ઇસ્લામાબાદ: ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે કે કૂતરાની પુંછડી વાંકી તે વાંકી, આ કહેવત ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ખૂબ સારી રીતે સાર્થક કરી બતાવે છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત વિરુદ્ધ ઝેર ઓકીને નવો વિવાદ છેડ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં આસિફે દાવો કર્યો હતો કે જો ઈરાનમાં સત્તા પરિવર્તન થશે તો ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન ત્રણેય મળીને પાકિસ્તાન વિરુદ્ધ 'સિંગલ પોઈન્ટ એજન્ડા' પર કામ કરશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈઝરાયલના પ્રભાવને પાકિસ્તાનની સરહદ સુધી પહોંચાડવાનું આ એક મોટું કાવતરું છે, જેનાથી પાકિસ્તાનની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
પાકિસ્તાની રક્ષા પ્રધાને ભારત પર અફઘાનિસ્તાનનો પ્રોક્સી તરીકે ઉપયોગ કરવાનો પાયાવિહોણો આરોપ પણ લગાવ્યો છે. આસિફને ડર છે કે જો પડોશી દેશોમાં સ્થિતિ બદલાશે તો પાકિસ્તાન ત્રણ બાજુથી દુશ્મન દેશોથી ઘેરાઈ જશે, જેના કારણે પાકિસ્તાનની હાલત વધુ કફોડી બની જશે. ઉલ્લેખનીય છે કે ભારત અગાઉ પણ આવા પાયાવિહોણા દાવાઓને નકારી ચુક્યું છે, પરંતુ પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓ છુપાવવા માટે સતત ભારતનું નામ ઘસડતું રહે છે.
આમ તો ખ્વાજા આસિફે આવું ભારત વિરોધી નિવેદન આપ્યું હોય તેવો આ પહેલો બનાવ નથી. ખ્વાજા આસિફની છાપ આમ પણ ભારત વિરોધી નિવેદનની રહી છે અને આથી જ આવા નિવેદનનું ફૂટી કોડી જેટલું પણ મહત્વ નથી, આસિફે પાકિસ્તાનના અંદાજે 2.5 કરોડ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ દુશ્મનોની 'સાજિશ'ને સમજે.
તેમણે કહ્યું કે ભલે નાગરિકોની રાજકીય કે ધાર્મિક માન્યતાઓ ગમે તે હોય, પરંતુ તેમણે એક થઈને આ વિદેશી દબાણ અને કાવતરાનો સામનો કરવો જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન પોતે જ પોતાના પડોશી દેશ અફઘાનિસ્તાન સાથે સીમા વિવાદમાં ખરાબ રીતે ફસાયેલું છે.