ચેન્નઇઃ વિજયને બહુમતીનો આંકડો પાર કરવામાં મદદ કરી શકે તેવા નાના પક્ષોમાં ડીએમકેના સાથી પક્ષ વિદુથલાઇ ચિરુથાઇગલ કાચી(વીસીકે)એ હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. જ્યારે ડાબેરી પક્ષો અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ(આઇયુએમએલ)એ ટીવીકે દ્વારા સંપર્ક કરવા છતાં સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે.
તમિલગા વેટ્ટ્રી કઝગમ(ટીવીકે)ના વડા વિજયનું આવતીકાલે તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે પાર્ટીના બહુમતીનો આંકડો પાર કરવા માટે જરૂરી સંખ્યા એકઠી કરવાના પ્રયાસો ચાલુ છે.
૨૩૪ સભ્યોની વિધાનસભામાં ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા હોવા છતાં ટીવીકે સામાન્ય બહુમતી માટે જરૂરી ૧૧૮ બેઠકોથી પાછળ છે. વિજય જીતેલી બે બેઠકોમાંથી એક બેઠક ખાલી કરશે ત્યારે પાર્ટીની અસરકારક તાકાત ઘટીને ૧૦૭ થઇ જશે.
સૂત્રોએ સંકેત આપ્યો કે રાજ્યપાલ હજુ સુધી ટીવીકેના દાવાથી સંતુષ્ટ નથી. કારણ કે પાર્ટી પાસે બહુમતી સમર્થન સાબિત કરવા માટે હજુ પણ સત્તાવાર આંકડા નથી. જો કે કોંગ્રેસે તેના પાંચ ધારાસભ્યો સાથે સમર્થન આપ્યું છે. જેથી કુલ સંખ્યા ૧૧૩ થઇ ગઇ છે. તેમ છતાં ગઠબંધન હજુ પણ પાછળ છે. જેથી અન્ય સંભવિત સહયોગીઓ સાથે વાતચીત વેગવંતી બની છે.
દરમિયાન વિધાનસભા ચૂંટણી જીતનારા સીપીઆઇ(એમ)ના ઉમેદવારો આર. ચેલ્લાસ્વામી અને લથાએ ડીએમકે મુખ્યાલય, અન્ના અરિવલયમ ખાતે ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે સીપીઆઇના નેતા ટી રામચંદ્રન અને મારિમુથુ પણ હતા.
તેવી જ રીતે આઇયુએમએલના ધારાસભ્યો સૈયદ ફારુક બાશા(એસએસબી) અને એ એમ શાહજહાં પણ સ્ટાલિનને મળ્યા હતા. જેમણે રાજ્ય અને પોતાની બેઠક બંને ગુમાવ્યા બાદ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં સીપીઆઇ(એમ), સીપીઆઇ અને આઇયુએમએલએ જાહેરાત કરી કે તેઓ ડીએમકેને ટેકો આપવાનું ચાલુ રાખશે.
અહીં એ જણાવવાનું કે ટીવીકેના વડા વિજય બુધવારે તમિલનાડુના ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ મુલાકાત તેમની પાર્ટી એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યાના બે દિવસ પછી થઇ છે. જો કે પાર્ટી પાસે સામાન્ય બહુમત કરતાં ઓછી બેઠકો છે.
ટીવીકેના સ્થાપક વિજય લોક ભવન તરફથી મળેલા નિમંત્રણ બાદ બપોરે ૩-૧૫ વાગ્યે રાજ્યપાલને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમની સાથે પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જેમાં 'બુસી' એન આનંદ, આધવ અર્જુન, કે અ. સેનગોટ્ટાઇન, સી ટી નિર્મલ કુમાર અને અન્યોનો સમાવેશ થતો હતો.