ત્રાડ પાડે છે...
* * *
અરુણાસુર: ‘માતા પાર્વતી આ છળ-કપટ છે, તમે આવું કઈ રીતે કરી શકો? હું તમને આની પરવાનગી નહીં આપું. તમને જ્યારે ખબર હતી કે મારી માતા મુક્તિ મેળવવા તમારી ભક્તિ કરતી હતી તો તમે મને કેમ ન જણાવ્યું. તમને લોકો જગતમાતા કહે છે ને? કેવી જગતમાતા છો તમે? તમને આ શોભે છે? શું જગત માતાના હૃદયમાં મમતા નહીં ક્રુૂરતા છે. તમે મારી માતાને મારાથી દૂર કરી છે હું પણ તમને અહીંથી નહીં જવા દઉં, તમારા પુત્રો તમારા વિરહમાં જીવશે.’

આટલું કહી અરુણાસુર માતા પાર્વતી પર આક્રમણ કરવા જાય છે. એ જ સમયે કુમાર કાર્તિકેય વચ્ચે આવી જાય છે. અને કહે છે, ‘અરુણાસુર, બ્રહ્મદેવ દ્વારા મળેલા વરદાનથી હું તમને મારી તો નહીં શકું પણ, તમે મૃત્યુ માટે તલશો તેવું જીવન અવશ્ય આપી શકું છું.’

એજ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે.

ભગવાન શિવ: ‘થોભો! કુમાર.’અરુણાસુર: ‘મહાદેવ, દેવોના દેવ મહાદેવ, સારું થયું તમે આવી ગયા, હું બાળક અને સ્ત્રી સાથે યુદ્ધ લડવા નથી માગતો અને મારી પિડાનું મુખ્ય કારણ પણ તમે જ છો. તમે છળ કરી રહ્યા છો મારી સાથે. હે દેવતાઓ બ્રહ્માજી, સરસ્વતીજી, લક્ષ્મીજી, શ્રીહરિ વિષ્ણુ જુઓ દેવોના દેવ મારી સાથે કઈ રીતે છળ કરી રહ્યા છે. તમે જ સમજાવો કે અહીં અરુણાસુર છે નહીં કે કોઈ નિર્બળ માનવી.’

ભગવાન શિવ: ‘તમારી સાથે છળ તમારી પોતાની અસુરી ઇચ્છાઓએ કર્યું છે અરુણાસુર. તમારી હઠ અને વિચારવાની શક્તિએ તમારી સાથે છળ કર્યું છે. કોઈ સામાન્ય માનવી ક્યારેય પુન:જીવિત થઈ શકતો નથી, એટલું તો એક રાજાને સમજ પડવું જોઈએ. તમારી માતાનું જીવન ફરી આરંભ નહીં થઈ શકે, પણ તમે ઇચ્છો તો તમારું નવું જીવન આરંભ થઈ શકે છે.’

અરુણાસુર: ‘શું તમે મને બીજો અવસર આપી રહ્યા છો, શું કામ?’
ભગવાન શિવ: ‘હું તમારી પિડા જાણું છું.’
અરુણાસુર: ‘નહીં તમે મારી પિડા જાણતા હોત તો, મને આ પિડા આપી જ ન હોત અને તમે માતાનું વાત્સલ્ય કઈ રીતે જાણી શકો તમે તો પોતે અજન્મા છો.’
માતા પાર્વતી: ‘અરુણાસુર તમે તમારી હદ વટાવી રહ્યા છો. ધ્યાન રહે આ દેવોના દેવ મહાદેવ છે.’

અરુણાસુર: ‘મહાદેવ તમને એ તો યાદ જ હશે કે તમારી પહેલી પત્નીના શબને લઈને તમે કેટલો વખત ભટકી રહ્યા હતા, હવે તમારે ફરીવાર પત્નીના વિરહમાં જીવવું પડશે, મેં મારી આરાધનાથી માતા પાર્વતીને આહ્વાન કર્યું છે, તેઓ હવે અહીંથી નહીં જઈ શકે.’

ભગવાન શિવ: ‘અરુણાસુર તમે તમારી મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો.’
અરુણાસુર: ‘તમે મારો વધ તો કરી જ નહીં શકો, કેમ કે બ્રહ્માજીએ મને વરદાન આપ્યું છે કે, એકપદી, દ્વીપદી, ત્રીપદી કે ચતુષ્પદી પ્રાણી મારો વધ નહીં કરી શકે,’

માતા પાર્વતી: ‘મૂર્ખ અરુણાસુર! તમે વિચાર્યું કે હવે હું અમર છું ખરું ને? પણ તમે તમારા અહંકારમાં પ્રકૃતિની વિવિધતાને ન સમજી શકયા. તમે ભૂલી ગયા કે સંસારમાં ષષ્ટપદી પ્રાણી પણ હોય છે. હવે તમારો અંત નિશ્ર્ચિત છે, તુરંત મહાદેવની શરણે જાઓ અન્યથા દંડીત થવાની તૈયારી કરો.’
અરુણાસુર: ‘દેવી પાર્વતી! શું તમે મને દંડીત કરશો? હું જોઉં છું તમારી પાસે કઈ શક્તિ છે જે તમને બચાવશે.’

માતા પાર્વતી: ‘દેવી ભ્રામરી પ્રગટ થાઓ.’
માતા પાર્વતીના આદેશથી દેવી ભ્રામરી પ્રગટ થાય છે. (દેવી ભ્રામરી ભમરાઓની દેવી)
દેવી ભ્રામરી: ‘માતા આદેશ આપો હું તમારી શું સેવા કરી શકું.’
માતા પાર્વતી: ‘જાઓ તમારા ભમરાઓને આદેશ આપો કે અરુણાસુરને સંસારથી મુક્ત કરે.’

માતાનો આદેશ સાંભળતાં જ દેવી ભ્રામરીના શરીરમાંથી લક્ષચોર્યાસી ભમરા નીકળ્યા અને અરુણાસુરના શરીરને વળગી પડયાં. થોડી જ ક્ષણોમાં અરુણાસુર તડપી તડપીને નિસ્તેજ થઈ ગયો. (ક્રમશ:)