અમદાવાદઃ વિસ્તરતા એવિયેશન સેકટર માટે પાઈલટ્સ તૈયાર કરવા જરૂરી બની ગયા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(એએઆઈ)એ આ માટે ટ્રેનિસં સેન્ટર શરૂ કરવાની યોજના બનાવી છે ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્ર માટે આનંદની વાત છે કે આ સેન્ટર માટે કેશોદ એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એએઆઈએ કેશોદ એરપોર્ટ પર ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (એફટીઓ) સ્થાપવા માટે બિડ મંગાવી છે.
એએઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ અનુસાર, આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ઓપરેટ, જાળવણી અને ટ્રાન્સફરના ધોરણે અમલમાં મૂકવામાં આવશે. પસંદ કરાયેલી કંપનીએ 25 વર્ષના કન્સેશન સમયગાળા માટે ટ્રેનિંગ સેન્ટરના ડેવલપમેન્ટ અને ઑપરેશન માટે જવાબદાર રહેશે, ત્યારબાદ આખુ સેન્ટર કોઈપણ ખર્ચ વિના એએઆઈને પાછું સોંપવામાં આવશે.
એએઆઈએ આ પ્રોજેક્ટ માટે કેશોદ એરપોર્ટ પર લગભગ 100 મીટર × 50 મીટરના બે પ્લોટ પસંદ કર્યા છે. આ પ્લોટનો ઉપયોગ ફક્ત ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન ચલાવવા માટે કરવામાં આવશે, જેમાં એરક્રાફ્ટ પાર્કિંગ, જાળવણી અને ટ્રેનિંગ સેશનનો સમાવેશ થાય છે.
ઓપરેટરે ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિયેશન (ડીજીસીએ)ના ધોરણો અનુસાર હેંગર, એપ્રોન, ક્લાસરૂમ, બ્રીફિંગ રૂમ અને ફ્લાઇટ ઓપરેશન વિસ્તારો જેવી બધી જરૂરી સુવિધાઓનું નિર્માણ કરવાનું રહેશે.
સુવિધાનો સક્રિય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે, કન્સેશનરએ દર ત્રણ વર્ષમાં એક એકાઉન્ટિંગ વર્ષમાં ઓછામાં ઓછા 3,000 ઉડાન કલાક પૂર્ણ કરવા આવશ્યક છે. એરપોર્ટ પર નિયમિત તાલીમ પ્રવૃત્તિ જાળવવા માટે આ શરતનો સમાવેશ કરવામાં આવ્યો છે.