Wed May 06 2026

Logo

તમિલનાડુમાં સરકાર બનાવવાની હોડ, DMK-AIADMK વચ્ચે ગઠબંધનની અટકળો વચ્ચે વિજયે સમય માગ્યો

2026-05-06 22:29:31
Author: mumbai samachar team
Article Image

ચેન્નઈઃ તમિલનાડુમાં સરકાર બનાવવા માટે દોડ જામી છે. રાજકીય ગરમાવો દિવસે દિવસે ખૂબ વધી રહ્યો છે. આ માહોલ વચ્ચે રાજ્યમાં DMK અને AIDMK જેવી પ્રાદેશિક પાર્ટીઓના ગઠબંધનની વાતો થઈ રહી છે. તમિલનાડુના રાજકારણમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે પણ સરકાર બનાવવા માટે, સત્તા પર આવવા માટે સ્થાનિક સ્તરના મોટા નેતાઓ પણ હવે રેસમાં ઊતરી રહ્યા છે. ટીવીકે પ્રમુખ થલાપતિ વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવા દાવો કર્યો હતો. 

કોનો સાથ મળશે સરકાર બનાવવા?
112 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રજૂ કર્યો હતો. પણ રાજ્યપાલે 118 ધારાસભ્યની સહમતી તથા સમર્થનવાળો પત્ર માગ્યો છે. હવે આના પર પેચ અટવાયો છે. વિજયે આ મુદ્દે થોડો સમય માગતા હવે સરકાર કોની બનશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. વીસીકે એ DMK સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. હવે અટકળ એવી છે કે, ટીવીકેની સરકાર બનાવવા માટે વીસીકે વિજય સાથે હાથ મિલાવી શકે છે. સત્તામાં કોનો સાથ આપવો એ નક્કી કરવા માટે વીસીકેએ એક ખાસ બેઠક બોલાવી છે. સૂત્રોમાંથી વિગત એવી પણ મળી રહી છે કે, અન્ય રાજકીય પક્ષોએ પણ બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે DMK અને AIADMKના ગઠબંધનની અટકળ વચ્ચે વીસીકેએ તાત્કાલિક બેઠક રદ્દ કરી દીધી. આ પહેલા ટીવીકેનું નિમંત્રણ હોવા છતા ડાબેરી તથા ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પોતાનું સમર્થન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 

સરકાર બનાવવા આંક ટૂંકો પડ્યો
AIADMKએ વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાનો ઈન્કાર કરી દીધો. AIADMKએ કહ્યું કે, ટીવીકેના સમર્થન આપ્યાના જે ન્યૂઝ છે એ ફેક છે. હવે DMK અને AIADMKના આંકડા પર નજર કરીએ તો ચૂંટણીમાં DMKને 73 બેઠક અને AIADMKને 53 બેઠક પર સારી એવી સફળતા મળી છે. હવે આ બે પાર્ટી ગઠબંધન કરે છે તો આંકડો 106 થઈ જશે. બહુમત માટે હજુ 12 બેઠક જોઈએ છે.118ના આંક સુધી પહોંચવા માટે પાર્ટીઓમાં દોડધામ મચી છે. એવામાં બે કટ્ટર વિરોધી વિચારધારા વાળી પાર્ટીઓને અન્ય પ્રાદેશિક પાર્ટીઓનું સમર્થન જોઈશે. 108 બેઠક જીતીને ટીવીકે સૌથી મોટી પાર્ટી બની છે. પણ બહુમતી માટે 118 ધારાસભ્યોનો આંક પાર કરી શકી નથી. તમિલનાડુમાં વિધાનસભાની 234 બેઠક છે. એમાંથી ટીવીકેને 108 મળી છે. વિજય બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા બંન્ને બેઠક પરથી જીત મળી હતી. હવે એક બેઠક છોડવી પડશે. આ બેઠક બાદ સંખ્યાબળ 107 થશે. 

સૌથી જૂની પાર્ટી
AIADMKએ તમિલનાડુમાં સૌથી જૂની રાજકીય પાર્ટી છે. એ પછી DMK હરીફ પાર્ટી તરીકે આવતા દરેક બેઠક પર બરોબરની ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસે ટીવીકેને પોતાનું સમર્થન આપ્યું છે, જોકે હકીકત એ પણ છે કે, વિજયની પાર્ટને કોંગ્રેસનું સમર્થન મળે છે તો પણ 118નો આંક ઘણો દૂર છે. પ્રાદેશિક પક્ષ તરીકે અથવા ટીવીકે સિવાયના ધારાસભ્ય તરીકે વિજયનો સાથ કોણ આપે છે એ જોવાનું છે. તમિલનાડુમાં ફરી એકવાર તોડજોડનું રાજકારણ ગરમાઈ શકે છે. વીસીકેમાંથી માત્ર બે ધારાસભ્યોએ ખાતરી આપી છે કે, તેઓ આનો નિર્ણય ગુરૂવારે જાહેર કરશે.હવે 8 મે સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે.