અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વચ્ચે રાહદારીઓ માટે સુરક્ષિત અને સુવિધાયુક્ત માર્ગ ઉપલબ્ધ કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોજન મુજબ શહેરના 10 મહત્વના સ્થળોએ લિફ્ટ સહિતના આધુનિક ફૂટ ઓવરબ્રિજ (FOB) બનાવવામાં આવશે. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ હાથ ધરવામાં આવશે. પ્રસ્તાવિત દરેક FOB માટે અંદાજિત રૂ.4 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. આ માટે AMC દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) મંગાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં ક્યાં અને કેટલા મીટરના ફુટઓવર બ્રિજ બનશે?
વિસ્તાર લંબાઈ (મીટરમાં)
IIM રોડ, અંધજન મંડળ પાસે 34 મીટર
GMDC ગ્રાઉન્ડ, સમરસ હોસ્ટેલ પાસે 34 મીટર
વસ્ત્રાપુર તળાવ 36 થી 42 મીટર
જનપથ ટી જંક્શન, મોટેરા 56 મીટર
જશોદાનગર ચાર રસ્તા 55 મીટર
નારોલ સર્કલ 54 મીટર
કૃષ્ણનગર 40 મીટર
ઠક્કરનગર 40 મીટર
અસારવા રેલવે ક્રોસિંગ 24 મીટર
વોરાના રોઝા, સરસપુર 18 થી 20 મીટર
બંને છેડે લિફ્ટ, 20થી વધુ લોકોની ક્ષમતા
દરેક ફૂટ ઓવરબ્રિજના બંને છેડે રાહદારીઓ માટે લિફ્ટની સુવિધા આપવામાં આવશે. દરેક લિફ્ટની ક્ષમતા ઓછામાં ઓછા 2,000 કિલોગ્રામ રાખવામાં આવશે અને તેમાં 20થી વધુ લોકો એકસાથે જઈ શકે તેવી વ્યવસ્થા હશે. લિફ્ટમાં મશીન રૂમ-લેસ (MRL) ટ્રેક્શન અથવા હાઇડ્રોલિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. FOBના પદયાત્રી માર્ગની પહોળાઈ ઓછામાં ઓછી 3 મીટર અને રસ્તા પરથી તેની ઊંચાઈ ઓછામાં ઓછી 6 મીટર રહેશે.
વીજળી જાય તો પણ લિફ્ટ ચાલુ રહેશે
રાહદારીઓને સતત સુવિધા મળી રહે તે માટે દરેક FOBમાં પાવર બેકઅપની વ્યવસ્થા રહેશે. વીજળી પુરવઠો ખોરવાય તો લિફ્ટ સહિતની જરૂરી કામગીરી ચાલુ રાખવા માટે 15 KVA ડીઝલ જનરેટર અથવા ઓછામાં ઓછા 30 મિનિટનો UPS બેકઅપ રાખવાનો રહેશે.
સુરક્ષા માટે CCTV કેમેરાની વ્યવસ્થા
દરેક FOB પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10થી 16 CCTV કેમેરા લગાવવામાં આવશે. CCTVનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સુરક્ષિત રાખવાનું રહેશે. આ વ્યવસ્થાથી રાહદારીઓની સુરક્ષા ઉપરાંત કોઈ ઘટના બને ત્યારે CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં પણ મદદ મળશે.
15 વર્ષ સુધી ખાનગી કંપની સંભાળશે
આ પ્રોજેક્ટ Design, Build, Finance, Operate, Maintain and Transfer (DBFOT) મોડલ હેઠળ અમલમાં આવશે. પ્રોજેક્ટની મહત્તમ કન્સેશન અવધિ 15 વર્ષ રહેશે. બાંધકામ પૂર્ણ કરવામાં કુલ 14 મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તેમાં બે મહિના સર્વે અને ડિઝાઇન માટે તથા 12 મહિના વાસ્તવિક બાંધકામ માટે રહેશે. બાંધકામ પૂર્ણ થયા બાદ ખાનગી કન્સેશનિયર બાકીની કન્સેશન અવધિ દરમિયાન FOBનું સંચાલન અને જાળવણી કરશે.
જાહેરાતની આવકથી રોકાણ વસૂલશે ખાનગી કંપની
આ પ્રોજેક્ટ માટે AMC તરફથી કોઈ કેપિટલ ગ્રાન્ટ, એન્યુઇટી અથવા વાયબિલિટી ગેપ ફંડિંગ આપવામાં આવશે નહીં. ખાનગી કંપનીએ FOBના બાંધકામ, સંચાલન અને જાળવણીનો સમગ્ર ખર્ચ ઉઠાવવાનો રહેશે. કંપની FOB પર મળતા જાહેરાતના અધિકારો દ્વારા પોતાના રોકાણની વસૂલાત કરશે. જોકે, FOBના દેખાતા ભાગના મહત્તમ 40 ટકા વિસ્તારમાં જ જાહેરાત કરવાની મંજૂરી રહેશે. જાહેરાતમાંથી થતી વાર્ષિક આવકનો નિર્ધારિત હિસ્સો AMCને પણ આપવાનો રહેશે.
લિફ્ટ 99 ટકા ઉપલબ્ધ રાખવી ફરજિયાત
FOBના સંચાલકોએ AMCની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરવું પડશે. તેમાં દિવસમાં બે વખત સફાઈ કરવી અને લિફ્ટની ઓછામાં ઓછી 99 ટકા ઉપલબ્ધતા જાળવવી ફરજિયાત રહેશે. વર્ષ દરમિયાન લિફ્ટનો કુલ ડાઉનટાઇમ 72 કલાકથી વધુ ન હોવો જોઈએ. દરેક FOB પર 12 કલાકની શિફ્ટમાં બે તાલીમબદ્ધ ઓપરેશન અને મેન્ટેનન્સ સ્ટાફ અથવા સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. ઉપરાંત દર વર્ષે સ્ટ્રક્ચરલ હેલ્થ ઇન્સ્પેક્શન પણ કરાવવું પડશે.
AMC કરશે બાંધકામ અને સંચાલનની દેખરેખ
પ્રોજેક્ટના બાંધકામથી લઈને સંચાલન અને જાળવણી સુધીની કામગીરીની દેખરેખ AMCના અધિકારીઓ અથવા સ્વતંત્ર એન્જિનિયર/પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવશે. નક્કી કરાયેલા જાળવણી ધોરણોનું પાલન ન થાય તો ખાનગી ઓપરેટર સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.