Mon Jun 08 2026

Logo

કેરળની હૉસ્પિટલમાંથી ફરાર થયેલો હત્યા કેસનો ગુનેગાર મુંબઈમાં પકડાયો

2026-04-14 18:20:37
Author: Yogesh C Patel
Article Image

પોલીસના રડારથી બચવા હત્યારો ભીડવાળા પરિસરમાં કચરો વીણનારો બનીને ફરતો હતો

મુંબઈ: કેરળમાં હત્યાના કેસમાં સજા પામેલો ગુનેગાર હૉસ્પિટલમાંથી ફરાર થયા પછી મુંબઈમાં લોકોની ભીડવાળા પરિસરમાં કરચો વીણનારો બનીને સંતાયો હતો. જોકે રેલવે પોલીસને મળેલી માહિતી પછી હત્યારાને દક્ષિણ મુંબઈથી પકડી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા શખસની ઓળખ વિનિશ (25) તરીકે થઈ હતી. કેરળના મલપ્પુરમ જિલ્લાના રહેવાસી વિનિશને પેરિન્થલમન્ના પોલીસ સ્ટેશનમાં 2021માં નોંધાયેલા હત્યાના એક કેસમાં કોર્ટે કસૂરવાર ઠેરવ્યો હતો. સજા પામેલા વિનિશને કેરળની જેલમાં પૂરવામાં આવ્યો હતો.

જેલમાં સજા કાપનારા વિનિશની માનસિક સ્થિતિ બગડી હતી, જેને પગલે સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગયા વર્ષે પોલીસ અને હૉસ્પિટલના અધિકારીઓને છેતરી વિનિશ હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફરાર થયા પછી વિનિશ પોલીસથી બચવા વારંવાર પોતાનું રહેઠાણ બલતો હતો. સૌપ્રથમ તે કેરળથી ટ્રેનમાં નાગપુર પહોંચ્યો હતો અને પછી ત્યાંથી મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં તે ભીડવાળા પરિસરોમાં કચરો વીણનારો બનીને સંતાતો હતો, જેથી પોલીસની નજર આસાનીથી તેના પર ન પડે.

દરમિયાન ગયા સપ્તાહે જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ને સજા પામેલા વિનિશની માહિતી ખબરી દ્વારા મળી હતી. માહિતીને આધારે આરપીએફની ટીમે છટકું ગોઠવી વિનિશને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીકથી તાબામાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિનિશ કેરળથી ફરાર થયેલો ગુનેગાર હોવાની ખાતરી થતાં કેરળ પોલીસને જાણ કરાઈ હતી. મુંબઈ પહોંચેલી કેરળ પોલીસની ટીમે કાનૂની પ્રક્રિયા પૂરી કરી વિનિશને પોતાના તાબામાં લીધો હતો. વધુ કાર્યવાહી માટે તેને કેરળ લઈ જવાયો હતો. (પીટીઆઈ)