પુણે: પુણેમાં ટ્રેકર અને રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન વિશાલ અગરવાલની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલી વાગ્દત્તા સિયા ગોયલને પોલીસે આજે સવારે લોહગડ કિલ્લા પર લઇ ગઇ હતી, જ્યાં કેતનના વજન બરાબરના પૂતળાનો ઉપયોગ કરીને ક્રાઇમ સીન રિક્રિયેટ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 18 જૂને બનેલો ઘટનાક્રમ સ્થાપિત કરવાનું આ કવાયત પાછળનું લક્ષ્ય હતું. સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ કેતનને 400 ફીટ ઊંડી ખીણમાં ધકેલી દીધો હતો. રવિવારે સવારે ગુનાના સ્થળે સીન રીક્રિયેટ કરાયું હતું. સિયાને ઘટનાસ્થળે લઇ જવાઇ હતી. ડમી બોડી બનાવવામાં આવી હતી અને કેતનને ચોક્કસ કઇ રીતે ધક્કો માર્યો તે દર્શાવવા માટે સિયાને કહેવામાં આવ્યું હતું.
સિયાએ ગુનાના સ્થળે પહોંચવા માટે લીધેલો માર્ગ પણ બતાવ્યો હતો. ચેતનને પણ સીન રિક્રિયેટ કરવા અલગથી કિલ્લા પર લઇ જવામાં આવશે, એમ પુણે ગ્રામીણ પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.
લોહગડ કિલ્લા પરનો સિયાનો એક વીડિયો સામે આવ્યો છે. માસ્ક પહેરેલી સિયાને નીચે ઊતરતી વખતે શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આથી તેણે મોઢા પરનો માસ્ક કાઢ્યો હતો અને થોડા સમયે માટે એક જગ્યાએ થોભીને જોરજોરથી શ્ર્વાસ લેવા લાગી હતી. બાદમાં ફરી તેણે માસ્ક પહેર્યો હતો અને કિલ્લા પરથી નીચે ઊતરી હતી.
કેતન અગરવાલની હત્યાનું કાવતરું ઘડવા અને તેને લોહગડ કિલ્લા પરથી ધક્કો મારવા બદલ સિયા અને ચેતનની ધરપકડ કરવામાં આવી છે. સિયાએ પોલીસને જણાવ્યું હતું કે તે કેતન સાથે લગ્ન કરવા માગતી નહોતી. આથી તેણે પ્રેમી સાથે મળીને કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેને લાગતું હતું કે લગ્ન રદ કરવાથી પરિવારની બદનામી થશે.
પ્રેમીના ખભે માથું રાખી મેચ જોતી હતી સિયા,
પુણેમાં રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન અગરવાલની હત્યાના કેસની તપાસમાં દરરોજ નવી નવી વિગતો આવી રહી છે. આ હત્યાકાંડની મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતનનો નવો વીડિયો પોલીસને મળ્યો છે, જેમાં બંને જણ સ્ટેડિયમમાં સાથે બેસી ક્રિકેટ મેચ જોતા નજરે પડે છે. બંનેએ એક જ રંગની ટી-શર્ટ પહેરી હતી. ચેતનના ખભે માથું રાખી સિયા મેચ જોતી હતી, પણ લાઇવ કેમેરા સિયાની તરફ ફરતાં તે ખસી ગઇ હતી.
10 કલાક કરી પૂછપરછ
દરમિયાન પોલીસે સિયાનાં માતા-પિતા અને તેના ભાઇ સાહિલને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યાં હતાં અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે શુક્રવારે સાહિલની આશરે 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સિયા અને ચેતન વચ્ચેના સંબંધ, તેમની વચ્ચે થયેલી મુલાકાત અને હત્યાના કાવતરા અંગે સાહિલને પૂછવામાં આવ્યું હતું. સાહિલે દાવો કર્યો હતો કે સિયાએ અગાઉથી જણાવી દીધું હોત કે તેને કેતન પસંદ નથી તો પરિવારજનોએ તાત્કાલિક લગ્ન રદ કરી દીધા હોત.