Thu May 07 2026

Logo

છૂટાછેડા પછી દીકરીનું ભવ્ય સ્વાગત!

2026-04-09 12:04:00
Author: Kaushik Mehta
Article Image

 

કૌશિક મહેતા

ડિયર હની,
છૂટાછેડા... આ શબ્દથી જ આખા પરિવારમાં હલચલ મચી જાય છે. એક તો છૂટાછેડાની પ્રક્રિયા બહુ લાંબી અને અકળાવનારી હોય છે અને છૂટાછેડા થઇ ગયા પછી શું? એ પ્રશ્ન પૂછાતો જ રહે છે, પણ મેરઠનો એક કિસ્સો છે. આઠ વર્ષે છૂટાછેડા મળે છે ને બાદમાં એ દીકરીનું પિતા ધામધૂમથી ઘેર સ્વાગત કરે  છે. ઢોલ નગારાં વાગે છે અને પરિવારજનોએ ખાસ ટીશર્ટ પહેર્યા છે, જેના પર લખ્યું છે: ‘આઈ લવ માય ડોટર.’ 

આપણા સમાજમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હશે, કારણ કે, આપણે ત્યાં લગ્નને માત્ર કાયદેસરતા નહિ પણ સામાજિક બંધન ગણવામાં આવે છે. લગ્ન માત્ર બે વ્યક્તિ વચ્ચે થતા નથી, પણ બે પરિવાર વચ્ચે થતા હોય છે અને સામાન્ય રીતે સાસરિયામાં વહુને નાનો-મોટો ત્રાસ અપાતો હોય તો એ સહી લે છે. એ પોતાના ઘેર ફરિયાદ પણ કરતી નથી અને કરે તો મોટાભાગે મા-બાપ તરફથી એક જ સલાહ મળે છે: ‘બેટા... થોડું સહન કરી લે. એડજસ્ટ થઇ જા...’ વિગેરે.

હમણાં ‘ચીરૈયા’ નામની એક સિરિયલ જોઈ. એમાં જે વિષય છેડવામાં આવ્યો છે એની ચર્ચા જાહેરમાં થતી નથી. એ છે, મેરિટલ રેપ. પત્નીની અસંમતિ હોય તો પતિ શરીર સુખ માણી શકે ખરો? આ વિશે આપણે ત્યાં કાયદો પણ નથી, પણ અહીં સવાલ સ્ત્રીના હકનો છે-આત્મસન્માનનો છે અને આજ સિરિયલનું જે ગીત છે એ બહુ મજાનું છે: 

‘તપતી ધૂપ મેં ઠંડી છૈયા, મેરે આંગન કી ચિરૈયા... કભી ઉડતી હૈ, કભી ગિરતી હૈ, ખુદ અપના આસમાં ચુનતી હૈ...
ના રોકો ઇસ કે પરવાઝ કો, ના બાંધો ઇસકી આવાઝ કો... યે નયે યુગ કી હે કહાની, થોડી ચંચલ, થોડી સયાની...
ચિરૈયા... ઓ રે ચિરૈયા...
(ચિરૈયા એટલે નાનું નમણું પંખી...ચિડિયા. આ શબ્દ કેટલીક વાર ઘરને વહુ દીકરી માટે પણ વપરાય છે.) 

બહુ મજાના શબ્દો છે આ ગીતના, પણ વહુને એવી સ્વતંત્રતા મળતી નથી. અલબત, પત્ની   વિરોધ કરે છે પણ એનું સાંભળે કોણ? માને કહે છે તો એ વાત અવગણે છે અને કહે છે એવું તો ચાલ્યા કરે... અને પછી લડાઈ શરૂ થાય છે. ઘરના પુરુષ સભ્યો અને પુરુષ પ્રધાન સમાજ પર વાર થાય છે,  પણ આખરે શું? એને કાયદાથી કઈ રીતે ન્યાય મળે?

સવાલ એ છે કે, આ સ્થિતિમાં શું થવું જોઈએ? ન્યાય ના મળે તો શું કરવું? અને પિયરથી જ  સાથ ના મળે તો એ દીકરી ક્યાં જાય? સમાજમાં આસપાસ એવા ઘણા કિસ્સા જોયા છે, જેમાં પતિ-પત્ની કોઈને કોઈ કારણોસર અલગ રહેતા હોય છે. કોઈ કેસ કબાડા નથી થતા, પણ સાથે  છુટકારો પણ થતો નથી. કેટલાક કિસ્સામાં સ્ત્રી પોતાના પગ પર ઊભી રહી જીવન ગુજારે છે, જો કે સમાજ એને જરા જુદી દૃષ્ટિથી જુએ છે. કોઈ કિસ્સામાં માવતર એનો સ્વીકાર કરે છે, પણ ત્યાં પણ એના માટે પહેલા જેવી જગ્યા બનતી નથી.

છૂટાછેડા પણ એમ ક્યાં ઝડપથી મળે છે? એમાં પણ પ્રતાડના તો દીકરીએ જ સહેવી પડે છે. કોઈ મા-બાપ એવું ઇચ્છતા નથી કે એની દીકરીનું ઘર તૂટે. એ વાત  સાચી, પણ ત્રાસ વધતો જાય અને એ અસહ્ય બની જાય ત્યારે શું કરવું? મા-બાપ સાથ ના દે તો કોણ દે?

આ સ્થિતિમાં મેરઠનો કિસ્સો સમાજ માટે પથદર્શક બની શકે છે. આઠ વર્ષ સુધી એ દીકરીએ સાસરિયામાં ત્રાસ સહન કર્યો. એના પિતા નિવૃત્ત જજ, એમણે કહ્યું કે દીકરી પરણી જાય પછી સાસરિયામાં જ રહે ભલે ને ત્યાં એ   દુ:ખી દુ:ખી હોય એ વિચારધારા બદલાવી પડશે. દીકરી ખુશ ના હોય તો એણે સાસરીમાં રહેવા માટે મજબૂર કરવું એ ખોટું છે.

આ પિતા સલાહ આપે છે કે, છૂટાછેડા એ જીવનનો અંત નથી, પરંતુ એક નવી સુખદ શરૂઆતનો માર્ગ છે. આ પરિવાર આર્થિક રીતે સંપન્ન છે અને એટલે પિતાએ કહ્યું કે, અમે દીકરી માટે કોઈ ભરણપોષણ માગવાના નથી કે પછી કોઈ સમાના પણ પરત લેવાના નથી. 
સમાજને અમે એક સંદેશ આપવા ઇચ્છીએ છીએ.

ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું  છે. કારણો એકથી વધુ છે. દીકરીઓ વધુ ભણતી થઇ છે. આર્થિક રીતે પગભર હોય છે એટલે એ ખોટું સહન કરતી નથી. એક સમયે અલગ થવા માટે નિર્ણય લે છે. સારી વાત એ છે કે, પશ્ચિમની જેમ આપણે ત્યાં ફટાફટ છૂટાછેડા લેવાતા નથી. ભારતમાં  100 કિસ્સાએ એકમાં આવું બને છે, પણ જેમાં છૂટાછેડા નથી 

લેવાતા એ કિસ્સામાં દીકરી કેટલું બધું સહન કરે છે? એ ત્રાસની તીવ્રતા કેટલી? પણ દીકરીએ ક્યારેક કહી દેવું જોઈએ કે, ‘બસ, ઇનફ ઈઝ ઇનફ? ’
આ સવાલનો જવાબ જલદી મેળવવો પડશે.
તારો બન્ની